સંઘરેલું સડશે અને આપેલું બેવડાશે

રૂપાની ઝાંઝરી … – નિશિતા સાપરા

સવારથી જેઠા પટેલની ડેલીએ દોડધામ મચી ગઈ હતી. પટેલ, પટલાણી, વનરાજ, ભીખલો અને જીવલી….બધાંય રૂપા વહુની ઝાંઝરી શોધવામાં લાગી ગયા હતા. ત્રણ માળની ડેલીનો ખૂણો ખાંચરો શોધી વળવા છતાંય વહુની એક પગની ઝાંઝરી જડતી નહોતી.‘કોઈની નજર લાગી હશે. મૂઈ ઝાંઝરીએ તો આખા ગામને ઘેલું લગાડેલું. કાલે વળી કરસનભાઈના દીકરા મોહનના વરઘોડામાં….’ મંગળા પટલાણી જીવી સામું જોઈને બોલતાં બોલતાં અટકી ગયા.‘કાલે તો રૂપા વહુએ તે ઝાંઝરી પહેરીને શું ગરબા રમ્યા છે કે આખું ગામ જોતું રહી ગયેલું…’ જીવલીએ ટાપશી પૂરાવી.‘ઘરે આવી ત્યાં સુધી તો ઝાંઝરી પગમાં જ હતી. થાકીને એવી લોથપોથ થઈ ગયેલી કે ક્યારે આંખ મળી ગઈ તે ખબર જ ના પડી. સવારે જોયું તો એક પગની ઝાંઝરી ના મળે.’ રૂપા વહુએ લક્ષ્મી ભાભીને મેડા પર આવતાં જોઈને કહ્યું.‘તોરલને નિશાળ માટે બહાર મુકવા ગઈ ત્યારે વરંડો આખો જોઈ વળી. સવારથી આખું રસોડું જોઈ લીધું. ક્યાંય તારી ઝાંઝરી ના મળી, ભૈસાબ !’ લક્ષ્મી દાદર ચઢતાં બોલી.‘બા, કોઈ ધાપ તો નહિ મારી ગયું હોય ને ?’ ભીખલાએ આમતેમ શોધતાં કહ્યું.‘ઘરમાંથી કોણ લઈ જવાનું હતું ? બોલ બોલ કર મા !’ બાએ છણકો કર્યો.

રૂપાનું ધ્યાન ભીખલા અને જીવલીમાં હતું. ક્યાંક એ બેમાંથી તો કોઈ ?…. પણ…ના, ના… વનરાજે કહેલું કે ભીખલો અને જીવલી ઘરના જ માણસો છે. તેઓ ઘરના સુખ-દુઃખમાં બધાની પડખે જ રહ્યા છે. ભીખલાએ તો બાપુજી માટે બંદુકની ગોળી પણ ઝીલી છે. રૂપા ઓરડામાં ગઈ. વનરાજ અને રૂપાની ગુસપુસનો અવાજ લક્ષ્મીએ સાંભળ્યો. થોડીવારે વનરાજ બહાર આવ્યો.‘ભાભી, હું ખેતરે જાઉં છું.’ વનરાજે મેડી ઉતરતા લક્ષ્મીને કહ્યું.‘લ્યો, મારી દેરાણીને હિજરાતી મૂકીને ક્યાં ચાલ્યાં ? ઝાંઝરી શોધી આપો…..’ લક્ષ્મીએ મહેણું માર્યું.‘ખેડાયેલા ખેતર બીજની વાટ જુએ છે, ભાભી.’‘દેરાણીનો અડવો પગેય ઝાંઝરીની વાટ જુએ છે દિયરજી…’‘વાવણી તાકડે થશે તો કેટલાંય માણસોની ભૂખ ભાંગશે.’‘ઝાંઝરી મળશે તો મારી દેરાણીના હૈયે ટાઢક વળશે.’‘પટેલ છું ભાભી, લોકોના દાણાનો વિચાર પહેલો કરીશ….’‘અને દેરાણીના મનનો ?’‘એને તો આવી બીજી બે ઝાંઝરી ઘડાવી દઈશ….’‘ઓહોહો, સો ટચના પટેલ તમે તો દિયરજી… પણ મારી દેરાણીનો જીવ તો એ જ ઝાંઝરીમાં છે…’ લક્ષ્મીએ મોઢું મલકાવીને રૂપા સામું જોયું, ‘એને પૂછો કે એનો જીવ ઝાંઝરીમાં છે કે તમારામાં….?’ રૂપા આ સાંભળીને શરમાઈને ઓરડામાં ચાલી ગઈ.

