નીતિ અને ધર્મ વચ્ચે તફાવત શો ? —– સ્પાર્ક – વત્સલ વસાણી

ગુજરાત સમાચારની 20, જાન્યુઆરી,2013 ને રવિવરની રવિ પૂર્તિમાં “ સ્પાર્ક” શ્રી વત્સલ વસાણીનો પ્રસિધ્ધ થયેલ લેખ તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે અત્રે રજૂ કરેલ છે

નીતિ અને ધર્મ વચ્ચે તફાવત શો ? —– સ્પાર્ક – વત્સલ વસાણી

એક રશિયન વૈજ્ઞાાનિક પાવલફ પ્રયોગ કરી રહ્યો હતો. પોતાના કૂતરાને એ રોટી ખવરાવતો હતો. જેવી રોટી કૂતરાની સામે લઈ જવામાં આવે કે તરત એના મોંમાંથી લાળ ટપકવા લાગતી. ખાણું ખવરાવતી વખતે એ ઘંટ વગાડતો. ખાણું ખવરાવવાનું અને ઘંટ વગાડવાનું એકી સાથે ચાલતું. આ રીતે પંદરેક દિવસ ચાલ્યું. રોટી, ઘંટડી અને લાળ ટપકવાનું જાણે કે એકબીજા સાથે જોડાઈ ગયું. પંદર દિવસ પછી પાવલફે એકલી ઘંટડી વગાડી, રોટી ન આપી પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરવા લાગી. હવે સંબંધ તો ખરેખર રોટી અને લાળનો સાચો છે. પણ ઘંટ વાગવા સાથે કૂતરાના મોંમાંથી લાળ ટપકવા લાગી. કેમકે એને ખ્યાલ આવ્યો હતો કે ઘંટડી વાગે છે ત્યારે જ રોટી પણ મળે છે. પાવલફ આ પ્રયોગ માટે – ‘કંડીશન્ડ રિફલેકસ’ શબ્દનો પ્રયોગ કરે છે.

 

આપણે જેને સંસ્કાર કે નીતિ કહીએ છીએ તે પણ આ રીતે જ આપણી સાથે જોડાઇ જતી ઘટના છે. બાળક નાનું હોય અને એ કોઈ ખોટું કામ કરે તો મા-બાપ અથવા ઘરના વડીલો એને થપ્પડ મારે છે. બાળકના આંતરમનમાં ખોટું કામ અને માર પડવો કે દંડ મળવો એ જોડાતું જાય છે અને પછીથી મોટી ઉંમરમાં પણ એ ખોટું કામ કરતાં ખચકાય છે. કેમકે એને તરત ખ્યાલ આવે છે કે ખોટું કરવાથી દંડ મળશે અથવા તો માર પડશે. એ જ રીતે બાળક કશુંક સારું કરે તો માબાપ એને પુરસ્કાર આપે છે. વડીલો તરફથી એને શાબાશી અને ચોકલેટ, પિપરમિંટ કે આઇસક્રીમ જેવી ભેટ મળે છે અને એટલે બાળકના આંતર મનમાં સારું કામ અને એના દ્વારા મળતા પુરસ્કારની વાત જોડાઈ જાય છે અને પછી મોટી ઉંમરમાં પણ એ સારું કામ એટલા માટે કરે છે કે એનાથી સમાજ દ્વારા કે આસપાસના લોકો દ્વારા આદર કે પુરસ્કાર મળે છે.

ઓશો કહે છે આ સંબંધ એકદમ ઉપર છલ્લો હોય છે. ભય અને લોભ સાથે જ એનો સંબંધ હોય છે. જયારે પણ પ્રશંસા કે માન મેળવવાની ઇચ્છા થાય ત્યારે વ્યકિત સારું કામ કરવા પ્રેરાય છે. અને માપ-પાન કે પ્રતિષ્ઠા કોને પસંદ નથી ? આપણે જેને ‘સદાચાર’ કહીએ છીએ તે ઘણીવાર તો આમાંથી જ પેદા થાય છે.

ધર્મ અને અધ્યાત્મનું જગત એકદમ સૂક્ષ્મ છે. ખૂબ ઊંડે ઊતરીને જ પ્રત્યેક ઘટનાને એમાં જોવાની હોય છે. નૈતિક મનુષ્યને ઘણીવાર ધાર્મિક માની લેવામાં આવે છે. કોઇ મોટું દાન આપે કે કોઈ સમાજસેવાનો ધજાગરો લઈને ફરવા લાગે તો આપણે એવી વ્યકિતને ધાર્મિક માનવા લાગી જઈએ છીએ પણ ઘણીવાર તો એ માત્ર પાખંડ હોય છે. પ્રશંસા અને પુરસ્કાર મેળવવાની લોભી વૃત્તિ જ એની પાછળ છૂપાઇને પડી હોય છે. અને ધર્મના માર્ગ પર ચાલનારે બેરહમ બની આવા મહોરાં ઉતારીને જીવવાની હિંમત રાખવી પડતી હોય છે.

