ચહેરા ..– અનિરુદ્ધ આર. પટેલ

એક અગ્રગણ્ય અખબારના હોનહાર રિપોર્ટર આકાશ પટેલની કાર સુરતથી વડોદરાના હાઈ-વે પર પૂરપાટ દોડી રહી હતી. વિચક્ષણ બુદ્ધિપ્રતિભા અને ધારદાર કલમના સથવારે આકાશ ફક્ત પાંચ જ વર્ષમાં અખબારી આલમ તથા વાચકોમાં લોકપ્રિય બની ચુક્યા હતા. વહેલી સવારમાં ઠંડો પવન આકાશના તનબદનમાં નવી તાજગી ભરી રહ્યો હતો છતાં મન તો ગુરુવારે ભરાયેલી રિપોર્ટરોની મિટિંગમાં પહોંચી જતું હતું.
અનૈતિક પત્રકારત્વના મુદ્દે આકાશે વિરોધ કરતાં તંત્રી શ્રી નાગેશ શ્રીવાસ્તવ આકાશને ઉદ્દેશીને કહી રહ્યા હતા : ‘મિ. આકાશ પટેલ ! આપણે એ ન ભૂલવું જોઈએ કે આ એકવીસમી સદી છે. કોમ્પિટીશનનો જમાનો છે. અન્ય અખબારો પણ આપણી હરીફાઈમાં છે. અને વાચકોને હંમેશા કંઈક નવું વાંચવા જોઈએ છે. આત્મદહનના ફોટા અખબારમાં છાપવા એ શું ગુનો છે ? અને વહીવટીતંત્ર જો પોતાના પ્રશ્નો તરફ ધ્યાન ન આપે તો માણસ બીજું કરે તો શું કરે ?’
‘એવું નથી સર ! પરંતુ તેને આત્મદહનનું પગલું ભરવાની સલાહ મીડિયાવાળાઓએ જ આપીને !’
‘પણ એ તો ઈલેક્ટ્રોનિક મીડિયાવાળાઓએ કર્યું છે. તેમની ચેનલોમાં બ્રેકિંગ ન્યૂઝમાં બતાવવા માટે….’
‘ઈલેક્ટ્રોનિક મીડિયા એ પ્રિન્ટમીડિયાનો જ ભાઈ છે સર ! સમાચાર માટે થોડીવાર આત્મદહન કરવાનું કહી તેને સનસનાટી પૂર્ણ બનાવવા લાંબા સમય સુધી આત્મદહન કરાવવું એ ક્યાંનો ન્યાય છે સર ? એ વ્યક્તિ કેટલો દાઝી ગયો હતો એ ખબર છે ! અને એવા ફોટા પાછા આપણે અખબારોમાં છાપીએ તો એ માટે શું આપણે જવાબદાર ન ગણાઈએ ?’
‘તો આપણે બીજું શું કરી શકીએ ?’
‘આપણે બીજું ઘણું બધું કરી શકીએ, સર ! તે વ્યક્તિના પ્રશ્નો અંગે પૃચ્છા કરી શકીએ. તેના પ્રશ્નોને યોગ્ય રીતે છાપી વાચા આપવી જોઈએ. વહીવટીતંત્રમાં જઈ સામાન્ય વ્યક્તિનાં પ્રશ્નોનો નિકાલ કેમ આવતો નથી તેની તપાસ કરવી જોઈએ અને જરૂર જણાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી જોઈએ.’
‘આ બધું કરવાનો સમય જ ક્યાં છે, મિ. આકાશ ?’
‘એટલે શોર્ટકટ અપનાવી તેના દહનને કેમેરામાં કંડારવાનું ? તો પછી આપણી નૈતિકતા, માણસાઈ ક્યાં ગઈ ?’
‘નૈતિકતા અને માણસાઈ સાથે કામ કરવા જઈએ ને તો અખબાર બંધ કરવાનો વારો આવે, મિ. આકાશ !’ આકાશ તંત્રીશ્રીના માનવતા વિહોણા બીજા ચહેરાને જોઈ રહ્યો.
