સંવાદ જોડે છે … – અવંતિકા ગુણવંત

વિવાહ પછી માધવી અને પરંતપ હોટલ કે પિક્ચરમાં જવા કરતાં કોઈ પાર્કમાં કે બીચ પર જવાનું વધારે પસંદ કરતાં હતાં. કુદરતના સાંનિધ્યમાં તેઓ કલાકો સુધી વાતો કરતાં. ખૂબ પ્રામાણિકતા અને નિખાલસતાથી પોતાના વિશે વાતો કરતાં. માધવીની બહેન રીમા માધવીને ચીડવતી, ‘તારો વર તો કંજૂસ છે. તને જુદાં જુદાં સ્થળે ફરવા નથી લઈ જતો કે સિનિયર સિટીઝન્સની જેમ એક જગાએ બેસાડીને તને પટાવે છે. આ ઉંમરના લોકો તો કેટલું રખડે ને મજા કરે. આ તો જિંદગીનો સોનેરી સમય કહેવાય.’

માધવી કહેતી : ‘તારી વાત સાચી છે. આ સમય જિંદગીનો સોનેરી સમય કહેવાય, માટે તો અમે એની ક્ષણેક્ષણ એન્જોય કરીએ છીએ. એને ભરપૂર માણીએ છીએ.’‘કેવી રીતે ? એકબીજાના મોં જોઈને ?’ રીમાએ પૂછ્યું, ‘માત્ર મોં જોઈને નહીં, દિલની વાતો કરીને રીમા. આનંદ માટે અમારે રખડપટ્ટી કરવાની જરૂર નથી. અંતરમાં ઊઠતા ભાવો વ્યક્ત કરવાનો આનંદ જુદો હોય છે. અમે અલકમલકની વાતો કરીએ છીએ.’‘તું ય તારા વર જેવી વેદિયણ થઈ ગઈ છે.’ રીમા બોલી.‘હા, હું મારા વર જેવી થઈ ગઈ છું. તને ખબર છે, અમે અમારા વિશે એટલી બધી વાતો કરી છે, ખુલ્લા મનથી કશુંય છુપાવ્યા વગર કે મને એવું લાગે છે જાણે હું પરંતપને કેટલાંય વરસોથી ઓળખું છું, અને હુંય એને ચિરપરિચિત લાગું છું. એકબીજાના જીવનમાં બનેલા બનાવો જ નહીં પણ એકબીજાના હૃદયના ખૂણેખૂણાથીય અમે પરિચિત છીએ. એકબીજાની ભૂલો, નબળાઈઓ અને મર્યાદાઓ પણ અમે જાણીએ છીએ. આખું જીવન જો એક સાથે જીવવાનું હોય તો એકબીજાને ઓળખવા તો જોઈએને ! એ ઓળખવાનો સમય અત્યારે છે, એ સમય નાટક, સિનેમા કે પિકનિક પાર્ટીમાં જઈને વેડફવામાં અમે નથી માનતા. હા, કોઈક ખરેખર સારું પિક્ચર કે નાટક હોય તો અમે જોઈએ છીએ.

હવે બીજા એક દંપતીની વાત છે. સરયુ અને ઉલ્લાસના વિવાહ એમનાં માબાપે ખૂબ નાનપણમાં કરી નાખ્યાં હતાં. એ વખતે સરયુ અને ઉલ્લાસ સાવ નાદાન હતાં. નાનાં હતાં. સરયુ અને એનાં માબાપ અમદાવાદ રહેતાં હતાં જ્યારે ઉલ્લાસ અને એનાં માબાપ મુંબઈમાં. તેથી સરયુ અને ઉલ્લાસને ખાસ મળવાનું બનતું નહીં. પણ તેઓ પરિપક્વ ઉંમરનાં થયાં ત્યારે એમને થયું લગ્ન પહેલાં એકબીજાનો બરાબર પરિચય તો થવો જ જોઈએ. હૃદય આપણો સંબંધ કબૂલ કરે તો પછી લગ્ન કરીશું. એમણે પત્રવ્યવહાર શરૂ કર્યો. બેઉનો ઉછેર, ઘરનું વાતાવરણ, સ્વભાવ, પસંદગી બધું જ જુદું હતું. આરંભમાં તો એમને મૂંઝવણ થઈ કે અમારાંમાં સમાનતા કરતાં ભિન્નતા વધારે છે. બધાં તો કહે છે સુખી દામ્પત્યજીવન માટે બધું સમાન જોઈએ, નહીં તો વારંવાર મતભેદ થાય ને જીવનમાં કટુતા ફેલાઈ જાય. પણ આ શું છે ? અમારી વચ્ચે આટલી ભિન્નતા છે તોય એકબીજા માટે આટલું આકર્ષણ કેમ થાય છે ? પછી એમને ખ્યાલ આવ્યો કે તેઓ સમાન નથી તો વિરોધી પણ નથી. તેઓ એકબીજાના પૂરક છે. જે સરયુમાં હતું એ ઉલ્લાસમાં ન હતું અને ઉલ્લાસમાં હતું એ સરયુમાં ન હતું.

