રેતીનું ઘર … – પ્રીતિ ટેલર

ટ્રેનનાં સેકન્ડ કલાસના ડબ્બામાં બારી પાસે બેઠેલી કેરોન ભારતભ્રમણ માટે અમેરિકાથી આવી હતી. રાજધાની દિલ્હીનો રાજવી ઠાઠ, મુમતાઝ મહલની યાદમાં બનેલો મકબરો તાજમહાલ, શ્રીકૃષ્ણલીલાના સાક્ષી ગોકુળ-મથુરા-વૃંદાવનને જોયા બાદ તે હિમાલયની તળેટી સુધી જઈ પહોંચી. હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી અને ત્યાંથી જમનોત્રી, ગંગોત્રી, કેદાર, બદરી, જોષીમઠ, ઔલી, પંચપ્રયાગ તથા પોતાની હથેળીમાં છુપાવેલા મોતીની જેમ સાચવતા હિમાલયના અફાટ નયનાભિરામ સૌંદર્યને માણ્યા પછી તે રાજસ્થાનની રાજવી જાહોજલાલીના દર્શન કરી આવી. રાજસ્થાનનાં આબુને જોયાં બાદ તેણે ગુજરાતની મુલાકાત લીધી. હવે તે મહારાષ્ટ્ર થઈ દક્ષિણભારતને જોવા મુંબઈ આવી પહોંચી હતી. બોરીવલીથી લોકલટ્રેનમાં સેન્ટ્રલ તરફ જતાં વચ્ચે સાન્તાક્રુઝ આવ્યું. કંઈક વિચારતા ત્યાં તે ઉતરી ગઈ. તેના કદમ પશ્ચિમ તરફ વળી ગયાં અને એ ચાલતી ચાલતી દરિયા કિનારા સુધી પહોંચી ગઈ.

‘ગ્રીનવુડ’ સોસાયટીના બોર્ડ આગળ તેના પગ થંભી ગયા. સોસાયટીનો મુખ્ય દરવાજો ખોલીને તે અંદર દાખલ થઈ અને એકવીસ નંબરના મકાન સામે ઊભી રહી ગઈ. એ મકાન જાણે નવેસરથી બાંધવામાં આવ્યું હોય એમ લાગી રહ્યું હતું. પણ આ નવા મકાનનો આકાર ખૂબ જ આત્મીય લાગી રહ્યો હતો. કંપાઉન્ડનો લાકડાની કોતરણીવાળો દરવાજો ખોલી તે અંદર પ્રવેશી. લીલીછમ લૉનની ડાબી બાજુ પર ત્રણ કતારમાં પીળા અને લાલરંગના કરેણનાં છોડ એકની બાદ એક હારબંધ રોપેલાં. લાલ વચ્ચે પીળાં અને પાછાં લાલ એમ ત્રણ રંગીન પટ્ટા દેખાતાં. જમણી બાજુ એક સિમેન્ટની પાકી ત્રણ-બાય-ત્રણની ઓટલી પર એક રેતી-ફેવિકોલની મેળવણી કરી બનાવેલું રેતીનું ઘર હતું. મકાનની જ જાણે નાની પ્રતિકૃતિ જોઈ લો ! બંગલા સુધીનો રસ્તો રાતરાણીનાં મંડપથી બનાવેલો. બહુ જ જતનથી અને હેતથી માવજત કરી હોય એમ લાગી રહ્યું હતું. લાગણીનો ભીનો ભીનો સ્પર્શ હવામાં લહેરાઈ રહ્યો હતો.

‘કાકુ અંકલ !’ અચાનક જ કેરોન બૂમ પાડી ઊઠી… પણ તુરંત એ છોભીલી પડી ગઈ. એ જાણે કોઈ તંદ્રામાંથી જાગી હોય તેમ આજુબાજુ જોવા લાગી. એ ક્યાં આવી ગઈ હતી ? તેણે પર્સમાંથી નેહલે આપેલું સરનામું કાઢ્યું તો જોગાનુજોગ એમાં 21, ગ્રીનવુડ સોસાયટી, સાન્તાક્રુઝ, મુંબઈ જ લખેલું હતું.

