નિષ્ફળતા જીરવવાની શક્તિ… – મોહમ્મદ માંકડ

પુસ્તકોના ઢગલા નીચે દટાઈ મરે એટલું અને એવું શિક્ષણ આપણે આપણાં બાળકોને આપીએ છીએ અને એ શિક્ષણ મેળવીને જીવનમાં એ સફળતા મેળવે એવી ઈચ્છાથી રાત-દિવસ આપણે એમના ઉપર ચોકીપહેરો પણ રાખીએ છીએ. પણ પાયાની બાબતનું, સૌથી વધારે મહત્વનું શિક્ષણ ‘નિષ્ફળતા જીરવતાં શીખવાનું’ શિક્ષણ આપણે આપણાં બાળકોને આપીએ છીએ ખરાં ? ના, નથી આપતાં. પરિણામે દરેક પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પહેલાં અને પછી આપઘાતની સંખ્યા વધી જાય છે.

આપણે જોઈએ છીએ કે બિલાડી એના બચ્ચાને શિકાર કરતાં શીખવે છે. બચ્ચું ઉંદર પાછળ દોડે છે. ક્યારેક તે ઉંદરને પકડી શકે છે, તો ક્યારેક પકડી શકતું નથી. પરંતુ જ્યારે તે પકડી ન શકે ત્યારે આપઘાત કરીને મરી જતું નથી, કારણ કે નિષ્ફળતા કે નાસીપાસ થવાના બનાવનું કોઈ ખાસ મહત્વ એના જીવનમાં નથી. પ્રાણીઓ અને પક્ષીઓના જીવનમાં બનતો આવો કોઈ પણ એક બનાવ માત્ર એ તબક્કે બનેલો એક બનાવ બનીને જ રહી જાય છે અને જિંદગીમાં તો આવા જ લાખો-કરોડો બનાવો બની શકે છે. ચકલાંઓ માળો બાંધે છે. એ માળો તમે ફેંકી દો તો ફરી બાંધે છે. ફરી ફેંકી દો તો વળી ફરી બાંધે છે. જેટલી વાર માળો વીંખાઈ જાય એટલી વાર એ બાંધવાનો ફરીફરીને પ્રયત્ન કર્યા જ કરે છે. કરોળિયો જાળું ગૂંથે છે, પડી જાય છે, ફરી જાળું ગૂંથે છે. એની એ ક્રિયા એના જીવન સાથે વણાઈ ગયેલી હોય છે. સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલું જાળું પણ જો સાફ થઈ જાય તોપણ કરોળિયો ક્યારેય હતાશાથી ગાંડો થઈ જતો નથી. પક્ષીનો માળો અનેક વખત વીંખાઈ જાય, ઊધઈનો રાફડો ધોવાઈ જાય, મધમાખીનો મધપૂડો લૂંટાઈ જાય તોપણ ક્યારેય કોઈ પક્ષી કે મધમાખી નર્વસ-બ્રેકડાઉનનો ભોગ બનતાં નથી.

જીવનની આખીય રંગોળીમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. એમાં માત્ર સતત ‘પ્રયત્ન’ જ છે. એક વાર શિકાર ન પકડાયો, બીજી વાર પ્રયત્ન. એક વાર કોઈ વસ્તુ ન થઈ શકી, બીજી વાર પ્રયત્ન. પ્રાણીઓ, પક્ષીઓ, સાવ નાનાં જીવજંતુઓ પણ આ રીતે જીવે છે. એકમાત્ર માણસ પોતાનાં જુદાં ત્રાજવાં અને કાટલાં રાખીને જિંદગીનો તોલ કરે છે. અને પોતાનાં બાળકોને પણ બચપણથી જ જીવનના કુદરતી નિયમોની વિરુદ્ધનું શિક્ષણ આપે છે. કોઈ પણ કામ કરવાનું એને શીખવે છે ત્યારે એ કામ અમુક રીતે જ એણે કરવું જોઈએ અને એ રીતે કરે તો જ એને સફળતા મળી ગણાય એવો આગ્રહ પણ રાખવામાં આવે છે. આવા ઊલટા શિક્ષણને કારણે જીવનની દરેક નાનીમોટી બાબતોને બાળક પોતાની જાત સાથે સાંકળી લે છે અને જીવનભર એને વળગી રહે છે. પરીક્ષામાં નાપાસ થયા : ખલાસ, બીજો કોઈ રસ્તો હવે રહ્યો નથી ! પ્રેમમાં નિષ્ફળતા મળી : હવે જીવવું નકામું છે. નોકરી નથી : હવે કઈ રીતે જીવાશે ? ધંધામાં ખોટ ગઈ : જિંદગી આખી હારી ગયા ! કુટુંબના કોઈ સભ્યે ખોટું કામ કર્યું : સમાજમાં હવે જીવવું કઈ રીતે ? આવું વિચારનાર માણસ એની જિંદગીને માત્ર એક જ તાંતણા ઉપર લટકાવી દેતો હોય છે અને ક્યારેક મનનું સમતોલપણું ગુમાવી દઈને આપઘાત કરવા સુધી પહોંચી જતો હોય છે.