જેઠા પટેલને હવે ચાની તલપ લાગી હતી.હિંચકે બેસીને ખોંખારો ખાતા તેમણે કહ્યું, ‘લક્ષ્મી વહુ, ચા મૂકજો.’ લક્ષ્મીને તો ભાવતું હતું ને વૈદે કહ્યું. તેને હાશ થઈ કે હવે ઝાંઝરી શોધવી નહીં પડે. તે મનમાં હરખાતી રસોડામાં આવી અને ચૂલા પર ચાનું તપેલું ચડાવ્યું. દૂધ-પાણી રેડીને એ રૂપાની ઝાંઝરી વિશે વિચારવા લાગી. જોતા જ આંખ ઠરે એવી સુંદર ઝાંઝરી. ચાંદીના સુંદર નકશીકામમાં જડેલા મીના અને તેની નીચે સાચા મોતીની કોર. કડીએ પરોવેલી પાંચ પાંઘ ઘૂઘરીનો છમ છમ મીઠો રણકાર ! રૂપાની દાદીએ આણામાં એને તે ઝાંઝરી આપેલી. કહેવાય છે કે રૂપાની દાદીને એક જમાનામાં રાણીબા સાથે ઘરોબો હતો. રાણીબાએ આ ઝાંઝરી દાદીને ભેટમાં આપેલી. લક્ષ્મીએ પોતે તો શું આખા ગામમાં કોઈએ આવી ઝાંઝરી જોઈ નહોતી. કોઈ મહાન કારીગરનો નમૂનો જોઈ લો જાણે !

રૂપાને પરણીને આવ્યે હજુ પંદર દિવસ થયા હતા. રૂપાએ ઘરમાં પગ મૂક્યો ત્યારથી તે અને તેની ઝાંઝરીની સિવાય બીજી કોઈ વાત લોકોના મોઢે નહોતી. સગાવહાલાં, અડોશી-પડોશી અને ગામના લોકો બધાય નવી વહુ અને નવી ઝાંઝરી જોવા આવતાં. ઝાંઝરી જોઈને જાણે ભગવાન ભોળાનાથના દર્શન થયા હોય એમ ધન્ય ધન્ય થઈ જતા. આ બધું જોઈને લક્ષ્મીનું હૈયું ભડભડ બળતું હતું. એટલે જ તો આજે ઝાંઝરી ખોવાઈ ત્યારથી તેનો હરખ સમાતો નહોતો. રૂપાને પહેલીવાર જોઈ ત્યારથી જ લક્ષ્મીની મોટી કાળી આંખોમાં અદેખાઈ ડોકાવા લાગી હતી. લક્ષ્મી તો દિયર વનરાજનું વેવિશાળ પોતાની મોટીબહેનની જેઠાણીની પુષ્પા સાથે કરવા માંગતી હતી. પુષ્પા એની આંખ આગળ જ મોટી થયેલી. એ હતી પણ ભોળી અને પોતાના કહ્યામાં રહે તેવી છોકરી.

ચાના તપેલામાં સાકરનો ગાંગડો નાંખતાં લક્ષ્મીને થયું કે પોતાના નસીબમાં આ રૂપલી જ દેરાણી તરીકે લખાઈ હશે. ગઈસાલ આઠમના મેળામાં વનરાજની આંખ રૂપા સાથે મળી ગઈ અને રૂપાના રૂપ પર તે મોહી પડ્યો. પોતે રૂપા સાથે જ સંસાર માંડશે એવું પ્રણ લઈને વનરાજ બેઠો. લક્ષ્મીને તો આ દિયર પણ પોતાની દીકરી તોરલ જેટલો જ વહાલો હતો. પરણીને આવી ત્યારે વનરાજ છ વરસનો હતો. છેલ્લા પંદર વરસથી એણે વનરાજને પોતાના પેટના જણ્યાની જેમ મોટો કર્યો હતો. છેવટે તેની ખુશી માટે તેણે બા-બાપુજીના કાને રૂપાની વાત નાખી. રૂપાનું કુટુંબ જાણીતું નીકળ્યું અને વેવિશાળ થઈ ગયા.

