શબ્દોના સાથીઓનો સંગમ

‘એક નંબરનો જોકર છે, જોકર!’ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માસ્ટર ઓફ સોશિયલ વર્કના ક્લાસમાં મિમિક્રી કરી બધાંને હસાવતાં મૃગાંકને જોઈ અમીએ કમેન્ટ પાસ કરી. ‘અરે મૃગાંક! તને પેલી અમી જોકર કહેતી હતી!’ મૃગાંકને તેના મિત્રએ અમીની કમેન્ટ વિષે વાત કરી. મસ્તીખોર મૃગાંક આ વાત સાંભળી ખડખડાટ હસ્યો, ‘અરે વાહ! જોકર! સરસ કોમ્પ્લિમેન્ટ છે! જોકર બનવું કંઇ નાનીમાના રાજ છે? એને તો હસતાં જ નથી આવડતું! મને એની કમેન્ટની કોઈ પરવા નથી. જિંદગી તો એક રમત છે રમત, એને હસી-ખુશીથી રમી નાખવાની!’

એક દિવસ ક્લાસ પત્યા પછી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં વાતો ચાલી રહી હતી. અચાનક મૃગાંક બોલ્યો, ‘અરે તમે પેલા લેખક ગુણવંત શાહને વાંરયા છે?’ ગુણવંત શાહનું નામ સાંભળતાં જ અમીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. મૃગાંક આગળ કંઈ બોલે એ પહેલાં જ અમી તાડુકી, ‘ખબરદાર… જો ગુણવંત શાહ વિષે કોઈ કોમેન્ટ પાસ કરી છે તો! મારે નથી સાંભળવું કંઇ…’ આટલું કહીને એ ત્યાંથી દૂર ચાલી ગઈ…

‘અરે! આને શું થયું?’ અમીનું વર્તન મૃગાંકને ન સમજાયું. ‘એ કેમ મારા ઉપર ભડકી?’‘અરે યાર, એ ગુણવંત શાહની દીકરી છે!’ મિત્રએ કહ્યું.હેં! અમી અને ગુણવંત શાહની દીકરી? હોય નહીં! મૃગાંકે કહ્યું,‘સાચું કહું યાર, હું તો ગુણવંત શાહનો જબરો ફેન છું. હું તો એમ કહેવા જતો હતો કે તમારે બધાંએ એના લેખો વાંચવા જોઇએ.’

‘અમી! તું ગુણવંત શાહની ડોટર છે?’ બીજા દિવસે અમીને રોકીને મૃગાંકે સીધો સવાલ કર્યો!‘યસ, હી ઈઝ માય ડેડ. તને ભરોસો ન હોય તો સાંજે ઘરે આવજે, ડેડી સાથે મુલાકાત કરાવી દઈશ. એક વાત યાદ રાખજે, મારા ડેડી વિશે કોઇ નબળું બોલે એ મારાથી સહન નહીં થાય.’‘અરે યાર, પણ તું એવું કેમ સમજી બેઠી કે હું તેમના વિષે ઘસાતું બોલવાનો છું?’ ‘તને આદત છે, બધી જ વાતમાં મજાક કરવાની…’ અમીએ મોઢામોઢ પરખાવી દીધું.

‘અમી! હું હસતો રહું છું એનો મતલબ એવો નથી કે હું જિંદગીને પણ હસી કાઢું છું. સદાય હસતો માણસ તેના વિચારોમાં ગંભીર ન હોય એવું તું માનતી હો તો એ ખોટું છું. મને ગુણવંત શાહ પ્રત્યે આદર છે. હું જિંદગીને સિરિયસલી લઉં છું એટલે જ હું હસતો રહું છું. અરે યાર, દુ:ખ કે સમસ્યા કોને નથી? પણ એનો મતલબ એ તો નથી કે આખો દિવસ ગંભીર રહેવું અને રોદણાં રડયે રાખવા! એની વે, જો તો આ કવિતા કેવી લખી છે?’ એમ કરીને મૃગાંકે તાજી લખેલી કવિતા અમીના હાથમાં પકડાવી દીધી!