અચાનક બમ્પનો ધડ-ધડ અવાજ આવતાં ખ્યાલ આવ્યો કે વડોદરા આવી ગયું છે. વડોદરા શહેરને ક્રોસ કરી, ટોલટેક્ષ ભરી આકાશ પટેલની કાર હવે અમદાવાદ એક્સપ્રેસ-વે પર સડસડાટ દોડી રહી હતી. કારની એકધારી સ્પીડે વળી પાછું આકાશનું મન સુરતની મિટિંગમાં પહોંચી ગયું.
‘સર ! ભારતમાં વસતા કરોડો લોકોના અનેક પ્રશ્નો છે. જેમકે સહાય માટે વહીવટીતંત્રમાં ધક્કા ખાતી વિધવાઓના પ્રશ્નો, પાસ મેળવવા સમય બગાડી લાઈનમાં ભૂખ્યા-તરસ્યા ઊભા રહેતા વિદ્યાર્થીઓ, ક્રિકેટ સિવાયની રમતના રમતવીરોની આર્થિક મુશ્કેલીઓ, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાઓ, ઝૂંપડપટ્ટીના લોકોની વિટંબણાઓ, ભ્રષ્ટાચારી અધિકારીઓનો શિકાર બનતા નિર્દોષ નાગરિકો વગેરે ઉપર અનેક લેખો લખી શકાય. અને વાચકોને અન્ય વિવિધતા પૂર્ણ સમાચારો પણ આપી શકાય. પરંતુ નૈતિકતાને નેવે મૂકીને રિપોર્ટિંગ કરવું શું યોગ્ય છે ?’
‘મિ. આકાશ ! મને લાગે છે કે તમારે આરામની જરૂર છે. તમે બે-ચાર દિવસ ક્યાંક ફરી આવો. ફ્રેશ થઈ જશો એટલે કામ કરવાની અનુકૂળતા રહેશે.’
આકાશ સિવાય અન્ય કોઈ રિપોર્ટર તંત્રી શ્રી નાગેશ શ્રીવાસ્તવને સત્ય કહેવાની હિંમત નહોતા કરી શકતા. બધા તંત્રીશ્રીની દરેક વાતમાં હા માં હા મિલાવતા હતા. બધાને પોતાની નોકરી છૂટી જવાનો ભય સતાવતો હતો. પરંતુ આકાશ પટેલ અલગ માટીમાંથી બનેલા વ્યક્તિ હતા. શિક્ષક પિતા પાસેથી તેમને વારસામાં નૈતિકતાના ગુણો મળ્યા હતા. તે નૈતિકતાના મુદ્દે કોઈ જ બાંધછોડ કરવા તૈયાર ન હતા. આકાશને તંત્રીશ્રી નાગેશ શ્રીવાસ્તવ સાથે ઘણીવાર ચકમક ઝરતી પરંતુ તંત્રી આકાશને નોકરીમાંથી રાજીનામુ માંગવાની હિંમત કદાપિ કરતા ન હતા. કારણ કે તેઓ જાણતા હતા કે આકાશની કલમમાંથી નીકળતા શબ્દો એ શબ્દો મટી તીર બની જતાં. ક્યારેક એ તીર કોઈ વહીવટી અધિકારીઓને વાગતાં તો ક્યારેક ભ્રષ્ટ રાજકારણીઓને. ક્યારેક લાંચિયા પોલીસ અધિકારીઓને તો ક્યારેક શિક્ષણના માંધાતાઓને વાગતાં અને વળી કોઈપણ મુદ્દા પરની તેમની કવર સ્ટોરી વાંચકો માટે માહિતીનો ખજાનો બની જતી….તેથી જ સ્તો શ્રી નાગેશે આકાશ પટેલને પાણીચું પકડાવી દેવાનું કહેવાની જગ્યાએ ક્યાંક ફરી આવવાની સલાહ આપી.