આદુ નાખીને ચાના તપેલામાં ચમચો ફેરવતાં લક્ષ્મીનું મન પંદર વરસ પાછળ દોડી ગયું. તેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તે પહેલીવાર આ ડેલીમાં વહુ બનીને આવી હતી. અહા, શું એનું રૂપ હતું ! હજુય જોકે પોતે એટલી જ રૂપાળી લાગે છે. અરજણ તો એના રૂપ પાછળ ઘેલો હતો. ધીમે ધીમે પોતે આ ઘરમાં ભળી ગઈ હતી. પોતે પંદર પંદર વરસથી આ ઘરની મોટી વહુ છે, સૌને સાચવ્યાં છે, સંભાળ્યા છે…. અરજણ હતો ત્યારે પણ અને તે પછી પણ. સુખદુઃખમાં એ બધાયની પડખે ઊભી રહી છે. આ ડેલી અને રસોડું એનું સામ્રાજ્ય છે. તે અહીંની રાણી છે. રૂપા જાણે એનું સામ્રાજ્ય ઝૂંટવી લેવા આવી હોય તેમ લાગે છે. મનમાં અદેખાઈ ઘર કરી ગઈ છે. એના પંદર વરસ જાણે રૂપાએ પંદર દિવસમાં ઝૂંટવી લીધા હોય એમ લાગે છે…. ચા ગાળતાં ગાળતાં લક્ષ્મી મનોમન બબડવા લાગી કે રૂપલીમાં પણ કંઈ કહેવાપણું નથી. છે રૂપનો કટકો. ઉપરથી ખાનદાન કુટુંબ અને દસ ચોપડીનું ભણતર. અધૂરામાં પૂરું બે દિવસ પહેલા એણે રીંગણનો મજેદાર ઓળો બનાવીને બધાયના મન જીતી લીધાં. કાલે રાતે મોહનભાઈના વરઘોડામાં તો એણે રંગ જમાવી દીધો. જ્યારથી આવી છે ત્યારથી સૌની જીભે બસ રૂપા વહુનું નામ ચઢી ગયું છે. હવે પોતાનાથી સહેવાતું નથી. રૂપા અને રૂપાની ઝાંઝરી વિશે સાંભળીને એ કંટાળી ગઈ હતી. એને મનમાં ગુસ્સો આવી જતો હતો.

લક્ષ્મી ચા આપવા મેડીએ ગઈ ત્યારે બા-બાપુજી રૂપાને સાંત્વના આપતા હતા. રૂપાનું પડી ગયેલું મોં જોઈને લક્ષ્મીને છૂપો આનંદ થયો. કંઈ પૂછ્યા-કર્યા વગર એ નીચે રસોડામાં આવી અને બપોરની રસોઈ તૈયાર કરવા માંડી. વનરાજ અને બીજા ચાર ખેતમજૂરો માટે ભાથું મોકલવાનું હતું. તેની પાછળ રૂપા પણ આવી.‘ભાભી, લાવો આજે હું રોટલા ટીપી દઉં…’‘ના, વનરાજભાઈ ખીજાશે. કહેશે કે મારી વહુને હજુ તો પંદર દહાડા માંડ થયા છે ને કામે વળગાડી દીધી ?’ લક્ષ્મીએ હસીને રૂપાને કહ્યું.‘પરંતુ કંઈક કરીશ તો મન બીજે પરોવાશે. નહીં તો ઝાંઝરીના જ વિચાર આવ્યા કરશે, ભાભી !’‘કંઈ કરવાની જરૂર નથી. ઝાંઝરી તો ઘરમાં જ ખોવાઈ છે એટલે મળી જશે. તું ફરી એક વાર શોધ, જા.’ લક્ષ્મીને રૂપાનું કરમાયેલું મોઢું ગમ્યું. એ મનમાં ખુશ થઈ. રૂપા મેડીએ ગઈ. લક્ષ્મીએ રસોઈ બનાવવા માંડી. બા ભીખલા અને જીવલી સાથે ઝાંઝરી શોધવામાં હતા. જેઠા પટેલ હિંચકે ઝૂલતાં હતા. રૂપાએ ફરી પોતાનો ઓરડો ફેંદી જોયો.

