જીવનની એવી કોઈ મૂંઝવણ નથી, એવી કોઈ ગૂંચ નથી જે ધીરજ રાખીને ઉકેલી શકાય. BY SAURABH SHAH

જીવનની એવી કોઈ મૂંઝવણ નથી, એવી કોઈ ગૂંચ નથી જે ધીરજ રાખીને ઉકેલી શકાય. મોટાભાગની મૂંઝવણો અને ગૂંચો તો સમય પસાર થતાં ઢીલી પડતી જાય છે અને આપોઆપ ઉકલી જાય છે.

પણ પૈસા કમાવા છે કે મનગમતું કામ કરવું છે એ વિશેનો ડાયલેમા એક એવી દ્વિધા છે જેનો ઉકેલ મોટી ઉંમરેય મળતો નથી. અથવા તો એમ કહીએ કે ઉકેલ તો મળી જાય છે. પણ એ સોલ્યુશનને સ્વીકારીને એનો અમલ કરવાની હિંમત નથી ચાલતી.

‘ઈન્ડિયન ઓશન’ બેન્ડ તો એક દાખલો છે. પૈસાને બદલે પૅશનને કેન્દ્રમાં રાખીને જિંદગી જીવાતી હોય ત્યારે એનું કેટલું સુંદર પરિણામ આવે એનો જીવતો જાગતો દાખલો છે.

પૅશનનો મતલબ એવો નથી થતો કે તમે માત્ર વિચાર્યા કરો કે દીવાસ્વપ્નો જોતા રહો કે હું જિંદગીમાં ક્યારેક આ મનગમતું કામ કરીશ, પેલું કામ કરીશ. નાને પાયે, રોજ, સતત કામ શરૂ થઈ જવું જોઈએ.

એક વાત જિંદગીમાં મને બહુ વહેલી સમજાઈ ગઈ હતી તમારી આડે કોઈ નથી આવતું અને બીજું તમારી કોઈ પણ મુસીબત માટે બીજાનો વાંક ક્યારેય કાઢવાનો નહીં.

તમારે જે કરવું હોય તે કરતાં તમને તમારી જાત સિવાય બીજું કોઈ રોકનારું નથી હોતું. તમે જે બંધનોની વાત કરો છો તે તમારાં માની લીધેલાં બંધનો છે, વળગણો છે. તમે એ બંધનોથી છૂટી ન શકતા હો તો એનો મતલબ એ કે તમને તમારી પૅશન કરતાં મોટું વળગણ એ બંધનોનું છે. તમારે એવરેસ્ટના બેઝ કૅમ્પ સુધી ટ્રેકિંગ માટે જવું છે તો એ માટે છ મહિના ટ્રેનિંગ લેવી પડવાની. ઘર-પતિ કે પત્ની-બાળકો-રોજગારથી ટેમ્પરરી પણ મુક્ત ન થઈ શકતા હો તો એનો અર્થ એ કે ટ્રેકિંગ કરતાં મોટું પૅશન તમને આ બધી વાતોનું છે. તો પછી જાતને કોસવાનું બંધ કરીને કબૂલ કરો કે હા, ભાઈ મારા માટે ઘર-ફેમિલી મેમ્બર્સ-પૈસા કમાવા વગેરેનું મહત્ત્વ વધારે છે, ટ્રેકિંગનું ઓછું. અને કબૂલ કર્યા પછી મારાથી ક્યારેય ટ્રેકિંગ પર જવાતું નથી એવાં રોદણાં રડવાનું બંધ કરી દેવાનું, જાત સાથે પણ એવી વાત નહીં કરવાની.

મારા ડિઝાઈનર મિત્ર કિરણ ઠાકરે એમના સિંગાપોરના અનુભવની વાત કરી. ભરચક ટ્રાફિકવાળો રસ્તો ઓળંગવાનો હતો. સિગ્નલ પાસે પાંચ-સાત મિનિટ ઊભા રહ્યા. મોટરિસ્ટો માટેનું ગ્રીન સિગ્નલ ક્યારેય લાલ થાય જ નહીં. છેક પંદર-સત્તર મિનિટે ખબર પડી કે અહીં પગે ચાલનારાઓએ સિગ્નલ પડે એની રાહ જોવાની નથી હોતી. રસ્તો ક્રોસ કરવો હોય તો જાતે જ બટન દબાવી દેવાનું. આપણા માટેની બત્તી ગ્રીન થઈ જશે અને ગાડીવાળાઓને લાલ સિગ્નલ મળી જશે. કેટલું સહેલું.