ઝડપથી અને એકધારી ગતિથી ચાલતા વાહનોની જગ્યાએ કોલાહલ અને વાહનોની ઘરઘરાટીના અવાજો સંભળાતા જ આકાશને ખ્યાલ આવ્યો કે અમદાવાદ આવી ગયું. મોં પર દુપટ્ટા બાંધેલી યુવતીઓને જોઈ આકાશ આછું હસ્યો અને મનોમન બબડ્યો : આટલા ખુશનુમા વાતાવરણમાં લોકો ચહેરો શા માટે છુપાવતા હશે ? પારકાં જોઈ ન જાય એટલે કે પછી પોતાના ન જુએ એટલે ?…. અમદાવાદના ઘોંઘાટભર્યા વાતાવરણમાંથી બે કલાકની મુસાફરી કરી આકાશની કાર ક્યારે હિંમતનગર આવી પહોંચી તેનો ખ્યાલ ન રહ્યો. આ નાનકડા, સુંદર અને સ્વચ્છ શહેરે આકાશનું મન મોહી લીધું. તેમણે ત્યાં જ જમવાનું નક્કી કર્યું. સારી હોટલમાં જમી આકાશે પોતાની કાર અંબાજી તરફ દોડાવી મૂકી. દૂરથી દેખાતી અરવલ્લીની ગિરિમાળા જોઈ આકાશ ભાવવિભોર બની ગયા. ઈડરના પથ્થરયુક્ત ડુંગરો અને રાણીતળાવ જોઈ આકાશ આભા જ બની ગયા. રસ્તાની આસપાસ રહેલા અરવલ્લીના ડુંગરો પરથી આકાશની નજર હટતી જ ન હતી. કુદરતી સૌંદર્ય જોઈ આકાશનું મન પ્રફુલ્લિત બની ગયું. અંબાજી પહોંચી જગતજનની મા અંબાના દર્શન કરી પાછા ફરતી વખતે આકાશનું મન અરવલ્લીના પર્વતોને નજીકથી નિહાળવાની લાલચ રોકી ન શક્યું અને તેમણે ખેડબ્રહ્માથી ડાબી તરફ અંતરિયાળ વિસ્તારમાં પોતાની કાર હંકારી મૂકી. ક્યાંક ઝરણાં તો ક્યાંક ખુલ્લા ખેતરો, ક્યાંક વનસ્પતિ, તો ક્યાંક ઝાડ વગરના બોડા ડુંગરો આકાશને વધુ અંતરિયાળ વિસ્તારમાં જવા જાણે કે પ્રેરી રહ્યાં હતા. સીંગલ રોડ પર સામેથી આવતા લીલા થડ ભરેલા ટ્રેક્ટરો જોઈ આકાશનું મન વિહવળ બની ગયું. જાણે કે એ ટ્રેક્ટરો ઝાડના થડ નહીં પણ લાશો લઈને જઈ રહ્યાં ન હોય, તેવો આભાસ થયો અને પર્યાવરણનું નખ્ખોદ વાળવા બેઠેલા લોકો અને વન અધિકારીઓ પ્રત્યે તિરસ્કાર થયો.
દૂર દૂર સુખી પાંખા જંગલો અને ઝાડ વગરના બોડા ડુંગરો જોઈ આકાશે નિઃસાસો નાખ્યો. ડુંગરના ઢાળ પરથી ઉતરતાં કારમાંથી આઠથી દસ કિ.મી. દૂર લીલા જંગલો હોવાનું જણાતા આકાશ ફરીથી હરખાયો. આકાશ હવે ખાસ્સો અંતરિયાળ વિસ્તારમાં આવી ગયો હતો. માણસો પણ ભાગ્યે જ જોવા મળતા હતા. પાકો રોડ પૂરો થઈ ગયો હતો. હવે કાચો રસ્તો હતો પરંતુ સામે જ દેખાતા લીલાછમ જંગલોએ તેનું મન મોહી લીધું. આકાશને થયું કે નક્કી ત્યાં કોઈ ગામ કે વસાહત હશે. સાંજ પડવાની હજુ વાર હતી. રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરવાની હતી.