આ તરફ લક્ષ્મીએ દાળ-ચોખા ઓર્યા. કૂબીની કઢી બનાવીને રોટલા ટીપવા બેઠી. સૂરજ માથે આવ્યો. લક્ષ્મીએ બા-બાપુજીની થાળી કાઢી. બા-બાપુજીએ જમીને હાથ ધોયા પછી લક્ષ્મીએ રૂપાને બૂમ પાડી. ભીખલા અને જીવલીની થાળી જુદી કાઢીને બંને દેરાણી-જેઠાણી જમવા બેઠાં.‘ભાભી, કૂબીની કઢી તો તમારી જ.’ રૂપાએ વાટકી મોંઢે માંડતાં કહ્યું.લક્ષ્મી રૂપાને એકીટસે જોઈ રહી. ગડીબંધ લાલ સાડલામાં એનું રૂપ છલકતું હતું. તેને રૂપા આજે સારી લાગી. પરંતુ મનમાં થયું કે હાય, મૂઈ રૂપાની સારપ જ તો એની અદેખાઈનું કારણ હતી. લક્ષ્મીને પોતે પોતાનું બદલાયેલું રૂપ સમજવું અઘરું લાગ્યું. આ પંદર દહાડામાં તો એ પોતે આખેઆખી બદલાઈ ગઈ હતી. એ પહેલાની લક્ષ્મીને શોધી રહી.‘હા… એ કઢી તો મારી જ અને મારી જ રહેશે…’ રૂપાને ભાભીના વેણમાં કશુંક અજૂગતું લાગ્યું. દેરાણી-જેઠાણી બોલ્યાં-ચાલ્યાં વગર જમી રહ્યાં.

રસોડું આટોપવા લક્ષ્મીએ જીવલીને બોલાવી. રૂપા અને જીવલી રસોડું સાફ કરવા લાગ્યાં. લક્ષ્મીએ ભાથું બાંધ્યું અને ભીખલાને સાદ કર્યો. ભીખલાએ ભાથું ઉપાડ્યું. લક્ષ્મીએ ડેલીની બહારના પગથિયે પગ મૂક્યો કે તરત સામેથી બાજુવાળા ચંપાકાકી અને એમની વહુ દેખાયાં.‘લક્ષ્મી વહુ, રૂપાની ઝાંઝરી જડી કે નહીં ? મૂઈ, કોઈની નજર લાગી ગઈ કે શું ? કેવી સરસ ઝાંઝરી હતી, નહીં ?’ ચંપાકાકીએ અંદર આવતા પૂછ્યું.‘કાકી, હજુ નથી મળી. બા, રૂપા અને જીવલી હજુય શોધે છે. મારે ખેતરે જવાનું મોડું થાય છે….’ લક્ષ્મીએ ખેતર ભણી પગ ઉપાડ્યો. ચાલતાં ચાલતાં મનમાં વિચાર્યું કે લ્યો, આ તો ફળિયાવાળાય આવી ગયા. ખેતરેથી પાછી આવીશ ત્યાં સુધીમાં તો આખું ગામ ભેગું થઈ ગયું હશે. લક્ષ્મી ગુસ્સામાં ભીખલા જોડે ચાલવા લાગી.