કૃપયા પ્રતીક્ષા કીજિએ / આપ કતારમેં હૈ / સબ કો વો ગલે લગા લેગી / મોત સબકે ઇન્તઝારમેં હૈ / ચાહે હંસકર જી લો યા રો કર / હર હાલ મેં વો પકડ લેગી / ચાહે આપ કિસી ભી કિરદાર મેં હો…

કવિતાની પ્રત્યેક પંકિતમાં જીવન અને મૃત્યુની ફિલોસોફી હતી. કવિતા પૂરી થઈ ત્યાં સુધીમાં અમી વિચારે ચડી ગઈ. ‘આ માણસ આટલો બધો ગંભીર છે? એના હસતા ચહેરા પાછળ કેટલી વેદના અને કેટલા વિચારો છુપાયા છે! અમીએ પોતાની જાતને ઠપકો આપ્યો કે કોઇને નજીકથી સમજયા વગર મેં આવી ઇમ્પ્રેશન શા માટે બાંધી લીધી! એ વર્તનમાં મારાથી થોડોક જુદો છે પણ અંદરથી તો સાવ મારા જેવો જ છે!

અમી અને મૃગાંક પછી તો રોજ વાંચન, લેખન, જિંદગી, રિલેશનશિપ, પ્રકૃતિ અને ઇશ્વર જેવા વિષયો પર કલાકો સુધી વાતો કરવા લાગ્યાં. અમીને ક્યારેક તો એવું ફીલ થતું કે આ ‘જોકર’ મને ગમવા લાગ્યો છે. જો કે એમએસડબ્લ્યુના સ્ટડી વખતે નક્કી કર્યું હતું કે, કોઇ રિલેશનશિપમાં ડૂબવું નથી, બસ ભણવું છે પણ પ્રેમ ક્યાં એમ આપણું ધાર્યું કરવા દેતો હોય છે! અમીને ખબર પણ ન પડી કે ક્યારે મૃગાંકે એના દિલમાં ઘર બનાવી લીધું છે!

મૃગાંક પણ આહિસ્તા આહિસ્તા અમી તરફ ઢળતો જતો હતો. ઘણી છોકરીઓ એની દોસ્ત હતી પણ અમી પહેલી એવી છોકરી હતી જે એને ગમી હતી! સંગાથ વધતો ગયો અને સંબંધ ઘટ્ટ થતો ગયો. કોઇ એક વ્યક્તિના સાથથી આખી જિંદગી છલકી જાય છે. અસ્તિત્વ છલકતું હોય ત્યારે બધું જ મહેકતું લાગે. બંને મળતાં ત્યારે આખું જગત જાણે ઓગળી જતું. પ્રેમ થાય ત્યારે પ્રેમી જ આખું વિશ્વ બની જાય છે અને એટલે જ પ્રેમમાં હોઇએ ત્યારે આખી દુનિયા સુંદર મજાની અને જીવવા જેવી લાગે છે. અમી અને મૃગાંક એકબીજાંમાં ખોવાઈ જતાં હતાં. કોઇ મળી જાય ત્યારે જ માણસ ખોવાઈ જતો હોય છે…

અમી, આઈ લવ યુ… મૃગાંક મનમાં ને મનમાં તો રોજ આવું બોલતો હતો, પણ અમીને કહી શકતો ન હતો. આઇ લવ યુ કહીએ તે અગાઉ પ્રેમ તો કયારનોયે શરૂ થઈ ગયો હોય છે છતાં વ્યકત ન થઈએ ત્યાં સુધી પોસ્ટની ટિકિટ પર ન પડેલા સિક્કા જેવો હોય છે… પ્રેમમાં તો દિલ પર કબૂલાતનો સ્ટેમ્પ મારવાનો હોય. બસ, હવે તો એ ક્ષણની જ રાહ છે…

