અધૂરપ …. – ભરત દવે (The story of the cracked Pot)

ભારતના એક અંતરિયાળ આદિવાસી ગામડાની કથા છે. એક સ્ત્રી હરરોજ સવારે પાણી ભરવા ખભે કાવડ ઉઠાવી ઘરથી તળાવ સુધી જતી. ખભે મૂકેલી કાવડના છેડે બે મટકાં લટકતાં. બેમાંથી એક માટલું સારું હતું પણ બીજામાં કાણાં પડી ગયેલાં. તળાવથી ઘર સુધીના લાંબા માર્ગે પાછા ફરતા સુધીમાં પાક્કા માટલામાં તો બધું પાણી જળવાઈ રહેતું પણ બીજા ફૂટેલા માટલામાંથી ઘણુંખરું પાણી વહી જવા પામતું. બનવાજોગ છે કે ગરીબીને કારણે કાણિયું માટલું બદલી નાખવા જેવી સ્થિતિ કદાચ એ સ્ત્રીની નહીં હોય.

લગાતાર બે વર્ષ સુધી આ જ રીતે ચાલતું રહ્યું. આકરી મહેનત છતાં, પાણીનું એક પુરું માટલું અને બીજું માંડ અરધું રહી જતું માટલું – આમ રોજ દોઢ માટલું પાણી લઈને એ સ્ત્રી ઘરે પાછી ફરતી. વખત જતાં સારા માટલાના મનમાં અભિમાન આવી ગયું ! તે પોતાનામાં પૂરેપુરું પાણી અકબંધ જાળવી શક્તું હતું, જયારે તેની સામે કાણિયું માટલું ભારે શરમ અને હતાશામાં ડૂબી ગયું. તેનું અરધોઅરધ પાણી ફોકટ વહી જતું હતું. એક સારા માટલા તરીકેની ફરજ બજાવવામાં તે નિષ્ફળ નીવડયું હતું અને એ વાતનો તેને ભારે અફસોસ હતો.

બે વર્ષ બાદ, પોતાની અધૂરપો અને નાકામયાબીથી પરેશાન થઈ ગયેલ આ કાણિયા માટલાએ એક વાર પેલી સ્ત્રીને કહ્યું, ‘મને માફ કરો, મને મારી જાત માટે શરમ લાગે છે. હું શું કરું ? મારામાં રહેલ અનેક છિદ્રોને કારણે ઘરે પહોંચતા સુધીમાં મારામાનું મોટા ભાગનું પાણી વહી જાય છે અને તારી બધી મહેનત નકામી જાય છે. પેલી સ્ત્રીએ હળવું સ્મિત આપતાં કહ્યું, ‘કદાચ તારું ધ્યાન ગયેલું લાગતું નથી કે તું જે દિશા પર છે ત્યાં આખાય રસ્તા પર રંગબેરંગી ફૂલો ઊગી નીકળ્યાં છે. જયારે બીજી બાજુ જો, ત્યાં કશું જ નથી ! મને પહેલેથી જ તારી અધૂરપની જાણ હતી અને એટલે જ તારી દિશાએ પડતા આખાય માર્ગ પર મેં ફૂલોનાં બીજ વાવી દીધેલાં. ઘરે પાછા ફરતી વખતે આ ફૂલોને પાણી કોણ પાતું હતું ! તું જ, તારે કારણે જ તેમને પોષણ મળતું હતું ! છેલ્લાં બે વર્ષથી મારા પ્રભુની પૂજાઅર્ચના કરવા તેમજ ઘરને સજાવવા આ જ ફૂલો ચૂંટીને હું લઈ જઉં છું.

