સામાન્ય માણસ માટે પ્રગતિના ‘પંચશીલ’..- મોહમ્મદ માંકડ

બૌદ્ધ ધર્મમાં આચાર માટેના પંચશીલ કે પાંચ નિયમો છે. એ જ રીતે જૈન ધર્મમાં પણ પાંચ મહાવ્રત છે. અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. મહાત્મા ગાંધી અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે ઉપર ભાર મૂકતા હતા. એમનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત ધનવાનો માટેના આદર્શ તરીકે એમણે પ્રબોધ્યો હતો.પરંતુ, ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે એના ઉપર કેટલો અમલ થાય છે, એ આપણે સૌ જાણીએ છીએ.અહીં હું સામાન્ય માણસ માટે પ્રગતિના ‘પંચશીલ’ વિશે લખવા ઇચ્છું છું. માનું છું કે કોઈ પણ વ્યક્તિ આ પાંચ બાબતો ઉપર અમલ કરી શકશે. એના ઉપર અમલ કરવાનું પણ સાવ સહેલું નથી. અઘરું છે, પરંતુ અશક્ય નથી.

 

હું જેના વિશે લખવા ઇચ્છું છું એ ‘પંચશીલ’ આ પ્રમાણે છે

 

૧… દરરોજ નવું શીખોઆ કોલમ યુવાનો અને યુવતીઓ વાંચે છે, એ જ રીતે આધેડ વ્યક્તિઓ, વૃદ્ધો, શિક્ષકો-પ્રોફેસરો, અરે, રિક્ષા રિપેર કરનાર અને પેટ્રોલપંપ ચલાવનારાઓ પણ વાંચે છે.એટલા વિવિધ વ્યવસાયવાળાઓ અને એટલા બધા લોકો એ વાંચે છે કે બધા આચરી શકે,એવા નિયમો વિશે લખવું અઘરું છે.જેમકે, રિક્ષા રિપેર કરનાર પૂછી શકે કે મારે નવું શું શીખવું? તો એમને હું સામેથી પૂછીશ કે શું તમે કાયમ રિક્ષા રિપેર કરીને જ જિંદગી પૂરી કરી નાખવા ઇચ્છો છો? જો એમ જ હોય તો આચાર માટેનું આ સૂત્ર એમના માટે નકામું છે, પરંતુ જો એમને ક્યારેય પણ કાર માટેનું ગેરેજ કરવાની ઇચ્છા હોય તો એ બાબતમાં શીખવાનું એમણે શરૂ કરી દેવું જોઈએ. માણસ ગમે તે ઉંમરે, ગમે તે ક્ષેત્રમાં થોડું નવું શીખે તો એ ક્યારેય નકામું નથી જતું. મેં એવી વ્યક્તિઓ જોઈ છે, જેમણે નવું શીખવાના ખંતને કારણે નવી રિક્ષાઓ બનાવવાનું શરૂ કર્યું હોય.કોઈ વિદ્યાર્થી દરરોજ માત્ર બે જ નવા શબ્દો શીખે તો એક મહિને સાઠ અને બાર મહિને ઓછામાં ઓછા સાતસોને વીસ નવા શબ્દો શીખી શકે. અબ્રાહમ લિંકને વકીલાત શરૂ કરી ત્યારે દરરોજ એક પુસ્તક લઈને બેસતા-એ પુસ્તક કાયદાનું નહોતું, એ અંગ્રેજી ડિક્શનરી હતી. અંગ્રેજીના એટલા બધા શબ્દો એમને યાદ હતા કે એનો યોગ્ય ઉપયોગ કરીને એ પોતાની વાત સચોટ રીતે રજૂ કરી શકતા હતા. નવું શીખવાની અને નવું વાંચવાની એમની ઇચ્છા એટલી પ્રબળ હતી કે શેક્સપિયરનાં નાટકો એકથી વધુ વાર એમણે વાંચ્યા હતા. શેક્સપિયરની ચાર ‘ટ્રેજેડી’ એમણે એટલી બધી વાર વાંચી હતી કે કેટલાક સંવાદો એમને મોઢે થઈ ગયા હતા. આનો અર્થ એ કે કોઈ પણ વ્યક્તિ પોતાને મળતાં ફાજલ સમયનો ઉપયોગ કરીને જિંદગીને કાયમ હરિયાળી રાખી શકે છે. જિંદગીના કપરા દિવસોમાં એણે વાંચેલું એને જીવવાનું બળ પૂરું પાડી શકે છે.