** ** **

સ્ટડીના ભાગરૂપે યુનિવર્સિટીના આખા ક્લાસને કેમ્પ માટે રાજપીપળા લઈ જવાયો હતો. લેકચર ચાલુ હતું ત્યારે અમી અને મૃગાંક કોઇને ખબર ન પડે એ રીતે સરકી ગયાં. બંને સરદાર સરોવર ડેમ પહોંચી ગયા.નર્મદા ડેમને છલકતો જોઇ મૃગાંકના મોંમાંથી શબ્દો સરી પડ્યા, ‘ડેમની જેમ પ્રેમ પણ ઓવરફ્લો થતો રહેવો જોઇએ, એકબીજાંના ચહેરા પર પ્રેમ ‘ગ્લો’ થતો રહેવો જોઇએ. તરસ અને તડપ વધી જાય ત્યારે એવું લાગે, પ્રેમનો સતત સ્નોફોલ થતો રહેવો જોઇએ…’

અમી મૃગાંકની આંખ સામે એકધારી જોતી રહી. જાણે પ્રેમની આખી નર્મદા નદી તેમાં સરકતી હતી. અમી દોડીને નર્મદાના કાંઠે ચાલી ગઇ. નર્મદાનાં પાણીમાં છબછબિયાં કરતી અમીએ હાથમાં એક છીપલું લીધું અને બોલી, ‘કુદરત છીપલાંમાં પણ જીવ મૂકીને એને જીવતાં કરી દે છે. જો આ છીપલામાં પણ એક જીવન ધબકે છે…’ છીપલામાં સળવળતાં નાનકડા જંતુને ઘ્યાનથી જોતી અમી પ્રકૃતિના અંશમાં ઘ્યાનમગ્ન થઈ ગઈ હતી.

દૂરથી અમીને જોઈ રહેલા મૃગાંકને થયું કે જાણે નર્મદાના કાંઠાની બધી જ સુંદરતા અમીના ચહેરા ઉપર ઊતરી આવી છે. કંઇ જ બોલ્યા વગર અમીની નજીક જઇ મૃગાંકે અમીને ચૂમી લીધી. બધું જ ભૂલી ગયેલા મૃગાંકને માત્ર ત્રણ શબ્દો જ સૂઝ્યા, ‘અમી! આઇ લવ યુ!’ અમીએ મૃગાંક સામે જોઇ પાંપણો ઝુકાવી દીધી. શબ્દો ન મળે ત્યારે આંખ બોલકી થઇ જતી હોય છે. બંને એક-બીજાંને વળગી ગયાં. ધબકારા જાણે દિલમાં નહીં પણ નગારાં ઉપર પડતાં હતા.

** ** **

‘અમી! મૃગાંક ભયંકર સાયકોલોજિકલ ડિસઓર્ડરનો પેશન્ટ છે…’મૃગાંકના રિપોર્ટ્સ જોતાંજોતાં અમીના સાયકોલોજિસ્ટ ફ્રેન્ડે મૃગાંકની બીમારી વિષે વાત કરી, ‘અમી, આ કોઇ સામાન્ય ડિપ્રેશન નથી, ઘણી વખત આવો પેશન્ટ આખી જિંદગી ડિપ્રેશનમાંથી બહાર આવી શકતો નથી. ઈટ્સ અ રેર મેન્ટલ ડિસઓર્ડર એન્ડ ફેકટ ઇઝ, ઇટ ઇઝ અનકયોરેબલ. મને ખબર છે કે તું મૃગાંકને બહુ પ્રેમ કરે છે પણ આવી વ્યક્તિ સાથે જિંદગી કાઢવાનો વિચાર… ઇટ મે બી અ ડિઝાસ્ટર!’