માણસ જ્યારે પોતાનાં ત્રાજવાંથી આખાયે જીવનને તોળવાનો પ્રયત્ન કરતો હોય છે ત્યારે એ વિચારતો નથી કે જીવન એનાં ત્રાજવાંથી ક્યારેય તોળાઈ શકે એમ હોતું નથી. જીવનને તો એનાં પોતાનાં તોલમાપ અને પોતાના નિયમો હોય છે. એટલે જ, નાનામાં નાની કીડી કે પક્ષી માટે જે સમજવાનું સાવ સરળ હોય છે એ બુદ્ધિશાળી હોવાનો દાવો કરતો માણસ સમજી શકતો નથી. પક્ષી ક્યારેય એમ વિચારતું નથી કે એક વાર હું માળો બાંધી ન શક્યું, એક વાર હું અમુક કામ કરી ન શક્યું માટે મારી આખી જિંદગી નકામી છે. બુદ્ધિશાળી ગણાતો માણસ જ માત્ર એ રીતે વિચારે છે કે આટલા પ્રયત્ને પણ હું પરીક્ષા પાસ ન કરી શક્યો, હવે મારી જિંદગીનો કોઈ અર્થ નથી. કારણ કે પરીક્ષાને જ એ પોતાની જિંદગી માની લે છે. ધંધામાં નિષ્ફળ જનાર વ્યક્તિ ધંધાને જ પોતાનું આખું જીવન માની લે છે. નોકરી માટે દોડાદોડી કરનાર નોકરીને જ પોતાની જિંદગી માની લે છે. પરીક્ષા આપનાર વ્યક્તિ પરીક્ષાથી અલગ કે નોકરી શોધનાર અને કરનાર વ્યક્તિ નોકરીથી પર એવું કોઈક અસ્તિત્વ ધરાવે છે, એ વાત એ સદંતર ભૂલી જાય છે. અમુક પરીક્ષામાં હું નિષ્ફળ ગયો માટે હું પોતે નિષ્ફળ છું; અમુક ધંધો કરતાં મને આવડ્યું નહીં માટે હું નકામો છું; સાહેબને કે પોતાની પત્નીને (કે પતિને) કે અમુક વ્યક્તિને હું ખુશ ન કરી શક્યો માટે હું આવડત વિનાનો, નિર્માલ્ય છું એમ વિચારે છે. એને ખ્યાલ નથી રહેતો કે જિંદગી એટલી વિશાળ અને અર્થસભર છે કે એકાદ વ્યક્તિ કે એકાદ ધંધાનું એમાં કોઈ મહત્વ નથી.

બૅરિસ્ટર તરીકે નિષ્ફળ જનાર ગાંધી અને એ જ ડિગ્રી ઉપર એક શિક્ષકની નોકરી મેળવવામાં પણ નિષ્ફળ જનાર ગાંધી, ભારત-આખાના ભાગ્યવિધાતા બની શકે છે. માણસ એવી બે-પાંચ નિષ્ફળતાઓમાં સમાઈ જતો નથી. જીવનની કોઈ એક નિષ્ફળતા સાથે પોતાની સમગ્ર જાતને જોડી દેવાની ભૂલ ક્યારેય ન કરવી. કોઈ એક વાત આપણને ન આવડી તો એથી કશું જ આવડી શકે એમ નથી, એમ શા માટે માનવું ? કોઈ એક કામમાં આપણે નિષ્ફળ ગયા છીએ એનો અર્થ એટલો જ છે કે માત્ર એ કામમાં, એ સમયે, એ સંજોગોમાં આપણને નિષ્ફળતા મળી, એથી વિશેષ કશું નહીં – કશું જ નહીં. સમય અને સંજોગો બદલાતાં એ કામમાં પણ આપણે સફળ થઈ શકીએ છીએ.

આ કોઈ નવી વાત નથી. આખીયે જીવસૃષ્ટિ આ રીતે જ વર્તે છે અને જીવસૃષ્ટિના એક ભાગ તરીકે આપણે એનાથી જુદા હોઈ શકતા નથી, માટે જુદી રીતે આપણે વર્તવું ન જોઈએ. સિંહ, વાઘ કે એવા જ કોઈ પશુ પાસેથી શિકાર છટકી જાય ત્યારે એવું કોઈ પણ પશુ ગુફામાં બેસીને આંસુ સારતું ક્યારેય કોઈએ જોયું નથી. શિકાર છટકી ગયા પછી થોડી વારમાં ફરી તૈયાર થઈને એ બીજા શિકાર માટે પ્રયત્ન કરવા નીકળી પડશે. જીવમાત્રનો આ સ્વભાવ છે. અને એમાં જ નિષ્ફળતાને પરાસ્ત કરવાનું રહસ્ય છે. નિષ્ફળતાને પરાસ્ત કરતાં શીખો, નિષ્ફળતાને કારણે પરાસ્ત ન થાઓ. બધી જ શૂરવીરતામાં સૌથી શ્રેષ્ઠ શૂરવીરતા આ જ છે…

નિષ્ફળતા જીરવવાની શક્તિ… – મોહમ્મદ માંકડ