 

૨… ધ્યેય નક્કી કરો અને આગળ ચાલોએક વાતનું ધ્યાન રાખજો – તમે નક્કી કરેલ ધ્યેય એક જ કૂદકે તમે સિદ્ધ નહીં કરી શકો. મોટા ભાગના યુવાનો આજના સમયમાં પૈસા મળે એવું ધ્યેય નક્કી કરે છે અને એમાં કશું ખોટું નથી, પરંતુ બધા ક્રિકેટરો સચીન તેંડુલકર નથી બની શકતા અને બધી રૂપાળી છોકરીઓ ઐશ્વર્યા રાય નથી બની શકતી. જેનો અવાજ મધુર હોય એ બધા કાંઈ સાયગલ, રફી કે લતા મંગેશકર નથી બની શકતા. સચીન અને લતા બનનારને અનેક પ્રકારની ખટપટનો ભોગ બનવું પડે છે અને અનેક પ્રકારની ખટપટ પણ કરવી પડે છે – આ કડવી છતાં સાચી વાત છે.કેટલાક માણસો ક્રિકેટમાં નિપુણ હોવા છતાં ફેંકાઈ ગયા છે અને કેટલીક ગાયિકાઓ – વાણી જયરામ, મુબારક બેગમ અમુક અંશે શમશાદ બેગમ અને નૂરજહાં જેવી ભુલાઈ ગઈ છે. એના ઉપર જરા નજર કરી લેજો. કેટલાય એક્ટરો દિલીપ કુમાર અને અમિતાભ બનવાના કોડ લઈને ફિલ્મલાઇનમાં જાય છે અને પછી એક્સ્ટ્રા તરીકે કામ કરીને જિંદગી પૂરી કરી નાખે છે કે પછી એ લાઇન છોડી દે છે.કોઈક જગ્યાએ મેં વાચ્યું હતું કે ધર્મેન્દ્ર અને અમિતાભ કામ મળે એ માટે રાજ કપૂરનો સમય લઈને એમને મળવા ગયા હતા. ખૂબ બેસી રહ્યા, પણ રાજસાહેબ મળ્યા નહીં. સંદેશો મોકલ્યો કે રાજસાહેબને આજે સમય નથી.કહે છે કે એ વખતે ધર્મેન્દ્રે અમિતાભને કે અમિતાભે ધર્મેન્દ્રને કહ્યું કે, સાહેબને સમય નથી એમ નથી, પણ સાચી વાત એ છે કેઃ આપણો સમય આવ્યો નથી.વાત સાચી હોય કે ખોટી, પણ સમજવા જેવી જરૂર છે. જે કોઈ માણસમાં પોતાનો સમય આવે એટલી રાહ જોવાની ધીરજ હોય તો ‘કદાચ’ એનો સમય આવે પણ ખરો અને ‘કદાચ’ રાહ જોવામાં જ જિંદગી પૂરી થઈ જાય.

