સંપત્તિ, સફળતા અને પ્રેમ…

એક સ્ત્રી પોતાના ઘેર પાછી આવી ત્યારે તેણે ત્રણ વૃદ્ધ માણસોને તેના આંગણે બેઠેલા જોયા.તેને તેમની ઓળખાણ પડી નહિં છતા જમવાનો સમય થયો હોઈ, તેણે તેમને પોતાના ઘરમાં અંદર જમવા આવવા આમંત્રણ આપ્યું.
તેમણે પૂછ્યું:’શું તમારા પતિ ઘરમાં છે?’
સ્ત્રીએ જવાબ આપ્યો,’ના તે બહાર ગયા છે.’
તેઓ બોલ્યા,’તો હમણા અમે તમારા ઘરમાં આવી શકીએ નહિં.’
જ્યારે પેલી સ્ત્રીનો પતિ ઘેર પરત ફર્યો ત્યારે તેણે તેને સમગ્ર ઘટના કહી સંભળાવી.તેઓ બન્ને સાથે પેલા ત્રણ પુરુષોને પોતાના ઘરમાં આમંત્રવા બહાર આવ્યા.
હવે તેમના પૈકી સૌથી વૃદ્ધ જણાતા પુરુષે કહ્યું:’અમે ત્રણે સાથે તમારા ઘરમાં પ્રવેશી શકીશું નહિં.આનું નામ સંપત્તિ છે’ એક તરફ આંગળી ચીંધતા તેણે કહ્યું, ‘અને પેલો સફળતા છે’ બીજાની ઓળખાણ આપતા તેણે જણાવ્યું અને પોતાનું નામ પ્રેમ છે એવી માહિતી તેણે પેલા દંપતિને આપી. ‘હવે તમે બન્ને ચર્ચા કરી લો અને અમને જણાવો કે અમારામાંથી કોણ તમારા ઘરમાં પ્રવેશે?’
દંપતિએ ચર્ચા કરી.પતિ સંપત્તિને ઘરમાં બોલાવવા ઇચ્છતો હતો જેથી તેનું ઘર સુખસાહ્યબીથી છલકાઈ જાય.પત્નિ સફળતાને ઘરમાં લઈ આવવા ઇચ્છતી હતી.તેમની ચર્ચા સાંભળી તેમની નાનકડી દિકરી બીજા ઓરડામાંથી તેમની પાસે દોડી આવી અને તેણે પ્રેમને ઘરમાં લઈ આવવાનું સૂચન કર્યું જેથી તેમનું ઘર આ અદભૂત લાગણીની મહેકથી ભરાઈ જાય.
છેવટે દંપતિએ તેમની દિકરીની સલાહને અનુસરવાનું નક્કી કર્યું.પત્નિ જઈને પ્રેમને આમંત્રી આવી.
પ્રેમ તેમના ઘરમાં પ્રવેશ્યો.બીજા બે પુરુષો પણ ઉભા થયા અને પ્રેમને અનુસરી તેની પાછળ પાછળ દંપતિના ઘરમાં પ્રવેશ્યા.
આશ્ચર્યચકિત થતા સ્ત્રીએ પૂછ્યુ: ‘મેં તો ફક્ત પ્રેમને આમંત્રણ આપ્યું હતું.તો પછી તમે બન્ને પણ શા માટે અંદર આવ્યા?’
ત્રણે પુરુષોએ સાથે જવાબ આપ્યો:’જો તમે સંપત્તિ અથવા સફળતાને જ અંદર આવવા આમંત્રણ આપ્યું હોત તો બાકીના બે બહાર જ રહ્યા હોત પણ જ્યાં પ્રેમ જાય છે ત્યાં અમે બાકીના બન્ને તેની પાછળ પાછળ જઈએ છીએ.જ્યાં પ્રેમનું અસ્તિત્વ હોય છે ત્યાં સંપત્તિ અને સફળતા આપોઆપ પહોંચી જાય છે…’

સંપત્તિ, સફળતા અને પ્રેમ…