મનોચિકિત્સકના શબ્દો સાંભળી અમીની આંખોમાં જાણે ઓચિંતું ચોમાસું બેસી ગયું. દિલમાં દુ:ખની વીજળી ગરજતી હતી અને વેદના આંખમાંથી આંસુ બનીને વરસતી હતી. વરસાદની આખી ઋતુ જાણે આંખમાંથી એકઝાટકે ખંખેરી નાખતી હોય એમ તરત જ અમી સ્વસ્થ થઇ ગઇ. અત્યંત દ્રઢતાપૂર્વક અમીએ ડોકટરને કહ્યું, ‘મૃગાંક મારી જિંદગી છે. એમ હું એને ખતમ નહીં થવા દઉં. સાયકોલોજીને હું જેટલી જાણું છું તેના પરથી કહી શકું કે કોઇ માનસિક બીમારી એવી નથી જેને પ્રેમથી પીગળાવી ન શકાય.

માનસિક અસ્વસ્થતામાં સૌથી વધુ કશાની જરૂર હોય તો એ પ્રેમ છે! હું તેને આવી સ્થિતિમાં છોડી દેવાનો વિચાર કરું? અરે તો તો ફટ છે મારા પ્રેમને અને મારી જિંદગીને! ડોકટર તમે દવા કરજો અને હું મૃગાંકને અઢળક પ્રેમ કરીશ. મારાં સ્પર્શમાં મારી તમામ સંવેદના રેડી દઇશ. પ્રેમની તાકાતનો અંદાજ મને છે! જો મૃગાંકની બીમારી મેડિકલ મિસ્ટ્રી હશે તો હું મારા પ્રેમથી તેનું રહસ્ય ઉકેલી બતાવીશ…’

અમીની દ્રઢતા ડોકટરને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, ‘અમી, જો એવી વાત હોય તો હું તારી સાથે છું. મારી દવા અને તારો પ્રેમ, કદાચ કોઇ ચમત્કાર પણ સર્જી શકે!’મૃગાંકમાં વર્તનમાં છેલ્લા થોડા સમયમાં આવેલાં પરિવર્તનો જોઇને અમીને એટલું તો સમજાઇ જ ગયું હતું કે કંઇક ગરબડ છે. મૃગાંકના મૂડમાં અચાનક જ બદલાવ આવી જતો હતો. એકદમ હસતો હોય અને બીજી જ ક્ષણે એકદમ ગંભીર બની જતો. ચહેરો ખીલેલો હોય ત્યારે એકદમ જાણે ભરબપોરે સૂરજ આથમી જાય અને રાતનો અંધકાર ઊતરી આવે એવી કાળાશ છવાઇ જાય. ઓચિંતાનો આસમાનમાં વિહરવા લાગે અને ઘડીકમાં જાણે પાતાળમાં ઊતરી ગયો હોય એમ મૂગો થઇ જાય! અમીને સમજાતું ન હતું કે મૃગાંકને શું થાય છે! મૃગાંક પણ એના મનોભાવ વ્યકત કરી શકતો ન હતો કે મને ખરેખર શું થાય છે!

અમીને થયું કે લાવને, મૃગાંકના ઘરે વાત કરું. ઘરે જઇને કહ્યું કે, મૃગાંકને આ શું થાય છે?‘કંઇ નથી, એ તો છે જ એવો મસ્તીખોર! એક નંબરનો ધૂની અને મૂડી છે. ભાઇનો ભણવામાં જીવ નહીં લાગતો હોય એટલે આવા સીન ઊભા કરીને બધાને ડરાવે છે. થોડાક દિવસમાં બધું સરખું થઇ જશે. તું ચિંતા ન કર!’ અમીની મૂંઝવણ મૃગાંકના ઘરના લોકોએ હસવામાં કાઢી નાખી.