હાલમાં તું જેવું છે તેવું જો ન હોત તો મારા ઠાકરોજીને હું કઈ રીતે શરણાગત ? મારા ઘરનું સુશોભન કઈ રીતે કરત ? ધ્યાનથી સાંભળ, આપણા દરેકમાં કોઈ ને કોઈ પ્રકારની અધૂરપ રહેલી છે. પરંતુ જીવનને રસપ્રદ અને ફળદાયી બનાવવામાં આ જ આપણી અધૂરપો અને કચાશો મોટો ભાગ ભજવે છે. આ હકીકત આપણે જાણતા નથી અને શરમના માર્યા રોકકળ કરીએ છીએ. આપણે પ્રત્યેકને તે જે છે એ જ સ્વરૂપમાં સ્વીકારવા જોઈએ. તેનામાં કઈ વિષેશતા કે સારાપણું છે તે ખોળી કાઢી તેનો લાભ ઉઠાવતાં શીખવું જોઈએ.’

આ સુંદર મજાની રૂપકથાનો સાર આટલો જ છે : ‘જગતનાં તમામ વહાલાં કાણિયાં માટલાંઓ ! જીવનમાં આશાવાદી બનો અને તમારા માર્ગમાં ખીલેલાં ફૂલોની સુંગધને માણો !’જ્ઞાનીમાં જ્ઞાની ગણાતો માણસ પણ બધી જ બાબતોમાં પૂર્ણ નથી હોતો, પછી સામાન્ય માણસોનું તો શું ગજું ? કોઈ શરીરે વિકલાંગ હોય તો કોઈ ભણવામાં નબળો હોય; કોઈ સ્વભાવે ઉગ્ર હોય તો કોઈ મનથી ઢીલો હોય; કોઈ રમતગમતમાં આગળ હોય તો કોઈ કળામાં કૌશલ્ય ધરાવતો હોય; કોઈક ટેકનિકલી ધારદાર હોય તો કોઈ કલ્પનાશીલ હોય ! કદાચ કોઈક અપવાદ નીકળે, બાકી સામાન્યત : દરેક વ્યક્તિ દરેક બાબતમાં નિષ્ણાત હોય એ લગભગ કયાંય જોવા નથી મળતું. બીજું, એક વ્યક્તિ એક બાબતમાં નિષ્ણાત હોય એટલે તે સંપૂર્ણ જ હોય તેવું પણ નથી. કોઈ ને કોઈ ભૂલ તો તે એમ છતાંય કરી જ બેસતો હોય છે. એટલે જ કહેવાય છે કે ‘માણસ માત્ર અધૂરા.’ યંત્ર ભૂલ ન કરે પણ માણસ તો ભૂલ કરે. કારણ માણસ પાસે મન છે જે યંત્ર પાસે નથી. મન અનેકાનેક વિચારો સંઘરીને બેઠું છે. આ વિચારો કસમયે આવી પડીને માણસને ઊંધે રસ્તે ભટકાવી શકે છે. જયારે યંત્ર પાસે માણસે નિર્ધારિત કરી આપેલ કાર્ય સિવાય કશું નથી. વળી યંત્ર પાસે વિચાર નહીં હોવાથી ભટકી જવાનો કે ભૂલ કરી બેસવાનો પણ સવાલ જ નથી !

માણસને એક અર્થમાં ‘માટીપગો’ પણ કહ્યો છે. આનો એક અર્થ થાય નબળો માણસ પરંતુ બીજો કુદરતી અર્થ થાય પ્રકૃતિ દ્વારા ઘડાયેલો માણસ. યંત્ર દ્વારા બનાવેલ ‘પરફેકટ પ્રોડકટ’ નહીં, પણ નાનીમોટી અધૂરપો અને અપૂર્ણતાઓથી ભરેલો માણસ. કુંભાર માટલા ધડે છે : કોઈ પાકાં તો કોઈ કાચાં, કોઈ ટકાઉ તો કોઈ તરતમાં ફસકી પડે એવાં. કોઈ વર્ષો સુધી ટકી જાય જયારે કોઈમાં તિરાડો પડે, અકસ્માતે પડવાથી ફૂટી જાય, પાણીમાં ડૂબે તો સમય જતાં માટીમાં માટી ભળી જાય. જીવતાજાગતા માણસની પણ આ જ દશા છે અને આ જ તેની નિયતિ છે અને એટલે જ તે અર્થમાં ‘માટીપગો’ કહેવાયો છે. એ માણસ છે એટલે જ તે અધૂરો છે.