જંગલ નજીક દેખાતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી. પરંતુ જંગલ શરૂ થતાં અચાનક જ આકાશ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. રોડની બન્ને તરફ લાઈનબંધ ઊભેલાં વૃક્ષો, રસ્તાને અડીને બન્ને તરફ સમાન અંતરે લાગેલા બોટલપામ અને નીચેની બાજુએ ગલગોટાના પીળા પુષ્પો જાણે કે સ્વાગત કરવા ના ઊભાં હોય, તે રીતે હારબંધ ઊભા હતાં. તે સાથે જ ફળાઉવૃક્ષો, લીમડાં અને આંબાના વૃક્ષો પણ કતારમાં જ ઊભા હતાં. નાનકડી નીક દ્વારા વૃક્ષોને પાણી પાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલા અંતરિયાળ વિસ્તારમાં જંગલ આટલું બધું સ્વચ્છ કેવી રીતે હોઈ શકે ? પોતાને થયેલા આશ્રયનું નિરાકરણ કરવા પૂછવું તો પણ કોને ? ત્યાં જ એક ભરવાડને ઘેટાં-બકરાં ચરાવતો દૂર જોયો. તેને ઈશારો કરી બોલાવ્યો અને પૂછ્યું :
‘આવા વિસ્તારમાં આટલું આયોજનપૂર્વકનું જંગલ ક્યાંથી આવ્યું ?’
‘શું વાત કરું સાહેબ ! અહીંથી હજુ બે કિ.મી. આગળ જશો એટલે એક ઝૂંપડી આવશે. બસ ત્યાં જ એક ભલો માણસ રહે છે. તેણે જ આ વૃક્ષો વિનાના બોડા ડુંગરો અને બંજર ભૂમિને આયોજનપૂર્વકના જંગલમાં ફેરવી નાખ્યું હો સાહેબ ! ભગવાને તો કોઈ દેવદૂત જ મોકલ્યો હોય તેવું લાગે છે.’
‘એક જ માણસ છે ?’
‘હાં સાહેબ, બીજો કોઈ જોયો નથી.’
‘તમે ક્યારેય મળ્યા છો તેમને ?’
‘હાં. એક-બે વાર મુલાકાત થઈ હતી ત્યારે કેમ છો, કાકા ? મજામાં ? – એટલું બોલ્યા હતા પરંતુ મોં પર કપડું બાંધેલું હતું એટલે ઓળખી ન શક્યા પણ ભલો માણસ લાગે છે હોં !’
આકાશ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. ઉજ્જડ અને વેરાન પ્રદેશને નંદનવન બનાવનાર માણસને જોવા હવે આકાશનું મન અધીરું બન્યું. તેમણે કાર ઝૂંપડી તરફ મારી મૂકી. હજુ આકાશનું મન માનવા તૈયાર જ ન હતું કે એક જ વ્યક્તિ આટલું આયોજનબદ્ધ રીતે વનને કેવી રીતે બનાવી શકે ? કાર ઝૂંપડી સુધી જાય તેમ ન હોવાથી કારને દૂર થોભાવી આકાશે ચાલતાં જ ઝૂંપડી તરફ પ્રયાણ કર્યું. આસપાસના વૃક્ષો પર પક્ષીઓ માટે બનાવેલા માળા, પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા જોઈ આકાશ તો દિગ્મૂઢ થઈ ગયાં. પાંચેક મિનિટ જેટલું ચાલ્યા બાદ ગાઢ વૃક્ષોથી આચ્છાદિત ઝૂંપડી સુધી પહોંચી ગયા. ઝાડ સાથે સાંકળથી બાંધેલા ડાઘિયા કૂતરાએ આકાશનું જાણે કે ભસીને સ્વાગત કર્યું. આકાશ ઝૂંપડીની ફરતે મહેંદીની વાડ અને આસપાસની સ્વચ્છતાને નિહાળતા હતા. ત્યાં જ અંદરથી એક પોણા છ ફૂટની ઊંચાઈ ધરાવતા, મજબૂત બાંધાના આશરે ચાલીસ વર્ષના યુવાનનો વિનમ્રતાપૂર્વકનો અવાજ સાંભળ્યો, ‘આવો સાહેબ….’ મોં પર બાંધેલા કપડાંની વચ્ચે દેખાતી તેમની નીડર અને ભાવવાહી આંખોને આકાશ બે-ઘડી નીરખી રહ્યાં.
‘જી નમસ્તે, હું આકાશ પટેલ. સુરતથી આવું છું. આ તો અંબાજી દર્શન કરવા આવ્યો હતો પરંતુ અરવલ્લીના પર્વતોને નિહાળતો આવતો હતો ત્યાં જ આ આયોજનપૂર્વકના જંગલને જોઈ હું આશ્ચર્ય પામ્યો. એક ભરવાડે મને આપના વિશે વાત કરી અને આપને મળવાની ઈચ્છાને રોકી ન શક્યો.