અમીને થયું કે મૃગાંકના મૂડમાં થતાં અપ-ડાઉન હળવાશથી લેવા જેવા નથી. અમીને તેનો એક સાયકોલોજિસ્ટ ફ્રેન્ડ યાદ આવી ગયો. અમીએ મૃગાંકને તેની પાસે જવા માટે મનાવી લીધો. ડોકટરે બધા રિપોટ્ર્સ કઢાવ્યા. રિપોટર્્સ તપાસીને કહી દીધું કે, આ બીમારી જેવી તેવી નથી. અમી માટે જાણે પ્રેમની પરીક્ષા શરૂ થતી હતી. ભણવામાં હંમેશાં ટોપ પર રહેતી અમીએ નિશ્ચય કરી લીધો કે મારા પ્રેમની પરીક્ષામાં પણ હું ફસ્ર્ટ આવીશ! નાપાસ કે નાસીપાસ થવું મને મંજૂર નથી!

ડોકટર પાસેથી નીકળ્યા પછી સાંજે જ મૃગાંક અમી પાસે આવ્યો. મૃગાંકે પૂછ્યું: ‘શું કહ્યું તારા ડોકટર દોસ્તે?’મૃગાંકને અણસાર સુઘ્ધાં ન આવે એટલી સહજતાથી અમીએ કહ્યું, ‘કંઇ નથી યાર, નથિંગ સિરિયસ. સામાન્ય ડિપ્રેશન છે. તારે થોડીક દવાઓ લેવાની છે. એ લઇશ એટલે ઓકે થઇ જઇશ. ચીયર અપ, હસતો રહે, એવરીથિંગ વિલ બી ઓલરાઇટ!’

મૃગાંક અચાનક જ ગંભીર થઈ ગયો. અમીનો હાથ પકડી તેણે ખૂબ જ ગંભીર અવાજમાં કહ્યું, ‘અમી! આખી દુનિયામાં માત્ર તું જ મને સાચી રીતે સમજે છે. એક વાત કહું, મારાથી ક્યારેય દૂર ન જતી! તારા વગર હું ખતમ થઇ જઇશ!’‘શું ગાંડા જેવી વાત કરે છે! ચલ હસ, આમ ગંભીર ન બની જા. તું તો હસતો જ સારો લાગે છે. મૃગાંક! તને મૂકીને કોઇ દિવસ ક્યાંય નહીં જાઉં. મારા પર વિશ્વાસ રાખજે. હું આખી જિંદગીની તમામ ક્ષણોમાં તારી સાથે છું.’ એક દિવસ, બે દિવસ, એક મહિનો, બે મહિના એમ કરતાં કરતાં બે વર્ષ વીતી ગયાં.

દવા એનું કામ કરતી હતી અને અમીનો પ્રેમ એનું કામ કરતો હતો. મૃગાંક જરાક પણ ઉદાસ થાય કે તરત જ અમી તેનું આખું અસ્તિત્વ તેને આનંદમાં લાવવા લગાવી દેતી. મૃગાંક ઉદાસીમાં ડૂબે એ પહેલાં અમી તેને પાછો કાંઠે ખેંચી લાવતી. મૃગાંકના મનને મજબૂત રાખવા અમીએ તેનું તન ઓગળી રહ્યું હતું એની પણ પરવા ન કરી. એક વખત તો ડોકટરે કહ્યું, ‘અમી! ઘ્યાન રાખજે, મૃગાંકનું ઘ્યાન રાખવામાં ક્યાંક તને કંઇ ન થઇ જાય!’ અમી કહેતી, ‘મને કંઇ થવાનું નથી. મને ખબર છે કે મૃગાંક માટે મારો પ્રેમ સંજીવનીનું કામ કરશે. મૃગાંક તદ્દન સાજો થઈ જશે.’