 

૩… દરેક સફળતા નવું દ્વાર ખોલે છેએ વાત સાચી છે કે નિષ્ફળતા માણસને ઘડે છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે નિષ્ફળતા માણસને ખલાસ કરી નાખે છે. સેંકડો યુવાનો અને બીજા લોકો નિષ્ફળતાને કારણે ખલાસ થઈ જાય છે અને આજકાલ તો લોકો આપઘાત પણ કરે છે, પરંતુ સફળતા માણસને નવું બળ આપે છે. માણસ જો ધ્યાન રાખે તો દરેક સફળતાનો ઉપયોગ કરી નવું સોપાન સર કરી શકે છે.સફળતા માણસને બળ આપે છે. સફળતા ગુલાબી છે, નિષ્ફળતા અંધારી, કાળી ધબ છે, પરંતુ સફળતા માણસની પ્રગતિ રોકી પણ શકે છે. કેટલાક લેખકોને એમની પ્રથમ કૃતિ માટે પારિતોષિકો અને પ્રશંસા મળ્યા હોય છે, પરંતુ ત્યાર પછી એમણે ભાગ્યે જ સારી કૃતિ સર્જી હોય છે – સિવાય કે એ વ્યક્તિ જાગૃત હોય અને પોતે જ પોતાની કૃતિના કડક વિવેચક હોય. છતાં નિષ્ફળતા કરતાં સફળતા સારી છે. કમ સે કમ એવી વ્યક્તિને પ્રસિદ્ધિ તો મળે છે, ભલેને પછી સિદ્ધિ ન મળે.અને એક ખૂબ જ અગત્યની વાત. દરેક માણસનું એક વર્તુળ હોય છે એ વર્તુળમાં એ સફળ વ્યક્તિ હોય, આબરુદાર વ્યક્તિ હોય તો જિંદગી સુખેથી પસાર કરી શકે છે. અમુક વ્યક્તિ પોતાના ગામમાં પ્રતિષ્ઠિત હોય છે, કોઈક વળી જિલ્લામાં, કોઈક પોતાના પ્રાંતમાં કે સ્ટેટમાં પ્રખ્યાત હોય છે. એવી વ્યક્તિ સુખી હોય છે ભલેને પછી એને દુનિયામાં ખ્યાતિ ન મળે, ભલેને ‘નોબલ પ્રાઇઝ’ન મળે.

 

૪… બીજા કરતાં થોડા આગળ રહોજે માણસો પોતાના ભાગે આવેલું કામ નિષ્ઠાથી કરે છે તે લોકો પોતાની ફરજ બજાવે છે. પરંતુ, જે લોકો પોતાના ભાગે આવેલ કામને બીજા માણસો કરતાં માત્ર થોડી વધારે ધગશ, થોડો વધારે ઉત્સાહ, થોડી વધારે સૂઝથી કરે છે અને એમાં પોતાની થોડીક વિશિષ્ટતા ઉમેરે છે, તે લોકો બીજા કરતાં કાયમ આગળ રહે છે.ધારો કે, કોઈ પત્રકારે રેલવે અકસ્માતનો અહેવાલ લેવા જવાનું હોય ત્યારે જો એ થોડી વધારે મહેનત કરીને રેલવે તંત્ર વિશે, અગાઉ થયેલા અકસ્માતો વિશે, અકસ્માતોની જગ્યા અને સમય વિશે, એમાં ભોગ બનેલા માણસો વિશે કે માનવતા વિશે અહેવાલ તૈયાર કરે તો બીજા અહેવાલો કરતાં એ વિશિષ્ટ બનશે.સારાં અને ખરાબ ચિત્રોમાં થોડી રેખાઓનો જ ફેર હોય છે. ખરાબ અને સારી તસવીરોમાં માત્ર થોડી લાઇટ-શેડ કે એન્ગલનો જ તફાવત હોય છે, પરંતુ આ ‘થોડું’ જ માણસને બીજા કરતાં અલગ તારવી બતાવે છે. જે માણસો પોતાની પ્રવૃત્તિમાં થોડું થોડું ઉમેરતા રહે છે, તે લાંબા ગાળે ઘણું બધું ઉમેરી શકે છે.એક સામાન્ય કારકૂન તરીકે દાખલ થનાર માણસ સમય જતાં એક પેઢીના ભાગીદાર અને ઘણી વાર માલિક બની શકે છે, કારણ કે તે જ્યાં હોય છે ત્યાં તેઓ પોતાની સાથેના બીજા માણસો કરતાં થોડા વધારે મહેનતુ, થોડા વધારે સૂઝવાળા કે થોડા વધારે સાહસિક હોય છે.જે માણસો ઊંચા લાગે છે, એ માત્ર અમુક ઈંચ જ ઊંચા હોય છે. એક મુઠ્ઠીભર ઊંચાઈ માણસને અન્યો કરતાં ઊંચો બનાવી દે છે.જે માણસો હરીફાઈમાં પ્રથમ નંબરે આવે છે, તે બીજા કરતાં ઘણી વાર તો અમુક સેકન્ડ જ વહેલા હોય છે. રેસમાં પ્રથમ આવનાર ઘોડા ક્યારેક તો બે ડગલાં જ આગળ હોય છે. પરંતુ આ બે ડગલાં મહત્ત્વનાં હોય છે.જિંદગીની મજલમાં પણ એવું જ છે. માત્ર બે ડગલાં આગળ રહેવાથી માણસ કાયમ બીજા કરતાં આગળ રહીને પ્રગતિ કરી શકે છે.