થોડીવારે ઘરનો દરવાજો ખૂલ્યો. પાંસઠેક વર્ષના એક મંદાબેન ઊભા હતા. તેઓ કેરોનને એકીટશે જોઈ જ રહ્યા. તેના વિદેશી લિબાસને જોઈને તેમણે અંગ્રેજીમાં જ પૂછ્યું : ‘મે આઈ હેલ્પ યુ, મેમ ?’‘અહીં રણદીપ દેસાઈ રહેતા હતાં…..’ શુદ્ધ ગુજરાતીમાં કેરોને પ્રતિપ્રશ્ન કર્યો.તેમણે સાશ્ચર્ય જવાબ વાળ્યો : ‘હા ! તેઓ અહીં જ રહે છે. સેન્ટ્રલ કામે ગયા છે. હમણાં અરધી કલાકમાં આવશે જ….! આવને બેટા, અંદર બેસ !’ એમનું આશ્ચર્ય હજી સમાતું નહોતું. લાંબી મુસાફરીથી આવેલી કેરોન મંદાબેનની પરવાનગી લઈ સ્નાન કરી ફ્રેશ થઈ ગઈ. ત્યાં તો મંદાબેન ગરમાગરમ કૉફી અને કેળાની વેફરવાળી ડીશ લઈને દીવાનખંડમાં આવ્યા. તેમણે આજે પહેલીવાર રણદીપભાઈની ચેતવણીને અવગણી ને એક તદ્દન અજાણી છોકરીને ઘરમાં બોલાવી, બાથરૂમ વાપરવા દીધો, વળી પોતે જ કૉફી પણ બનાવી લાવ્યા. આ બધું અનાયાસે કેમ થઈ રહ્યું હતું !?! એ છોકરીમાં એવું તે શું આકર્ષણ હતું તે જ તેઓ સમજી ન શક્યા. કેરોનને તેમના ચહેરા પર રમાતી મૂંઝવણોની સંતાકૂકડી જોવાની મજા પડી હતી. આન્ટી હજીય એવા જ હતા.

થોડીવારમાં રણદીપભાઈ પણ આવી ગયા. મંદાબેને તેમને કેરોન વિશે જણાવ્યું. કેરોન એકીટશે રણદીપભાઈને જોઈ જ રહી હતી. એકદમ નિ:શબ્દ !! આ જ તેના કાકુઅંકલ !! વાળમાંની સફેદ લટો વધતી વયનાં વધામણાં આપતી હતી. સુકલકડી શરીર હજીય એવું જ ટટ્ટાર છે. અસલ વાંકાચૂકા દાંતની જગ્યા હવે સુંદર એકસરખા દાંતવાળા ચોકઠાએ લઈ લીધી હતી. ચમકદાર આંખોને શોભે એવા ચમકતી સોનેરી ફ્રેમનાં ચશ્માં !! કપાળ પર હજીય ઝૂલતી પેલી પરિચિત લટ ! આર અને ઈસ્ત્રી કરેલાં લેંઘા-ઝભ્ભાનું સ્થાન હજીય યથાવત હતું. પગમાં એજ કોલ્હાપુરી ચંપલ. કેરોન એ અનુભવી રહી હતી કે તેમની એ નજરમાં કોઈકની રાહ છે, પ્રતિક્ષા છે… કોઈકને તેઓ શોધી રહ્યા છે…. ઝીણવટભર્યા અવલોકનનો અંત લાવતાં કેરોને પોતાનું મૌન તોડ્યું.