‘બેસોને, હું તમારા માટે પાણી લાવું.’
આકાશ ઝૂંપડીની અંદરની સજાવટને નિહાળી રહ્યા હતાં ત્યાં જ પેલો યુવાન પાણી અને થોડાં ફળો લઈને આવ્યો.
‘તમે અહીં એકલા રહો છો ?’
‘હાં.’
‘તમને બીક નથી લાગતી ?’
‘કોની બીક ?’
‘પશુ-પંખીઓ અને જંગલી જનાવરોની ?’
‘ના રે ના. એ બધા તો મારા મિત્રો બની ગયા છે. તેઓના કારણે તો મને હર્યુંભર્યું લાગે છે.’
‘તમે અહીં કેટલા વર્ષથી રહો છો ?’
‘બાર વર્ષથી.’
‘તો પછી પહેલાં ક્યાં હતાં ? અને શું કરતા હતા ?’
‘પહેલા હું શહેરમાં ફાયર બ્રિગેડનો ઓફિસર હતો.’
‘વ્હોટ ? ઓફિસરમાં ? તો પછી અહીં કેવી રીતે આવ્યાં ?’
‘એ ન પૂછો તો સારું છે.’
‘ઓહ સોરી. પણ એક વાત ક્યારની મારા મનમાં ઘુમરાયા કરે છે એ તો પૂછી શકું ને ?’
‘કઈ વાત ?’
‘તમે ચહેરા પર આમ કપડું કેમ બાંધો છો ?’
‘એ પણ ના પૂછો તો સારું છે.’
‘ના. એ તો તમારે કહેવું જ પડશે.’
‘તમે જાણીને શું કરશો ?’
‘બસ, મારી અધીરાઈ ખૂટી ગઈ છે. આખા વિસ્તારને નંદનવન બનાવનાર વ્યક્તિને મારે જોવો છે.’
‘પણ હું જોવા જેવો નથી.’
‘એટલે ?’
‘એટલે કે મારો ચહેરો બળી ગયેલો છે. તમે નહીં જોઈ શકો. ડરી જવાય એવો છે બિહામણો ચહેરો.’
‘ઓહ ! પણ હું મક્કમ મનોબળ ધરાવનાર વ્યક્તિ છું. તમે ચિંતા ન કરશો. તમે ઘણી વેદનાઓ સંઘરીને બેઠા છો. તમારી વેદનાઓમાં મારે ભાગીદાર થવું છે. તમે ચહેરો બતાવશો તો વાંધો નહિ આવે.’ પેલા યુવાને ચહેરા પરનું આવરણ હટાવી દીધું.
તેનો ચહેરો જોતાં જ આકાશનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તે અપલક નજરે જોઈ રહ્યા એ વિકરળ ચહેરાને. સંપૂર્ણ બળી ગયેલ નાક અને પાંપણો, અર્ધ બળી ગયેલા કાન, માથાના વાળ અને ભ્રમરો. સામાન્ય માણસ ખરેખર તે જોઈને કદાચ ચીસ પાડી ઉઠે પણ આકાશ તો તે યુવાનના વિકરાળ ચહેરાની વચ્ચે રહેલી ભાવનાશીલ આંખોને વાંચવા મથી રહ્યો હતો.
‘તમારું નામ તો પૂછવાનું રહી જ ગયું.’
‘અભયસિંહા.’
‘અભયસિંહા ?! એ તો બહુ જાણીતું નામ છે. તમારી બહાદુરીના કિસ્સા તો મેં સાંભળેલા છે. હું રિપોર્ટર નહોતો ત્યારે પણ પેપરોમાં આપના વિશે ઘણું વાંચેલું છે. આજ મળીને આનંદ થયો. પરંતુ આપના જેવા જાંબાઝ ઑફિસરે નોકરી કેમ છોડી દીધી ?’
‘એની પાછળ એક નાનકડી કહાની છે.’