 

૫… નસીબને કે બીજાને ક્યારેય દોષ ન દેશોમોટા ભાગના માણસો પોતાની નિષ્ફળતા માટે કે દુઃખ માટે બીજાનો વાંક કાઢે છે. કોઈ નહીં તો નસીબનો વાંક તો કાઢે જ છે. મને કેટલાય માણસો એવા મળ્યા છે, જે લોકોને આ રીતે જ દુઃખી થતા મેં જોયા છે.”એવું છે ને, હું અને… સાથે જ ભણતા હતા. એ ઠોઠ હતો. એના દાખલા પણ હું જ ગણી આપતો હતો, પણ નસીબની વાત છે એ કરોડપતિ છે અને હું કારકૂન છું.””હું સ્કૂલમાં હતો ત્યારે વાર્તા તો લખતો હતો, પણ પછી છોડી દીધું. જો લખતો રહ્યો હોત તો આજે…””મારી સ્કૂલમાં હું ક્રિકેટનો કેપ્ટન હતો, પણ મારા નસીબ વાંકા, બાપાએ મને દુકાને બેસાડી દીધો. આમ તો હું સુખી વેપારી છું, પણ જો ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હોય તો…”એમની વાત અમુક અંશે સાચી હોય છે, પરંતુ સંપૂર્ણ સાચી નથી હોતી.* માણસોને ગણિતના દાખલા ન આવડતા હોય, પણ એ લોકોમાં બીજી કોઈક એવી શક્તિ હોય છે, જેણે એમને કરોડપતિ બનાવ્યા હોય છે.* જે લોકો સ્કૂલમાં વાર્તાઓ લખતા હોય છે એ લોકો બધા સારા લેખકો નથી થઈ શકતા. સારા લેખક થનારમાં બીજું ઘણું બધું હોય છે.* પોતાની સ્કૂલમાં કોઈ ક્રિકેટનો કેપ્ટન હોય, અરે રણજી ટ્રોફીમાં રમ્યો હોય તોપણ સચીન તેંડુલકર બની શકે એવી કોઈ ગેરંટી નથી હોતી. જિંદગીની કશમકશ એવી હોય છે કે એમાં સેંકડો માણસો ખલાસ થઈ જાય છે. એ કરતાં સારો વેપારી સુખી હોય છે.ળએટલે જે દૂધ ઢોળાઈ ગયું એનો ક્યારેય અફસોસ ન કરશો. તમે ક્યાં ઠોકર ખાધી એનો વિચાર કરી આગળ વધજો. યાદ રાખજો, પ્રગતિ કરવા માટે કોઈ ઉંમર મોટી નથી હોતી…

સામાન્ય માણસ માટે પ્રગતિના ‘પંચશીલ’..- મોહમ્મદ માંકડ