ગિરીશ કર્નાડનાં એક પ્રસિદ્ધ નાટક ‘હયવદન’ માં આવી જ એક અપૂર્ણતાની વાત રસપ્રદ શૈલીમાં કહી છે. ‘હયવદન’ બે સ્તર પર ચાલતું નાટક છે. એકમાં, મનુષ્યનો દેહ અને અશ્વનું મસ્તક ધરાવનાર એક વિચિત્ર માનવીની કથા છે. આ શાપિત માનવી વર્ષોથી પૂર્ણ મનુષ્ય થવાની ઝંખના સેવે છે. માનવદેહ પર અશ્વનું મુખ તેને સતત પીડા અને તિરસ્કાર પ્રેરે છે. પોતાની આ કઢંગી અધૂરપ માટે તે ભારે દુઃખી અને હતાશ છે. આમ ‘હયવદન’ (અશ્વનું મુખ ધરાવનાર માનવી) બાકી જગત સામે પોતાની અપૂર્ણતા, પોતાની વિચ્છિન્ન ઓળખ (fragmented identity) ને પ્રગટ કરનાર એક કરુણ પ્રતીક બની રહે છે. બીજા સ્તર પર બે મિત્રોની કથા છે : કપિલ અને દેવદત. બંને મિત્રોને એક જ પ્રકારનું સ્વપ્ન આવે છે. તેમાં એ બંને પદ્મિની નામની એક સુંદર સ્ત્રીને નિહાળે છે અને બંને તેને પામવા ઈચ્છે છે. દેવદત બ્રાહ્મણ છે, સુંદર કવિતાઓ લખે છે પણ તેનું શરીર નબળું છે. સામે કપિલ ક્ષત્રિય છે, કુસ્તીબાજ છે, શરીરે કસાયેલો અને બળવાન છે. તે પોતે પણ પદ્મિનીથી આકર્ષાયો હોવા છતાં મિત્રતાના દાવે પદ્મિનીનું લગ્ન દેવદત સાથે કરાવી આપે છે. કથામાં આગળ ઉપર પદ્મિની કપિલના પ્રેમમાં પડે છે, કારણ કે તેને એ વાતનો અસંતોષ છે કે તેના પતિ દેવદતનું શરીર કપિલના જેવું ખડતલ, બલિષ્ઠ નથી. કપિલનો કસાયેલો દેહ અને દેવદતની સર્જનશીલતા બંને ગુણો એક જ પુરુષમાં મેળવવા ઝંખતી પદ્મિની તેના ઈષ્ટદેવ સમક્ષ પૂર્ણપુરુષને મેળવવાની પ્રાર્થના કરે છે. અચાનક ચમત્કાર સર્જાય છે અને કપિલ અને દેવદતના મસ્તકની અદલાબદલી થઈ જાય છે. આમ બનવાથી બીજી એક ગંભીર સમસ્યા પેદા થાય છે. આ બંને પુરુષો સાચી કુદરતી ઓળખ ગુમાવી બેસે છે. તેમનાં બદલાયેલાં દેહ અને મસ્તિષ્કના આપસી પ્રતિભાવો અક્લ્પ્ય વિસંગતિ લાવી દે છે. ‘દૈહિક પૂર્ણતા’ (physical perfection) મેળવવાની પદ્મિનીની ઝંખના ભૌતિક અગત્યતા ધરાવતી વર્તમાન માનવ-સંસ્કૃતિને પ્રકટ કરનારી છે.