‘અંકલ, હું નેહલ સાથે યુ.એસ.માં ભણું છું. તેણે મોકલાવેલી કેટલીક વસ્તુઓ આપવા આવી છું. નેહલ મારી બહુ સારી દોસ્ત છે. તે દિવાળીમાં અહીં આવવાની છે તેમ કહેતી હતી. આ ચિઠ્ઠી આપી છે તમારી માટે….’ અમેરિકન છાંટવાળું પણ શુદ્ધ ગુજરાતી બોલતાં તેણે બેગમાંથી ચિઠ્ઠી કાઢીને રણદીપભાઈને આપી. એને વાંચતાં વાંચતાં પતિ-પત્ની બેઉની આંખોમાંથી દીકરીની યાદ આંસુ બનીને ટપકવા માંડી. મંદાબેને કેરોનને મુંબઈ રોકાણ દરમ્યાન પોતાને ઘેર રહી જવા મનાવી લીધી. કેરોન, મંદાબેન અને રણદીપભાઈ જૂહુબીચ પર, ગેટ-વે ઑફ ઈન્ડિયા પાસે, માછલીઘર પાસે, મરીનડ્રાઈવ પર પગપાળા ચાલતાં મુંબઈને મનભરીને માણતાં. વહેલી સવારે નીકળી જતાં તે સાંજે છેક સવા દસની લોકલમાં પરત આવતાં.રવિવારે હળવાશ ખાતર કેરોને કહ્યું : ‘અંકલ, આજે ઘેર જ રહીએ તો ? હું તમારા માટે જમવાનું બનાવીશ…’ મંદાબેને આ વાતને મજાકમાં લીધી, ‘તું ? અને જમવાનું બનાવીશ ?’કેરોને આત્મવિશ્વાસથી કહ્યું : ‘ઑફ કોર્સ, અને આજના મેનુમાં હશે પંજાબી દાળ, મહારાષ્ટ્રીયન પુલાવ, ગુજરાતી રોટલી, અને રીંગણનું ભડથું….’ રણદીપભાઈ અને મંદાબેનનાં આશ્ચર્ય વચ્ચે દોઢ કલાકમાં સ્વાદિષ્ટ રસોઈ તૈયાર પણ હતી. મંદાબેને પૂછતાં જણાવ્યું કે, ‘કેરોન નાનપણથી જ ખાવાનું બનાવવાની શોખીન છે.’

‘અંકલ ! તમારું ઘર ખરેખર બહુ સરસ છે !’ બપોરે સોફા પર મેગેઝીન વાંચતાં રણદીપભાઈ પાસે કેરોન આવીને બેસી ગઈ. આજે મંદાબેન તેનો હાથ પકડી દરેક ઓરડા ખોલીને તેને આખું ઘર બતાવવા માંડ્યાં. તેમણે નેહલનો રૂમ ખોલીને બતાવ્યો. કેરોનને લાગ્યું કે આ રૂમ આખો જાણે તેમની દીકરી નેહલનાં અહીં આવવાની પ્રતિક્ષા કરી રહ્યો હતો… સમુદ્ર તરફ ખુલતી બારીને જરાક ખોલતાં જ પવનની શીતળ લહેરો કેરોનનાં કાળા ભમ્મર વાળમાં સંતાકૂકડી રમવા માંડી. નેહલની તમામ વસ્તુઓને બતાવતાં મંદાબેનની વાણીમાં દીકરી પ્રત્યેનું વાત્સલ્ય પ્રત્યેક ક્ષણે નીતરી રહ્યું હતું.‘આન્ટી આ રૂમ બંધ કેમ છે ?’ કેરોને પૂછ્યું.એ ઓરડાનું તાળું ખોલતાં મંદાબેનનો સ્વર ભારે થઈ ગયો. અત્યંત ભાવવિભોર થઈને તે બોલ્યાં : ‘આ મારા આલોકનો રૂમ છે. આજથી બરાબર સાત વર્ષ પહેલાં તે અમારાથી રિસાઈને અમેરિકા જઈને બેઠો છે. તેની યાદમાં હું અને રણદીપ ઝૂર્યા કરીએ છીએ…’