અને થયું પણ એવું જ!મૃગાંક ધીમે ધીમે એના ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો. સવા બે વર્ષ પછી તેનું પાછું મેડિકલ ચેક-અપ થયું. રિપોર્ટ્સ જોઇને ડોકટરે કહ્યું, ‘ઇટ્સ અ મિરેકલ! મૃગાંક ઇઝ એબસોલ્યુટલી ઓલરાઇટ! અમી, આ તારા પ્રેમની કરામત છે. મનોરોગમાં દવા કરતાં પ્રેમ જ વધુ કારગત નીવડે છે! કાશ, દરેક મનોરોગીના સ્વજનો આ વાત સમજી શકતા હોત!’

મૃગાંક હવે એકદમ નોર્મલ હતો, અને અમી હવામાં… જિંદગીનું લક્ષ્ય સિદ્ધ થઇ ગયું હોય એવો આનંદ તે અનુભવતી હતી. મૃગાંકે અમીને કહ્યું: ‘તેં મને નવી જિંદગી આપી છે!’ અમીએ કહ્યું, ‘ના! મેં તો મારી જિંદગીનું જતન કર્યું છે…’

** ** **

પ્રેમમાં હોઇએ ત્યારે સમય ક્યાં સરકી જાય છે એની ખબર પડતી નથી. અમી અને મૃગાંકની સ્ટડી પૂરી થઈ. અમીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જ પ્રોફેસરની જોબ મળી ગઈ. મૃગાંક પણ મેડિકલનાં અત્યાધુનિક મશીનો વેચવાના બિઝનેસમાં લાગી ગયો. દિવસો સરસ જતા હતા. જો કે બંનેની જિંદગી અને પ્રેમમાં હજુ એક અણધાર્યો વળાંક લખાયેલો હતો.

મૃગાંકનાં માતાપિતા વડોદરા છોડી અમેરિકા સેટલ થઇ ગયાં. મૃગાંકે પણ અમેરિકન એમ્બેસીમાં પરમેનન્ટ વીઝાની એપ્લિકેશન કરી. બીજી તરફ અમીને ય અમેરિકાની એક કંપનીની ઓફર આવી. મૃગાંકે અમીને કહ્યું કે, ‘તું અમેરિકા જા અને તારી જોબ ચાલુ કરી દે. મારા વીઝા છ મહિનામાં મંજૂર થઈ જ જવા જોઇએ. હું પણ અમેરિકા આવી જઇશ. આપણે બંને ત્યાં જ આપણું લગ્નજીવન શરૂ કરીશું.’અમીને પણ આ વાત ગળે ઊતરી ગઇ.

અમેરિકા પહોંચીને અમીએ તેનું નવું કામ શરૂ કરી દીધું. હવે એક જ રાહ હતી કે, ક્યારે મૃગાંક અમેરિકા આવે અને અમે બંને કાયમ માટે એક થઇ જઈએ. મૃગાંક વગર છ મહિના અમીને છ ભવ જેવા લાગ્યા. તારીખિયાંનાં પાના પર રોજ એક એક દિવસના નંબર પર ચોકડી મારીને અમી દિવસો ગણતી પણ તેને ક્યાં અંદાજ હતો કે, અઘરો સમય તો હજુ બાકી છે!

ઇન્ડિયામાં આખરે મૃગાંકને વીઝા માટે અમેરિકન એમ્બેસીનો કોલ મળ્યો. સપનાં સાકાર થવાની ખુશીમાં બંને થનગનતાં હતાં. વીઝા માટેનો ઇન્ટરવ્યુ સરસ ગયો પણ એમ્બેસી તરફથી પછી જે પત્ર મળ્યો એ વાંચીને બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ. લેટરમાં લખ્યું હતું: યોર વીઝા એપ્લિકેશન ઈઝ રિજેક્ટેડ!