આજના કોઈ શિક્ષિત યુવાનને પૂછો કે તારે કેવી કન્યા જોઈએ તો કહેશે દેખાવડી, ભણેલી, મૉડર્ન, ફૅશનેબલ, અંગ્રેજી બોલતી, બહાર સામાજિક વર્તુળોમાં શોભતી, કોઈ વળી એવું પણ ઈચ્છે કે નોકરી કરતી, પરંતુ આ તમામ અપેક્ષાઓની ઉપર ટોચે રહેલી અપેક્ષા અથવા શરત કહો તો શરત, અને તે એ કે તે સ્ત્રી પરંપરાગત ‘હાઉસવાઈફ’ તરીકેના તમામ ગુણો ધરાવતી હોવી જોઈએ ! એવી જ રીતે કોઈ યુવાન છોકરીને પણ પૂછો કે તારે કેવો મુરતિયો જોઈએ તો કહેશે સલમાનખાન જેવો દેખાવડો, અઢળક રૂપિયા કમાતો, ખૂબ બુદ્ધિશાળી, બહાર જમવાનો શોખીન, મને પૂરતી આઝાદી આપનારો પરંતુ આ બધાથી ટોચની અપેક્ષા – સાસરિયામાં ઓછામાં ઓછા સભ્યો હોય, માબાપ જ ન હોય તો સૌથી શ્રેષ્ઠ ! અને છેલ્લે, લગ્ન બાદ થોડા જ વખતમાં માબાપથી જુદા પડી સ્વતંત્ર રહેવાની ખાતરી આપે !!!

આ છે તદ્દન અશ્કય, અવાસ્તવિક અપેક્ષાઓના નમૂનાઓ. આવા નમૂનાઓની તો લાંબીલચક યાદી બનાવી શકાય. માણસની આશા-એષણાઓનો તો કોઈ અંત નથી, પરંતુ મુશ્કેલી ત્યાં ઊભી થાય છે કે આ યાદી અનેક વિરોધાભાસોથી ભરેલી હોય છે. માણસ એ જ સમજી જ શક્તો નથી કે કાંટા વગરના ગુલાબ ન હોય, ઠળિયા વગરનાં ફળો ન હોય, પાનખર વગરની વસંત ન હોય, બફારા વગરની વર્ષા ન હોય, કષ્ટ વગરના પ્રકૃતિના વિરાટ સૌંદર્યનું પાન કરાવનાર હિમાલયની યાત્રા ન હોય. બધું આપણી ઈચ્છા પ્રમાણેનું, થોડાંક પણ કષ્ટ વગરનું, સાવ સીધું સરળ માણસને ભાગ્યે જ મળે. કયાંક ને કયાંક કોઈક ખોટ તો ચલાવી જ લેવી પડે, જે મળ્યું તેનાથી સંતોષ માની લેવો પડે, નકારાત્મકતાના ઘેરાવાની અંદર કયાંક કોઈક વિધેયાત્મકતા ખોળી કાઢવી પડે. સફળ-સંતોષી જીવનનું આ જ એક વ્યવહારિક લક્ષણ છે.

હેલન કેલર અંધ હતા, બધિર હતા, વાચા નહોતી અને છતાંય આ તમામ ઈન્દ્રિયો જે કામ આપી શકે અને હેતુ સાધી શકે એવી અનેક ઉપલબ્ધિઓ તેમણે પોતાનાં દ્રઢ મનોબળ, કઠોર તાલીમ અને એકધારી તપસ્યાની સહાયથી હાંસલ કરેલી. શાસ્ત્રીય ગાય્ક પંડિત કુમાર ગાંધર્વને છાતીમાં એક જ ફેફસું હતું. ઑપરેશન બાદ તે પહેલાંની જેમ ગાઈ શકશે કે નહીં તે દહેશત જન્મેલી. પરંતુ કુમાર ગાંધર્વે પોતાના દ્રઢ સંકલ્પ અને કઠિન રિયાઝની મદદથી એ શારીરિક ખોડને પોતાની આગવી ગાયનશૈલીમાં પલટી કાઢી ! આપણા ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જક પન્નાલાલ અને ‘દર્શક’ માંડ પાંચથી આઠ ચોપડી ભણેલા. છતાં તેમના સાહિત્યની ઊંચાઈએ તેમને જ્ઞાનપીઠ અને મૂર્તિદેવી પુરસ્કાર અપાવ્યા. દક્ષિણની નર્તકી સુધા ચંદ્રને તેનો એક પગ ગુમાવ્યા બાદ પણ લાકડાના કુત્રિમ પગની મદદથી તેની નૃત્યસાધના અવિરત રાખી સમગ્ર દેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી.મહાન પશ્ચિમી સંગીતજ્ઞ બીથૉવનની બહેરાશ, વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની વિકલાંગતા, અમિતાભ બચ્ચની વધારે પડતી ઊંચાઈ, રિત્વિક રોશનનુણ શરૂઆતનું તોતડાપણું, પાર્શ્વગાયક તલત મહેમૂદનો સહેજ કંપન ધરાવતો અવાજ, લાલ બહાદુર શાસ્ત્રીનું વામન કદ વગેરે અનેક ઉદાહરણો તમામ ક્ષેત્રોમાં જોવા મળે છે જયાં ફકત નાનીસૂની અધૂરપોની વાત નથી પણ પ્રગતિને આડે બહુ મોટા અવરોધો આવેલા છે અને છતાં આવી વ્યક્તિઓએ તેને સોનેરી અવસરમાં ફેરવી કાઢયા છે !