પરંતુ બેઉમાં ખૂબ ઊંડી સમજ હતી, પરિપક્વતા હતી, નિષ્ઠા હતી, ઉદારતા હતી. તકલીફોમાં સ્વસ્થ રહેવાની ક્ષમતા હતી. આ ગુણોના લીધે તેઓને થયું સાચા અર્થમાં તે બેઉ એકબીજાના અર્ધાંગ છે અને લગ્ન કરીને તે બેઉ અન્યોન્યના પૂરક બનીને એક થશે. માબાપે એમનો વિવાહ ભલે એમને પૂછ્યા વગર કર્યો હતો પણ એમની જોડી તો દૈવ નિર્મિત છે, સ્વર્ગમાં રચાયેલી છે, એમની જોડીમાં કોઈ ખામી નથી.

વ્યક્તિમાં જો જીવન વિશેની પાકી સમજણ હોય તો બીજા પાત્રની ઊણપ કે ન્યૂનતાને એ ચાહી શકે છે ને એની ચાહના એ ન્યૂનતાને વિશેષતામાં ફેરવી નાખે છે. જીવનસાથીની ઊણપ માટે એને ગુસ્સો નથી આવતો. ક્યારેક કોઈ બાબતે પતિ વધારે ચડિયાતો હોય તો કોઈ બાબતે પત્ની વધારે ચડિયાતી હોય, પરંતુ સમજણ અને પ્રેમ હોય તો એવા સીમાડા નડતા નથી. મનમાં કોઈ ગાંઠ બાંધ્યા વગર નિખાલસતાથી ચર્ચા કરવી જોઈએ. આવી સમજ આરંભથી કેળવાય એ ઈચ્છનીય છે. બેઉને અંદરથી ઊગવું જોઈએ કે આપણું જીવન સરસ હોવું જોઈએ અને જીવનને સરસ બનાવવું આપણા હાથમાં છે.

યાદ રાખો :

[1] જીવનસાથી વચ્ચે સંવાદ અતિ આવશ્યક છે. સંવાદ એક હૃદયને બીજા હૃદય જોડે જોડતો સેતુ છે.

[2] સંવાદમાં સ્નેહ, સંયમ અને સમજ અતિ આવશ્યક છે. બે જણ વચ્ચે લાગણી, ભાવના કે લગાવ ના હોય ને વાતો કરવા બેસે તો એ વાર્તાલાપ ક્યારેક નકારાત્મક, ટીકાત્મક કે ઉપેક્ષાભર્યા તિરસ્કૃત વચનોવાળો હોય છે ને ત્યારે સંવાદ વિસંવાદ બની જાય છે. બે જણને જોડવાના બદલે અલગ પાડી દે છે માટે ક્યારેય નકારાત્મક ન બનો.

[3] કોઈ મુદ્દે બેઉ જણ સંમત થાઓ કે ના થાઓ, પણ પોતાની વાત જ સાચી ને બીજાએ એ માન્ય રાખવી જોઈએ એવો આગ્રહ ના રાખો. બીજાની દષ્ટિથી જોતાં શીખો..

– पिनाकीन पटेल