સૌથી મોટો સવાલ એ થયો કે, હવે શું? બંને માટે એક એક દિવસ ભારી થઇ ગયો હતો. મૃગાંકે કહ્યું, ‘તું હિંમત રાખ. હું વીઝા માટે રિવિઝન એપ્લિકેશન કરીશ.’ મૃગાંકે એમ્બેસીમાં પાછી અરજી કરી. નસીબ જાણે બંનેને પડકાર ફેંકીને ઊભું હતું કે, આવી જાઓ! એમ્બેસીમાંથી ઇન્ટરવ્યુ માટે કોલ જ આવતો નહોતો. અમીમાં હવે હિંમત રહી નહોતી. રાત રડવામાં જતી, સવારે ભીનું થઇ ગયેલું ઓશિકું સુકાય એ પહેલાં પાછું ભીનું થઇ જતું હતું. અમેરિકાની હવા પણ હવે અમીને કાતિલ લાગતી હતી. છ મહિનામાં તો અમી સાવ સુકાઇ ગઇ.

‘મૃગાંક! હવે મારાથી નથી રહેવાતું! મને એકવાર હા પાડ એટલે હું પાછી ઇન્ડિયા આવી જાઉં! તારા વગર સ્વર્ગ પણ નથી ખપતું તો પછી અમેરિકા તો શું ચીજ છે! મને બોલાવી લે તારી પાસે… આમને આમ તો તારી રાહમાં હું ખતમ થઇ જઇશ. હું જીવું છું પણ સજીવન નથી! હું શ્વસું છું પણ દરેક શ્વાસે તરફડું છું, તું મને પાછી બોલાવી લે!’‘આવી જા… અમી! હું પણ તારા વગર તૂટી જાઉં એ પહેલાં આવી જા…’ મૃગાંકે કહ્યું અને અમીનો જીવ જાણે પાછો ચેતનવંતો થઈ ગયો. પાંખો હોત તો તરત જ ઊડીને ઇન્ડિયા આવી જાત! અમીએ તેના કામનો ફટાફટ સંકેલો કરી લીધો અને ઊડી આવી સીધી ઇન્ડિયા!

મુંબઇના એરપોર્ટ પર અમીને આવતી જોઇ ત્યારે જાણે સ્વર્ગ પોતાની નજીક સરકી રહ્યું હોય એવું મૃગાંકને લાગ્યું. બંનેએ પહેલાં તો પેટ ભરીને રડી લીધું. મૃગાંકે કહ્યું: ‘હવે બસ કર! અમેરિકામાં ઓછું રડી છે તે અહીં આવીને હજુ રડે છે!’અમીએ કહ્યું, ‘એ આંસુમાં અને આ આંસુમાં બહુ મોટો ફર્ક છે. અહીં મારા આંસુ લૂંછવા તારી આંગળીઓ તો છે!’અને રડતાં રડતાં બંને ખડખડાટ હસી પડ્યાં!

અમી અને મૃગાંક વડોદરા આવી ગયાં. થોડાં જ દિવસો થયા ત્યાં મૃગાંકને અમેરિકન એમ્બેસીમાંથી લેટર મળ્યો. યોર વીઝા ઇઝ ગ્રાન્ટેડ! ગાડી પસાર થઇ ગઇ પછી ગ્રીન સિગ્નલ મળ્યું હોય તેવું મૃગાંકને લાગ્યું.પાછો સવાલ થયો: હવે શું કરવું? મૃગાંકે કહ્યું, ‘અમી! તું કહે તેમ કરીએ!’

મૃગાંક મારી વાત માનશે કે કેમ એવા ડર સાથે અમીએ મૃગાંકને કહ્યું, ‘મૃગાંક, અમેરિકા પાછા જવાની મારી ઇચ્છા નથી. એ દેશ સમૃદ્ધ છે પણ ત્યા સંવેદના નથી. સંવેદના વગરની સમૃદ્ધિ તને અને મને ચેનથી જીવવા નહીં દે! મારું માન, આપણે અહીં જ રહીએ. આ ભૂમિ પર આપણે પ્રેમ પાંગર્યોછે તેને અહીં જ ઊગવા દઈએ. મેં મારા દિલની વાત કરી, પછી તો હવે તું કહે એમ!’