બપોરની ચાનો વખત થઈ ગયો. લક્ષ્મી ખેતરેથી આવી રહી હતી. રોજની જેમ તાજા શાકભાજી વાડીએથી તોડી લાવી હતી. ડેલીમાં પગ મૂકતાં જ એને હૈયે ફાળ પડી કે આટલી બધી શાંતિ કેમ છે ? અહીં તો ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ છે. ઝાંઝરી મળી ગઈ કે શું ? લક્ષ્મી રઘવાતી અંદર આવી. સામે જ બા મળ્યાં. એ કંઈ પૂછે એ પહેલાં બા બોલ્યાં : ‘વહુ, રૂપાની ઝાંઝરી મળી ગઈ.’લક્ષ્મીએ તરત જ પૂછ્યું : ‘ક્યાંથી ?’‘રૂપા બપોરે ઓરડામાં સૂવા ગઈ ત્યારે ગાદલામાં કંઈક ખૂંચ્યું. જોયું તો ઝાંઝરી છેક અંદર ભરાઈ ગઈ હતી ! પેલા મહારાજના આશીર્વાદ ફળ્યા.’‘કયા મહરાજ ?’‘બપોરે ગિરનારથી કોઈ સિદ્ધ પુરુષ આવેલા. તમે તો ખેતરે ગયેલા અને રસોડામાં સીધુ અપાય એટલા ચોખા નહોતા. મેં રૂપાને કોઠારમાંથી ચોખા લાવવાનું કહ્યું. ચોખા આપતી વખતે રૂપાનું ઊતરેલું મોઢું જોઈને મહારાજે પૂછ્યું કે શું વાત છે ? તો મેં મહારાજને સઘળી વાત કહી. મહારાજે આશીર્વાદ આપ્યા ને કહ્યું કે આજે ઝાંઝરી મળી જશે.’ લક્ષ્મી વાત પામી ગઈ.

લક્ષ્મી ઝટ પોતાના ઓરડામાં આવી. તેનું મન વ્યાકુળ હતું. ગઈરાતે મેડીના દાદર પરથી રૂપાની ઝાંઝરી એને મળેલી. એ પંદર દિવસથી ચારેબાજુ ‘રૂપાની ઝાંઝરી….. રૂપાની ઝાંઝરી….’ સાંભળીને કંટાળી ગઈ હતી. તેથી એની અંદરની અદેખી સ્ત્રી જાગી ગઈ. એ ઘડી ન જાણે એને શું સૂઝ્યું કે એ ફટ કરતી કોઠારમાં ગઈ અને ચોખાના પીપડામાં ઝાંઝરી સંતાડી દીધી. તેને ખબર નહોતી કે એ પછી તે શું કરશે પરંતુ એ વખતે એના હૈયાએ ટાઢક અનુભવેલી. કોઠારમાં એના સિવાય કોઈ નહોતું જતું. પરંતુ હવે તો રૂપા આવી ગઈ હતી ને ! વળી, મહારાજને પણ આજે જ આવવાનું થયું ! લક્ષ્મી વિચારી રહી હતી ત્યાં તો રૂપા સામે આવીને ઊભી રહી.