આપણે રાહ જોઈને ઊભા રહીએ છીએ કે ક્યારે કોઈ આપણા માટે અનુકૂળતા કરી આપે, સંજોગો આપણી ફેવરના થાય પછી મનગમતું કામ શરૂ કરીએ. હકીકત એ છે કે મનગમતું જે કામ કરવું છે તે શરૂ કરી દેવાનું. રસ્તો આપોઆપ ખૂલતો જશે.

બીજી વાત. તમારા કોઈ પણ વાંકગુના વિના બીજા કોઈએ તમને જાણી જોઈને કૂવામાં ધકેલ્યા હોય તોય તમારી આ પરિસ્થિતિ માટે બીજાનો દોષ નહીં કાઢવાનો. કોઈ તમને કૂવામાં ન નાખે એ માટે તમારે સાવધ રહેવાની જરૂર હતી. ગાફેલ રહ્યા એટલે કોઈએ તમારી સાથે બદતમીજી કરી. તમારા પોતાનામાં એટલી તાકાત કે ચબરાકી નહોતી કે પેલો ધક્કો મારતો હતો ત્યારે ટેબલ્સ ટર્ન કરીને તમે એને પણ કૂવામાં પાડો અથવા તો એથીય આગળ એને જ અંદર નાખો અને તમે બહાર રહો.

બીજાનો વાંક નહીં કાઢવાનું સૌથી મોટું કારણ એ કે વાંક જેનો હોય તે અત્યારે આ પરિસ્થિતિમાં તો તમે પોતે જ છો. બીજાનો વાંક કાઢવાથી કંઈ તમે એમાંથી બહાર આવી જવાના નથી. ઊલટાનું કદાચ સેલ્ફ-પિટીમાં સરી પડશો અને જે પરિસ્થિતિ માટે તમે કારણભૂત નથી એમાંથી તમને ઉગારવાની જવાબદારી પણ તમારી નથી એવું વિચારીને તમારે પોતે જે પ્રયત્નો કરવાના હોય તે નહીં કરો.

બીજાનો વાંક નહીં કાઢવાનો એનો મતલબ એ નથી કે તમારે તમારી જાતને કોસ્યા કરવાની, પોતાના માટે ઊણપત અનુભવવાની. હું જ નકામો છું, મારામાં કંઈ અક્કલ જ નથી, લોકો દર વખતે મારો ગેરલાભ લઈ જાય એવું વિચાર્યા કરશો તો તમારા જેવો લૂઝર બીજો કોઈ નહીં.

પણ કોઈ મને આગળ આવવા દેતું નથી, બધાને મારી બહુ ઈર્ષ્યા થાય છે, દરેક જણ મને કોઈને કોઈ રીતે નડતું જ રહે છે, મારી કોઈને કદર જ નથી, બધાએ મારી સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે, એકેએક જણ સ્વાર્થી છે, કોઈનું ભલું કરવાનો જમાનો રહ્યો જ નથી… આવું વિચાર્યા કરવાથી આપણે હતા ત્યાંના ત્યાં જ રહીએ છીએ એટલું જ નહીં ધીમે ધીમે પાછળ ખસતા જઈએ છીએ અને એક તબક્કે કાળની ગર્તામાં ખોવાઈ જઈએ છીએ.

તો હવે આટલી વાત નક્કી. એક તો, પૈસો પૈસાની જગ્યાએ છે, લક્ષ્મી વંદનીય છે. પણ મનગમતું કામ કરવાની પ્રાયોરિટી પહેલી છે. બીજું, તમારે જે કરવું છે તે કરવા માટે કોઈ તમારે આડે નથી આવતું, તમારા પોતાનામાં જીદનો અભાવ હોય તો કોઈ શું કરે? અને છેલ્લે, મારી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ સર્જાય તો પણ મારે બીજી કોઈ વ્યક્તિનો વાંક નથી કાઢવાનો, મારે પોતે જ પ્રયત્નો કરીને એમાંથી બહાર આવવાનું છે. બસ, હવે કરો જલસા.

જીવનની એવી કોઈ મૂંઝવણ નથી, એવી કોઈ ગૂંચ નથી જે ધીરજ રાખીને ઉકેલી શકાય. BY SAURABH SHAH