એક રાતની વાત…-અજ્ઞાત

વરસમાં એક જ વાર ખીલતા બ્રહ્મકમળ નામના ફૂલને જોવા હું ગયો.
મને થયું – કેવું કહેવાય.. !
વરસમાં એક જ વાર ખીલે, એ પણ થોડા કલાકો માટે !
બ્રહકમળ કહે ‘મને તો આનંદ છે. ભલેને થોડા સમય માટે,
પણ દુનિયા તો જોવા મળે છે ને !’
મેં કહ્યું, ‘પણ આટલા સમયમાં શું ખીલવું ને શું જોવું ?
એમાંય તારું કોઈ ખાસ રૂપ નહીં.’
‘તોય બધાં મને જોવા આવે છે ને.. !
આખુ વર્ષ ખીલતાં ફૂલો જોવા ખાસ કોણ જાય છે ?’ બ્રહ્મકમળે કહ્યું.
‘એ વાત સાચી, પણ તને આવી ટૂંકી આવરદાનો અફસોસ થતો નથી ?’
મેં પૂછ્યું.
‘ના, જરાય નહિ, ઉપરથી હું તો ખુશ છું કે આટલા થોડા સમય માટે પણ હું સમસ્ત વાતાવરણને મારી સુગંધથી મહેકાવી શકું છું.’ આનંદથી બ્રહ્મકમળે કહ્યું.
‘પણ એમાં તો તને….’
મને બોલતો અટકાવીને બ્રહ્મકમળ કહે –
તમે અફસોસ કરવામાં સમય વેડફવાને બદલે જે મળ્યું છે તે માણો ને ?
નહીં તો એટલુંય નહીં થઈ શકે. મને થયું કે એની વાત સાચી છે ને મેં ધ્યાનથી એનું નિરિક્ષણ કરવા માંડ્યું. એને જેમ ધ્યાનથી જોતો ગયો એમ હું મુગ્ધ બનતો ગયો. સફેદ રંગના વિવિધ શેડ બ્રહ્મકમળમાં જોવા મળ્યા.
એની વાત સાવ સાચી હતી. આપણે સામે જે છે એને જ માણવાનું ભૂલી જઈએ છીએ ને પછી તો ખોટી તથા નકામી વાતોમાં અટવાયા કરીએ છીએ. જે સમયે આપણને જે મળે તેને ઈશ્વરની દેન સમજી તેના જ આનંદમાં ખોવાઈ જઈએ, તેમાં જ સાચું સુખ છે..

એક રાતની વાત…-અજ્ઞાત