ત્યાં ટેબલ પર મૂકેલા આલોકના ફોટાને જોઈ હવે ચમકવાનો વારો કેરોનનો હતો. આ તો આલોક દેસાઈ એટલે કે તેના બોસનો ફોટો હતો !! આલોક તેનો બોસ અને દોસ્ત બન્ને હતો. કેરોન એક વર્ષ પહેલાં સુધી જ્યારે વૉશિંગ્ટનમાં અભ્યાસ કરતી હતી ત્યારે આલોકના હાથ નીચે જ પાર્ટટાઈમ નોકરી કરતી હતી. હવે તે લૉસઍન્જેલિસની કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે આવી હતી પણ આલોક સાથે રોજ ફોન પર વાત થતી. અહીંની કૉલેજમાં તેને નેહલ દોસ્ત બની મળી હતી. તે અને નેહલ એક શૉપિંગ મૉલમાં સાંજે પાર્ટટાઈમ જૉબ પણ કરતાં હતાં. પરંતુ ત્યાંની રીત પ્રમાણે તેઓ ક્યારેય એકબીજાનાં અંગતજીવનમાં રસ નહોતાં લેતાં. આજે આમ અચાનક નેહલ અને એલેક (અમેરિકામાં તેને બધા એલેક નામથી ઓળખતાં) સગાં ભાઈબહેન છે તે જાણીને કેરોનને ખૂબ આશ્ચર્ય અને આઘાત બેઉ થયાં.

છેલ્લાં ત્રણ વર્ષની એમની દોસ્તીએ હવે ધીરે ધીરે પ્રેમનો રંગ ધારણ કરવા માંડ્યો હતો. એક વખતે કેરોને એને તેના કુટુંબ વિશે પૂછેલું પણ ખરું. પણ તેણે માત્ર એટલું જ જણાવ્યું કે, ‘હું અમેરિકામાં સેટલ થવા માંગતો હતો. પણ મારા પપ્પા મને હંમેશા ના જ પાડતાં. મને અહીંની સ્કોલરશીપ મળી ગઈ ત્યારે માત્ર મમ્મીને જણાવીને હું રાતોરાત ઘર છોડીને અહીં આવી ગયો. અભ્યાસ પછી મેં મારો પોતાનો ધંધો શરૂ કર્યો. હું સારી રીતે સેટ થઈ ગયો ત્યારે દોઢ વર્ષ પહેલાં મેં મમ્મી પપ્પાને અહીં આવી જવા પત્ર લખ્યો. વળતી ટપાલે તેમણે મને એ પત્રનાં ટુકડાં તેમણે મને મોકલ્યા :‘એલેક, જ્યારે તું લગ્ન કરીશ ત્યારે પણ નહીં જાય ?’ કેરોન પૂછી બેઠેલી.‘ના, હવે નહીં જ…’ એલેકે મક્કમતાથી કહી દીધું હતું.

પોતાનો લૉસઍન્જિલિસનો અભ્યાસક્રમ પતાવ્યા પછી જ્યારે કેરોન ભારતભ્રમણ માટે આવવા નીકળી ત્યારે તેણે એલેકને વચન આપ્યું હતું કે પાછી ફરશે ત્યારે બેઉ લગ્ન કરી લેશે. બહુ કહેવા છતાંય એલેકે તેના માતાપિતાનું સરનામું કેરોનને ન જ આપ્યું. અમેરિકન સંસ્કૃતિમાં કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના અંગત જીવનમાં માથું મારતી નથી અને કદાચ એટલે જ નેહલ અને એલેક સગા ભાઈબહેન છે એ વાતની કેરોનને આજે જ ખબર પડી. આ રૂમ ઉઘડતાં જ જાણે રહસ્ય પરથી પડદા ઊંચકાઈ રહ્યા હતાં. કેરોન છેલ્લા પાંચ વર્ષથી તેના ન્યૂયોર્કમાં રહેતાં માતાપિતાથી અલગ રહેતી હતી. આજે આશ્ચર્યની સર્જાયેલી પરંપરાનો છેલ્લો મણકો તો એ હતો કે પોતાનો પ્રેમી એલેક જ તેના ‘કાકુ અંકલ’નો પુત્ર નીકળ્યો !