આચરણ અને અંતસ વચ્ચે જે ભેદ છે તે જ તો નીતિ અને ધર્મ વચ્ચે છે. નીતિ ઉપરછલ્લી હોય છે અને એને ઓઢી શકાય છે. અંદર કંઈક જુદું હોય અને ઉપર કશુંક જુદું દેખાતું હોય છે. ઉપરથી ખૂબ સુંદર વાતો કરવામાં આવે, આચરણ પણ આખા સમાજને પ્રભાવિત કરે એવું હોય પણ અંતરતરમાં ઊંડે ઊતરીને જોવામાં આવે તો ત્યાં બિલકુલ વિરુદ્ધ સ્થિતિ હોય છે. – બ્રહ્મચર્યની વાતો કરનારા કેટલા લોકો આખરે લંપટ સિદ્ધ થાય છે તેનું મૂળ કારણ ઉપરથી ઓઢી લેવામાં આવેલ આચરણ હોય છે.

નીતિ અને ધર્મ વચ્ચે આ જ ભેદ છે. ધર્મ સદા ડોળ-દંભ કે પાખંડની વિરુદ્ધમાં હોય છે. ધર્મ આંતરિક રૃપાન્તરણની પ્રક્રિયા છે. વ્યક્તિ અંદરથી જ સારી થઈ જાય, એનાથી ખોટું કે ખરાબ થાય જ નહીં તો એ ધર્મ. સારું કરવાથી (પછી ભલે ને એ સાચું ન હોય) સમાજ આદર આપશે એવો લોભ ત્યાં હોતો નથી. ધાર્મિક મનુષ્ય સ્વભાવથી જ સારું કરવા માટે પ્રતિબદ્ધ હોય છે. એનાથી ખોટું કે ખરાબ થઇ શકે જ નહીં.

નૈતિક મનુષ્યના મનમાં પાપનો ભય હોય છે. ખોટું કે ખરાબ કરવાથી નર્ક મળશે. સમાજમાં બેઇજ્જતી થશે, આવતા જન્મમાં આ પાપનું પરિણામ ભોગવવું પડશે આવા ભયના કારણે જ કેટલાક માણસો ખોટું ક ખરાબ કરી શકતા નથી. પણ જો આ ભય દૂર થાય તો મોટા ભાગના નૈતિક લોકો સ્વચ્છંદી બની જાય છે. સારાપણાનો બુરખો ફેંકીને એ બધી જ જાતના ગોરખધંધા કરવા લાગી જાય છે.

રાજનૈતિક લોકો આવા જ હોય છે. જ્યાં સુધી એ સત્તા પર નથી હોતા ત્યાં સુધી સારી સારી ‘વાતો’ કરે છે પણ સત્તા પર આવતાં જ એને કોઈનો ભય નથી રહેતો અને પછી બેફામ રીતે લૂંટવાનું શોષણ કરવાનું, ખોટું બોલવાનું અને ભ્રષ્ટાચાર કે વ્યભિચાર કરવાનું ચાલુ થઇ જાય છે.

નીતિનાં મૂળ ઊંડાં નથી હોતાં. થોડા એવા ઝટકાથી એ ઊખડી શકે છે. જયારે ધર્મ તો આમૂળ રૃપાંતરણની પ્રક્રિયા છે. ધાર્મિક વ્યકિતના રોમરોમમાં સત્ય, શિવ અને સુંદર ઓતપ્રોત થઇ જાય છે.

ધર્મના જગતમાં ‘માત્ર’ નૈતિક હોવું એ કોઈ આદર યોગ્ય સદ્ગુણ નથી. ઘણી વાર તો નૈતિક હોવાનો અહં ધર્મના માર્ગમાં બાધા પણ બની શકે છે. કેમ કે નૈતિક મનુષ્ય પોતાને ‘ધાર્મિક’ માનવાની ભૂલ કરી બેસે છે અને એની અંતર્યાત્રા અટકી જાય છે.

ઓશોની દ્રષ્ટિ અનોખી છે. પ્રત્યેક વસ્તુને તેઓ આરપાર જઇને જુએ છે. અને એટલે જ આચરણ ઓઢીને ફરતા લોકોને એમની વાત સમજાતી નથી. જે હર કોઇ આવરણ દૂર કરીને પોતાના શુદ્ધ સ્વરૃપને જોવાનો રસ ધરાવે છે, તેને જ આવી આત્યન્તિક વાતોમાં રસ પડે છે અને એવા લોકો જ ધર્મના હાર્દને સમજી શકે છે.

ક્રાન્તિબીજ

સજ્જન માણસ બીજાના અભિપ્રાયો પ્રત્યે ખુલ્લું મન રાખે છે. પણ એમની સાથે પૂરેપૂરો સંમત થઇ જતો નથી.હલકો માણસ બીજાના અભિપ્રાયો સાથે પૂરેપૂરો સંમત થઇ જાય છે, પણ તેમના પ્રત્યે ખુલ્લું મન રાખતો નથી.- કૉન્ફૂશિયસ

નીતિ અને ધર્મ વચ્ચે તફાવત શો ? —– સ્પાર્ક – વત્સલ વસાણી

Advertisements