‘ભાભી, લ્યો આ……’ રૂપા બંને ઝાંઝરી હાથમાં લઈને ઊભી હતી.‘પણ… આ…….’ લક્ષ્મીને ખબર નહોતી પડતી કે શું બોલવું.‘જેમ એકને ઠેકાણે મૂકી હતી એમ હવે બંનેને મૂકી દો.’ રૂપાની આંખોમાં પ્રશ્નો હતાં.‘રૂપા, તેં કોઈને કહ્યું કેમ નહિ કે આ ઝાંઝરી તને કોઠારમાંથી મળી ?’‘ભાભી, તમે કેમ ના કહ્યું કે ઝાંઝરી તમારી પાસે હતી ? તમે કહ્યું હોત તો હું સામેથી આપી દેત….’‘ના, મને ઝાંઝરીનો મોહ નહોતો.’ લક્ષ્મી નીચી નજરે બોલી, ‘છેલ્લા પંદર દહાડાથી ‘રૂપાની ઝાંઝરી…. રૂપાની ઝાંઝરી….’ સાંભળીને હું અકળાઈ ગયેલી. મારા પંદર વર્ષો તેં જાણે પંદર દિવસમાં ઝૂંટવી લીધા હોય એમ લાગતું હતું. હું તને આ ઘરમાં સ્વીકારી નહોતી શકતી. કાલે રાતે તારી ઝાંઝરી મેડીના દાદર પર પડેલી જોઈ. મૂઈ અસ્ત્રીનો અવતાર… અદેખાઈ જન્મતાં જ મળેલી એટલે….’ લક્ષ્મી એક શ્વાસે ગુસ્સાથી બોલતી હતી. લક્ષ્મીએ આંખોમાં આંસુ સાથે રૂપા સામે જોયું. રૂપા એને જોઈ રહી. લક્ષ્મી આગળ બોલી, ‘સવારે તારું પડી ગયેલું મોઢું મને ગમ્યું. મને મઝા આવવા માંડેલી. હું આગળ શું કરીશ એ નહોતું વિચાર્યું. બસ, આ રમતમાં મઝા આવતી હતી…’ લક્ષ્મી રડી પડી.રડતાં રડતાં લક્ષ્મીએ પૂછ્યું, ‘પણ તેં કોઈને કેમ ના કહ્યું ?’‘ભાભી, વનરાજે મને એક વાત કહેલી. અરજણભાઈએ બહારવટીયાની તલવારનો ઘા ખાઈને વનરાજનો જીવ બચાવેલો. તમે અરજણભાઈની લાશ જોઈને પડી ભાંગવાને બદલે વનરાજને જીવતો જોઈને ખુશ થયેલા. ભાભી તમે પોતાનો ખજાનો બીજા માટે લૂંટાવી જાણનારા, એક ઝાંઝરીમાં શું કામ જીવ રાખો ? આપનું સત્ય તો હું સમજી ગઈ, પણ એ બીજાને સમજાવવું અઘરું હતું….’ લક્ષ્મી રૂપાની સમજદારીને સમજી રહી.‘લ્યો ભાભી, આ રૂપાની ઝાંઝરી… હવે એ તોરલની…’ રૂપાએ લક્ષ્મીના હાથમાં ઝાંઝરી મૂકી.‘પણ આ તો તારી જણસ…..’‘મારી જણસ ? મારી જણસ તો છે વનરાજ કે જેને તમે અને અરજણભાઈએ મારા માટે સાચવેલ. આજથી આ તોરલની ઝાંઝરી. મારા બાપુએ કહ્યું હતું કે સંઘરેલું સડશે અને આપેલું બેવડાશે. ભાભી તમને મારા સમ છે. એ તોરલ માટે જ રાખો. તમારા દિયરજી સવારે મને બીજી બે ઝાંઝરી અપાવવાનું વચન આપીને ગયા છે.’ રૂપા શરમાતી અને મલકાતી ચાલી ગઈ.

લક્ષ્મીના મન પરથી વાદળ હટી ગયા. અરે, આ છોકરી તો જતાં જતાં જીવનનો મર્મ મને સમજાવતી ગઈ. સાચું જ તો કહ્યું છે કે સંઘરેલું સડશે. આ ઘર, આ રસોડું બધું જ હું સંઘરીને બેઠી હતી. આટલા વરસો પોતાની રીતે ઘરને ગોઠવ્યું. રસોડાને પોતાની રસોઈથી મહેકતું રાખ્યું. હવે રૂપાનો વારો. રૂપા ઘરને ગોઠવશે અને રસોડાને મહેકાવશે. એની પોતાની રીતે અને નવી રીતે. ઘરનું સુખ તો જ બમણું થશે. બાએ પણ એક દિવસ આ રીતે પોતાને બધું સોંપ્યું હતું ને ! ક્યારેય કોઈ રોકટોક કરી નહોતી. આ ઘરને પોતાનું એ બાને લીધે તો બનાવી શકી. કદાચ એટલે જ એણે બાને ક્યારેય સાસુ નહોતા સમજ્યાં. પોતાના સગા બા જ જાણેલાં.

સ્ત્રીનું સુખ સ્ત્રીના હાથમાં જ છે એ વાત હવે લક્ષ્મી સમજી ગઈ હતી. તેણે ચાવીનો ઝૂડો હાથમાં લીધો અને રૂપાના ઓરડા તરફ ચાલવા માંડી..

– पिनाकीन पटेल