‘મને કહો ને… મારે જાણવું છે…’
‘તો સાંભળો. આજથી બાર વર્ષ પહેલાં હું શહેરમાં ફાયર બ્રિગેડના ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. અમારી પર એક કોલ આવ્યો કે શહેરના એક ગોડાઉનમાં ભયંકર આગ લાગી છે અને પાસેનો એક અનાથ આશ્રમ પણ આગની જવાળાઓમાં લપેટાઈ ગયો છે. અમે તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યાં. ગોડાઉનમાં જવલનશીલ પદાર્થો હતાં જે સળગતાં આગની ભયંકર જ્વાળાઓ અનાથાશ્રમને ઘેરી વળી હતી. લોકો બચાવો-બચાવોની બૂમો પાડતા હતા. ચારે બાજુ અફરા-તફરી મચી ગઈ હતી. આનાથાશ્રમના પાંચ બાળકો આગની વિકરાળ જ્વાળાઓમાં ફસાઈ ગયા હતા. જો તેમને જલ્દીથી બચાવવામાં ન આવ્યાં તો તેઓ આગનો કોળિયો બની જાય તેમ હતાં. એક તરફ પાણીનો મારો ચાલુ હતો પણ તેનાથી આગ ઓલવાતા વાર લાગે તેમ હતી. તે પહેલાં બાળકોને બચાવવા જરૂરી હતાં. મેં મારા ઉપરી અધિકારી વિવેક શર્માને કહ્યું કે હું બાળકોને બચાવવા આગમાં જાઉં છું. મારી સાથે બે જવાનો મોકલો. પરંતુ આશ્ચર્ય વચ્ચે ઉપરી અધિકારીએ ના પાડી અને કહ્યું, ‘મિ. સિંહા, આગની જ્વાળાઓ ભયંકર છે. જવાનોને આગમાં મોકલવા તદ્દ્ન મૂર્ખામી છે.’
‘પણ સર, બાળકોનો જીવ જોખમમાં છે. તેઓને મદદની જરૂર છે. તેમને બચાવવા આપણી ફરજ છે.’
‘મને ફરજ ન શીખવાડો મિ. સિંહા ! બાળકો તો આમેય અનાથ જ છે ને ! તેમના માટે જવાનોના જીવ જોખમમાં ન મૂકી શકાય. પાણીથી આગ હોલવાઈ જાય પછી જઈશું.’ આ વાક્ય સાંભળતા જ મને મારા ઉપરી અધિકારી વિવેક શર્મા પર તિરસ્કાર છૂટ્યો અને હું બાળકોને બચાવવા દોડ્યો.
‘તમારે પણ જવાનું નથી. ધીસ ઈઝ માય ઑર્ડર મિ. અભય !’ મારા ઉપરીના ઑર્ડરની પરવા કર્યા વિના હું બાળકોને બચાવવા આગમાં કૂદી પડ્યો.
ચારે તરફ આગની જ્વાળાઓથી લપેટાયેલા એક રૂમમાં પાંચેય બાળકો એક ખૂણામાં લપાઈને મદદ માટે ચીસો પાડી રહ્યાં હતાં. મેં એક પછી એક એમ ચાર બાળકોને જીવના જોખમે બહાર કાઢ્યાં. પરંતુ પાંચમા બાળકને લઈ આવતી વખતે મકાનની સળગતી છત મારા પર પડી. મેં બાળકને તો મારી ગોદમાં છુપાવી દીધો પરંતુ સળગતાં લાકડાં મારા મોં ઉપર પડ્યાં. મારો ચહેરો બળી ગયો પણ બાળકને બચાવી લીધું. ત્યારબાદ સારવાર અર્થે મને સિવિલમાં ખસેડવામાં આવ્યો. બે મહિના સિવિલમાં રહ્યા બાદ મને રજા મળી. બાળકો મને મળવા આવ્યા હતા. તેઓના ચહેરા પર ખુશી હતી. તેઓના ગયા પછી અમારા ઉપરી અધિકારી શ્રી વિવેક શર્મા મને મળવા આવ્યા. હું ખુશ થયો. મને હતું કે બાળકોના જીવ બચાવવા બદલ તેઓ મને શાબાશી આપશે. પરંતુ તેઓ કશું જ બોલ્યા નહીં. તેમણે ધીરે રહીને કહ્યું :
‘જુઓ મિ. અભયસિંહા ! તમે તમારા ઉપરી અધિકારીના ઑર્ડરનું ઉલ્લંઘન કર્યું છે. તેથી તમને મેમો આપવામાં આવે છે. અને તમારો ચહેરો તમે દર્પણમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારો વિકરાળ ચહેરો જોઈ સામાન્ય માણસ ડરી શકે છે એટલે સારું રહેશે કે તમે….’