અધૂરપ હંમેશાં સાપેક્ષ શબ્દ છે. વ્યક્તિ પોતાની સરખામણી બીજાઓ જોડે કરીને પોતાની અધૂરપો માટે સજાગ બને છે અને પછી મનોમન દુઃખી થયા કરે છે. તમારી સફળતાનો કે સંપૂર્ણતાનો માપદંડ બહાર છે અને તે બીજાઓ દ્વારા નિર્ધારિત છે. તમે તમારા વ્યક્તિત્વ અને તમારી સિદ્ધિઓને તમારી પોતાની નજરથી, નિરપેક્ષપણે જોતાં જ નથી. કોયલ કયારેય મોરના ટહુકા સાથે પોતાની સરખામણી નથી કરતી. જૂઈનું નાનકડું ફૂલ કમળના પૂર્ણવિકસિત ફૂલને જોઈને હતાશામાં નથી સરી પડતું. સિંહની ગર્જના સાંભળી સસલું મૌન વ્રત ધારણ નથી કરી લેતું. દરેકને કુદરતે જુદી જુદી શકિત આપી છે, ઓળખ આપી છે, વ્યક્તિત્વ આપ્યું છે, મન-મગજ આપ્યાં છે અને એ બધાં પછી નિયતિ પણ તેનો પ્રભાવ પાથરે છે. એટલે બીજાની સિદ્ધિઓ જોઈને પોતાની અપૂર્ણતાને યાદ કરવાને બદલે આપણી મર્યાદામાં રહીને આપણે શું પામી શકીએ અથવા આજ દિન સુધીમાં શું પામી શક્યા તેનો અંદાજ લગાવવો જોઈએ અને તો જ આપણને પરમ સંતોષ અને આંનદનો અનુભવ થાય…

અધૂરપ …. – ભરત દવે

An elderly woman had two large pots, each hung on the ends of a pole, which she carried across her neck. One of the pots had a crack in it while the other pot was perfect and always delivered a full portion of water. At the end of the long walk from the stream to the house, the cracked pot arrived only half full. For a full two years this went on daily, with the woman bringing home only one and a half pots of water.

Of course, the perfect pot was proud of its accomplishments.

But the poor cracked pot was ashamed of its own imperfection, and miserable that it could only do half of what it had been made to do.

After 2 years of what it perceived to be bitter failure, it spoke to the woman one day by the stream.

“I am ashamed of myself, because this crack in my side causes water to leak out all the way back to your
house.”

The old woman smiled, “Did you notice that there are flowers on your side of the path, but not on the other pot’s side? That’s because I have always known about your flaw, so I planted flower seeds on your side of the path, and every day while we walk back, you water them. For two years I have been able to pick these beautiful flowers to decorate the table. Without you being just the way you are, there would not be this beauty to grace the house.”

Each of us has our own unique flaw. But it’s the cracks and flaws we each have that make our lives together so very interesting and rewarding. You’ve just got to take each person for what they are and look for the good in them.