‘તને ન ગમે એવું કંઇ નથી કરવું અમી! નથી જવું અમેરિકા! મારા માટે તારી મૂરતથી કંઇ જ વધુ નથી. બોલ હવે ક્યારે મેરેજ કરીએ છીએ?’ અમી જોરથી મૃગાંકને વળગી પડી. મૃગાંક અમીના માથે રેશમ જેવા વાળ પર હાથ ફેરવતો રહ્યો. બે જીવ કાયમ માટે એક થઈ ગયા.

** ** **

અમી અને મૃગાંકના પરિવારજનો બંનેની જીવનસાથીની પસંદગીથી ખુશ હતા એટલે લગ્નમાં સમસ્યા ઊભી થવાનો કોઇ સવાલ જ ન હતો. સૌની સરળ અને સહજ સંમતિથી બંને પરણી ગયાં.અમી અને મૃગાંક શાહ વડોદરામાં રહે છે. બંને સાથે મળીને સંપર્ક કન્સલટન્સીના નામની રોજગાર આપતી કંપની ચલાવે છે. તેનાથી પણ મોટી બંનેની ઓળખ એ છે કે બંને લેખકજીવ છે. શબ્દોને પોતાની સંગાથે સજીવન રાખવાની કળા બંનેને જન્મગત અને પ્રકૃતિગત છે.અમી શાહે સંજય વૈધ સાથે મળીને બેસ્ટ સેલર ગુજરાતી પુસ્તક ‘થેંકયુ પપ્પા’નું સંપાદન કર્યું છે.

 

અમીએ એકલા હાથે લેખક, ચિંતક અને પિતા ગુણવંત શાહના પત્રોનું સંપાદન કરી ‘શબ્દે શબ્દે સેતુબંધ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. આ ઉપરાંત તેણે ‘ગુફતગુ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. અત્યારે અમી ‘થેંકયુ મમ્મી’ પુસ્તક પર કામ કરી રહી છે, જેમાં ભારતની અનેક સેલિબ્રિટીઝના તેના મધર સાથેના સંવેદનાભર્યા સંબંધોની વાત રજૂ થશે.મૃગાંકે લોકોને પ્રેરણા પૂરી પાડે તેવાં બે પુસ્તકો ‘હવે મને સારું છે’ અને ‘અહીં અને અત્યારે જ’ પ્રસિદ્ધ કર્યા છે.

મૃગાંક શાહનું વનલાઇનર કવોટેશનનું ટચૂકડું પુસ્તક ‘મનના ડ્રાયફ્રુટ્સ’ અત્યારે ચપોચપ વેચાઇ રહ્યું છે. મૃગાંક સરસ કવિતાઓ લખે છે અને તેની કવિતાનું પહેલું પુસ્તક પણ થોડા દિવસોમાં પ્રસિદ્ધ થવાનું છે. એ સિવાય મૃગાંક અત્યારે બે-ત્રણ ફિલ્મ સ્ક્રીપ્ટ લખવામાં પણ બીઝી છે.

‘મનના ડ્રાયફ્રુટ્સ’ના બે-ચાર વનલાઈનર માણવા જેવા છે. લોકો એમ કહે છે કે પ્રેમમાં કૂદતાં પહેલાં વિચારો, પણ એટલું વધુ ના વિચારો કે કૂદવાનું જ ભૂલી જાવ! બીજું અવતરણ છે, આપણને ધર્મ અને ઘ્યાન વગર ચાલી શકે, પ્રેમ વગર નહીં. મૃગાંક કહે છે, પ્રેમની તાકાત જ્યારે તાકાતના પ્રેમને વટાવી જશે ત્યારે આ પૃથ્વી પર સ્વર્ગ રચાશે.