‘બસ સાહેબ, હું સમજી ગયો.’
અને બીજે દિવસે મારું રાજીનામું વિવેક શર્માના ટેબલ પર હતું. મને બે ચહેરાઓ ધરાવતી માણસ જાત પ્રત્યે તિરસ્કાર છૂટ્યો અને હું નીકળી પડ્યો માનવ વસાહતથી દૂર અરવલ્લીની ગિરિમાળાઓ તરફ, મારો વિકરાળ ચહેરો કોઈ જોઈ ન જાય એટલે…..’
આકાશ અનિમેષ નજરે નીખરી રહ્યો બિહામણા ચહેરા વચ્ચેની બે ભાવવાહી આંખોને… તેને પણ ધિક્કાર છૂટ્યો માણસ જાત પ્રત્યે. સાંજ પડી ચૂકી હતી. અભયસિંહાએ આકાશ માટે સૂવાની વ્યવસ્થા કરી હતી. અભય તો ઘસઘસાટ ઊંઘી ગયા. પરંતુ આકાશના મનમાં મોડી રાત સુધી અભયના વિચારો જ ઘુમરાયા કર્યા. કેટલો નિઃસ્વાર્થ છે આ માણસ ! જ્યારે ફાયર બ્રિગેડમાં હતાં ત્યારે લોકોની સેવા કરી અને હવે પર્યાવરણ દ્વારા લોકોની જ સેવા કરી રહ્યાં છે ને ! જો તેમણે ધાર્યું હોત તો વિવેક શર્માની જેમ આગની લપેટોથી બચી શક્યા હોત. પણ શું તેમ કર્યું હોત તો પાંચ માસૂમ બાળકો બચી શક્યાં હોત ? તેમણે ધાર્યું હોત તો અરવલ્લીના ડુંગરોમાં ઝૂંપડી બાંધી જીવી શક્યા હોત. પણ શું તેમ કર્યું હોત તો અહીં નંદનવન બની શક્યું હોત ? – વિચારો કરતાં કરતાં આકાશને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન રહી.
પક્ષીઓના કલરવ વચ્ચે સવારે જ્યારે આકાશની આંખ ખૂલી ત્યારે અભય પક્ષીઓને દાણા નાખી રહ્યાં હતાં. તેમની ચારે બાજુ પક્ષીઓના ઝૂંડ હતાં. ચા-નાસ્તો તથા ન્હાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા અભયે કરી રાખી હતી. તાજા પુષ્પોની સુગંધ ચારે બાજુથી આવી રહી હતી. કૂતરો પૂંછડી પટપટાવતો હતો. આકાશે તૈયાર થઈ અભય પાસે આવી કહ્યું :
‘પશુ-પક્ષીઓ તમને ખૂબ પ્રેમ કરતા હોય તેવું લાગે છે.’
‘હા ! કારણ કે એ ચહેરાને પ્રેમ નથી કરતાં. મારાં ચહેરાથી કોઈ પશુ-પક્ષીઓને ડર નથી લાગતો. તેઓ મારા દિલને પ્રેમ કરે છે.’
‘તમારી વાત સાચી છે. હું તમારી સાથે જ છું. ચિંતા ન કરતાં.’ અને આકાશની કાર લીલાછમ સ્વર્ગમાંથી ઘોંઘાટીયા શહેરો તરફ સડસડાટ દોડવા લાગી. આકાશનું મન વિચારોના વમળોમાં ડૂબી ગયું. આ જગતમાં કેટલા ચહેરા છે. એક તરફ છે બબ્બે ચહેરા ધરાવતાં સમાજના કહેવાતાં પ્રતિષ્ઠિત માણસો અને બીજી તરફ છે પોતાના ચહેરાની પરવા કર્યા વિના પાંચ માસૂમ ચહેરાઓને બચાવનાર અભયસિંહાનો નિઃસ્વાર્થ ચહેરો….