સાંજે પાંચેક વાગ્યે રણદીપભાઈ અને મંદાબેનને એક-બે કલાક બહાર જવાનું હતું. તેથી તેઓ ડુપ્લીકેટ ચાવી લઈને ગયા અને કેરોનને જો કશે બહાર જવું હોય તો બીજી ચાવી લઈને જવા કહી ગયા. સાંજે ઢળતા સૂર્યને દરિયામાં ડૂબકી મારતો જોવા કેરોન ધીરે ધીરે પગલાં માંડતી ઘર બંધ કરી પાસે જ આવેલા દરિયા કિનારાની રેતીમાં ચાલ્યે જતી હતી. નાળિયેરીનાં ઝૂંડ વચ્ચેની એક જગ્યા પાસે તેના પગ રોકાઈ ગયાં. તે હળવેથી ત્યાં રેતીમાં બેસી ત્યાંની રેતીને હળવેકથી પસવારવા લાગી. જાણે ત્યાં સૂતેલી સ્મૃતિઓને ઢંઢોળતી ન હોય !! હથેળીમાંથી સરી જતી રેતીની જેમ સમય પણ જાણે ક્યાંક સરી ગયો હતો ! આ એ જ જગ્યા હતી કે જ્યાં ચાર વર્ષની કરેણ તેના કાકુઅંકલ સાથે રોજ આવતી. બરાબર આ જ જગ્યાએ કરેણ અને કાકુ અંકલ રેતીમાંથી રોજ નવા ઘર બાંધતાં. એ તો એમનાં સપનાનાં મહેલ હતાં. એક સુંદર મજાનું ઘર બની જાય પછી જ બેઉ ઘેર પાછાં જતાં રહેતાં. બીજે દિવસે જ્યારે તેઓ પાછા આવે ત્યાં તો એ ઘર મળે નહીં. તેથી આ નાનકડી કરેણ ક્યારેક રડતી કે ક્યારેક ખિજાઈ જતી. ત્યારે કાકુઅંકલ પ્રેમથી સમજાવતાં, ‘જો બેટા, આપણું આ સુંદર ઘર દરિયા અંકલને એટલું બધું ગમી ગયું કે તેમણે આ ઘરમાં આવીને સૂઈ જવાનું નક્કી કર્યું પણ જેવા તે ઘરની અંદર આવ્યા તો… એ તો કેવા મોટાં છે ને ? તો તેમના અંદર આવતાં જ આ ઘર મોટું થવા ગયું અને ફુગ્ગાની જેમ ફૂટી ગયું.. ચાલ… ચાલ… આપણે હવે એનાથીય મો…ટું ઘર બનાવીએ….’ પાછું એક નવું ઘર…. બરાબર પાંચેક વર્ષ આ ક્રમ ચાલ્યો.