આકાશ હવે ચહેરા ઓળખવા લાગ્યો હતો. સાંજે સુરત પહોંચી તંત્રીશ્રી નાગેશ શ્રીવાસ્તવને ફોન કર્યો અને પોતે આવી ગયાની જાણ કરી. સાથે એ પણ જણાવ્યું કે પોતે થાકી ગયો હોઈ તથા એક હોટ સ્ટોરી પણ લાવ્યો હોઈને તે લખાયા બાદ બે દિવસ પછી ઑફિસે આવશે. બે દિવસ પછી ઑફિસ ટાઈમ થઈ ગયો હોવા છતાં આકાશ ન આવતાં હોટ સ્ટોરીના ઈંતજારમાં તંત્રીશ્રી નાગેશ શ્રીવાસ્તવે આકાશના કેબિનની મુલાકાત લીધી. ત્યાં ટેબલ પર એક પત્ર પડેલો હતો. સાથે એક સ્ટોરી પણ હતી. પત્ર કંઈક આ પ્રમાણે હતો :

શ્રી નાગેશ સર,
જીવન એ કુદરત તરફથી મળેલી એક અનમોલ ભેટ છે. આ દુનિયામાં ફક્ત પૈસો અને પ્રતિષ્ઠા એ જ સર્વસ્વ નથી. ક્યારેક નિઃસ્વાર્થ સેવા પણ આપણા જીવનનો એક ભાગ બની રહેવો જોઈએ. હું મારા પિતાજી પાસેથી નૈતિકતાના પાઠ ભણ્યો છું. અખબારનું કામ સત્યને બહાર લાવવાનું છે, નહીં કે ખોટી સલાહ આપી લોકોને આત્મદહન માટે પ્રેરવાનું. તેને સમર્થન આપવું એ પણ આપણી અનૈતિકતા જ ગણી શકાય.
હું અંબાજીના દર્શન કરી અરવલ્લીના ડુંગરોમાં ફરવા ગયો હતો. ત્યાં મારી મુલાકાત શહેરના એક જમાનાના ફાયરબ્રિગેડના જાંબાઝ ઑફિસર અભયસિંહા સાથે થઈ હતી. તમે તો અભયસિંહાને ઓળખતાં જ હશો. પાંચ બાળકોને આગથી બચાવતાં તેમનો ચહેરો બળી ગયો હતો. પરંતુ આપના જેવા જ તેમના ઉપરી અધિકારીએ તેમને શાબાશી આપવાની જગ્યાએ બિહામણા ચહેરાને મુદ્દે તેનું રાજીનામું માંગી લીધું હતું. અત્યારે અભયસિંહા માણસ જાતથી દૂર અરવલ્લીના ડુંગરોમાં જઈ વસ્યાં છે. કોઈપણ જાતના સ્વાર્થ વગર તેમણે બંજર જમીનમાંથી નંદનવન બનાવ્યું છે. આ પત્ર સાથે એ સ્ટોરી મોકલી રહ્યો છું. તે સ્ટોરીને આપના અખબારમાં છાપશો તો આપે પણ કંઈક નિઃસ્વાર્થ સેવા કરી ગણાશે. મને મારી મંજિલ હવે મળી ગઈ છે. પર્યાવરણ થકી લોકોની પરોક્ષ રીતે સેવા કરતાં અભયસિંહાને સાથ આપવા હું તેમની પાસે જઈ રહ્યો છું. મેં મારું રાજીનામું આ પત્ર સાથે લગાવ્યું છે. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો. અને હવે મને ફોન ન કરતાં કારણ કે જ્યારે આ પત્ર આપને મળશે ત્યારે હું ઘણો જ દૂર નીકળી ગયો હોઈશ.

લિ.
આકાશ પટેલ.
પત્ર પૂરો કરતાં જ શ્રી નાગેશે આકાશને ફોન જોડ્યો પણ આકાશ કવરેજક્ષેત્રની બહાર હતાં. પણ હા, તે અરવલ્લીના કવરેજમાં જરૂરથી પહોંચી ગયાં હતાં….

ચહેરા ..– અનિરુદ્ધ આર. પટેલ

Advertisements