કરેણ અહીં રહેવા આવી હતી ત્યારે સાતેક વર્ષના આલોક અને પાંચ વર્ષની નેહલને તે જ વર્ષે રણદીપભાઈએ પંચગીનીની બોર્ડીંગ સ્કૂલમાં મૂકેલાં. તેમના આ સૂના ઘરનાં ખાલીપાને કરેણ પોતાના બાળસહજ તોફાનોથી જાણે ભરી દેતી. સવારે બ્રશ અને બદલવાના કપડાં લઈ રણદીપભાઈને ઘેર આવતી કરેણ તેમના ઘેરથી જ શાળાએ જતી – એટલી બધી એમને પરસ્પર માયા બંધાઈ ગઈ હતી. સામેના ઘરમાં રહેવા આવેલા બંગાળીબાબુ અમીય અને તનુશ્રી ચક્રવર્તીની આ લાડકવાયીનું નામ ‘કરેણ’ના ફૂલ પરથી પાડવામાં આવેલું. દસ વર્ષની થયેલ કરેણ જ્યારે અમીયબાબુની કૉલકતા બદલી થઈ ત્યારે જતી વેળાએ રણદીપભાઈ અને મંદાબેનને ગળે બાઝીને ડૂસકે ડૂસકે બહુ રડી. કારમાં બેસતાં તેણે કેટલીય બૂમો પાડી, ‘કાકુઅંકલ, જ્યારે હું મોટી થઈશને ત્યારે જરૂર તમને મળવા અહીં જ આવીશ. આપણે રેતીમાં ઘર બનાવવાનું છે… તમે અહીં જ રહેજો… ક્યાંય ન જતાં…. હું અહીંયા જ આવીશ….’ કૉલકતાથી અમીયબાબુ અમેરિકા જતા રહ્યા અને કુટુંબ સહિત ત્યાં જ સ્થાયી થઈ ગયા. ન્યુયોર્ક શહેરમાં તેઓએ પોતાનું હાઉસ પણ લઈ લીધું હતું. કેટલાંય વર્ષોથી ભારત સાથેનો સંપર્ક પણ રહ્યો ન હતો.‘હું અહીં જ આવીશ….’ રડતી આંખોએ કરેણે કહેલા એ વાક્ય એ, અંતરની એ પ્રીતે… રણદીપભાઈને પોતાનાં સગાં સંતાનો સાથે અદકેરો સ્નેહ હોવા છતાંય કરેણની પ્રતિક્ષામાં અહીં જ જકડી રાખ્યા હતા. પતિનાં અંતરની આ વાતને જાણતાં મંદાબેને પણ ક્યારેય તેમને પોતાના સંતાનો પાસે જવા આગ્રહ કર્યો ન હતો. રણદીપભાઈએ પોતાના ઘરને તોડાવીને રેતીમાં બનાવતાં હતાં એવું જ આકારનું નવું ઘર બંધાવ્યું હતું. કંપાઉન્ડમાં રેતીમાં ફેવિકોલ ભેળવીને એ ઘરની પ્રતિકૃતિ જે કરેણની યાદ હતી તે બનાવેલી અને હારબંધ વાવ્યા હતાં કરેણનાં ફૂલનાં છોડ…..

એ નાનકડી કરેણ આજે કેરોન નામની યુવતી બની ગઈ હતી. ઉઘાડા પગે પલાંઠીવાળી એણે વર્ષો બાદ દરિયાકાંઠે એ જ જગ્યાએ રેતીનું ઘર બનાવવાનું વર્ષો બાદ શરૂ કર્યું. થોડીવારે પાછળથી બીજા બે હાથ આવીને તેની સાથે જોડાયાં. રણદીપભાઈની ભીની આંખો જાણે કહી રહી હતી કે, ‘મારી કરેણ ! મારો અંતરાત્મા કહેતો હતો કે તું જરૂર આવીશ ! મારી પ્રતિક્ષા હવે પૂરી થઈ ગઈ !!’ એ સાંજે દરિયો એક ખોબલામાં સમાઈ જાય એવો નાનો બની ગયો અને એનું ખારું પાણી કરેણ અને રણદીપભાઈની આંખો માંહેથી અનરાધાર વરસી રહ્યું. નાનપણની જેમ જ રણદીપભાઈનો હાથ ઝીલી કરેણ પાછી ફરી ત્યારે મંદાબેને કરેણની પ્રિય સીંગદાણાની ચીક્કી તેને એ જ વાટકીમાં ખાવા આપી જેમાં તે નાનપણમાં ખાતી હતી. કરેણ મંદાબેનને વહાલથી ભેટી પડી. મંદાબેને તેની પીઠ પસવારતાં કહ્યું, ‘બેટા ! તું ભલે આટલા વર્ષે આવી પણ તારી આંખોએ તેં અહીં પ્રથમવાર પગ મૂક્યો ત્યારે જ તારા કરેણ હોવાની ખાત્રી આપી દીધી હતી. હૃદયને હૃદય ન ઓળખી શકે તો આપણા સંબંધો બોદાં બની જાય. તને ખબર છે… ? અમારી કરેણે જ અમને આ ભૂમિ સાથે બાંધી રાખ્યા છે….’

દસ દિવસ પછી વૉશિંગ્ટન ડી.સી.માં આવેલી 10, એલેકવિલાનું દ્વાર એલેક ઉર્ફે આલોકે ખોલ્યું તો સામે સ્મિત રેલાવતાં રણદીપભાઈ, કેરોન (કરેણ) અને મંદાબેન ઊભા હતાં….