પ્રેમનું અંતિમ પરિમાણ… – નિમિશ રાઠોડ

“પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય”

જ્યારે જાગ્રત મન કોઈ બીજી જ દુનિયામાં મગ્ન હોય ત્યારે વાસ્તવિક દુનિયાનું કામ અર્ધજાગૃત મન સંભાળે છે. બસ, પ્રણવને પણ અત્યારે અર્ધજાગૃત મન જ સંભાળતું હતું. એ જીવતો હતો કારણ કે એનું હૃદય હજુ સુધી ધબકતું હતું. એનું જાગૃત મન તો કોઈ બીજા જ કામમાં જોડાયેલું હતું. એ વાત સ્વીકારવાનો પ્રયત્ન કરવો કે અશ્વીની – એની પત્ની અને પ્રેમિકા – હવે ક્યારેય પાછી નથી આવવાની. એ હવે માત્ર એના મનમાં રહેશે, આ દુનિયામાં નહીં. એની દુનિયા શૂન્ય હતી. એ હવે આ જ શૂન્ય સાથે રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ ક્યાં સુધી ? આ શૂન્ય સાથે રહેવું અઘરું હતું અને શૂન્યની બહાર નીકળવાની કોઈ ઈચ્છા બાકી રહી ન હતી.

હવે વધારે નથી જીવવું. શ્વાસ લઉં તો લાગે છે કે હું સ્વાર્થી છું : આ એક જ વિચાર એના મનમાં સતત ઘોળાતો હતો. આ વિચારને નિર્ણય બનતા વધુ વાર ન લાગી અને પ્રણવ એક વહેલી સવારે નીકળી પડ્યો. ચોમાસાની મોસમ હતી. આ મોસમમાં માટીની મહેક કોને ન ગમે ? એવું લાગે કે ધરતી જીવે છે, શ્વાસ લે છે. પણ આ બધું એના શું કામનું કે જેનું મન જ મરી ગયું હોય ! પ્રણવ ચાલી રહ્યો હતો પોતાની જ દુનિયામાં….. હવે વધારે નથી જીવવું….. આ એક જ વિચાર સાથે.

મેઘની ગર્જના શરૂ થઈ. અને ગંગાજળ કરતા પણ વધુ પવિત્ર લાગે એવું વરસાદનું એક ટીપું પ્રણવના ચહેરા પર પડ્યું. એ થંભી ગયો. દર્દથી સૂકાઈ ગયેલા એ ચહેરાને પ્રેમની ભીનાશ યાદ આવી ગઈ.
‘આશી’
એના હૃદયના ઊંડાણમાંથી દબાયેલા અવાજે એ નામ નીકળી ગયું. દર્દ જેટલું ઊંડું હોય એની આહ પણ એટલી જ ઊંડી હોય. પ્રણવે એના શર્ટના ખીસ્સામાં રાખેલી કોઈ વસ્તુ તરફ જોયું. ઊંડો નિસાસો નાખ્યો. પ્રણવની આંખો વરસાદની બૂંદો ઉપર સ્થિર થઈ. એનો ડાબો હાથ આ ભીનાશને માણવા માટે ઊંચો થયો. પ્રણવનો હાથ એક સ્પર્શ મહેસુસ કરી રહ્યો હતો, વરસાદનો નહીં; અશ્વીનીના હાથનો. પ્રણવની આંખમાંથી નીકળતું એક આંસુ વરસાદની બૂંદ સાથે મળીને સ્મિત કરતાં એના હોઠોને સ્પર્શી ગયું. ભગવાનને એની મૃગજળ જેવી ખુશી પણ પસંદ ન હોય એમ આકાશમાંથી જોરથી વીજળી થઈ અને પ્રણવનું ધ્યાનભંગ થયું. એની નજર આકાશ સામે ખેંચાઈ ગઈ. એનું સ્મિત ઉદાસીમાં, ઉદાસી પ્રશ્નમાં ફેરવાઈ ગઈ : ‘Why ?’ અને આ પ્રશ્ન એક વિરોધમાં ફેરવાઈ ગયો.

‘નથી જોઈતો તારો આ વરસાદ, નથી માણવું તારી બનાવેલી આ દુનિયાનું સૌંદર્ય !’ એ દોડતો દોડતો સામેના બસસ્ટોપની છત નીચે જઈને બેસી ગયો અને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યો. ડૉ. શાહ એ જ બસસ્ટોપની છત નીચે ઊભા રહી આ બધું જોતા હતા.

અશ્વીની એક હાર્ટસર્જન હતી અને તે ડૉ. શાહની હૉસ્પિટલમાં ફરજ બજાવતી. ડૉ. શાહને અશ્વીની પ્રત્યે ઘણી મમતા હતી. અશ્વીની માટે પણ ડૉ. શાહ ‘ફાધર ફીગર’ જેવા હતા. આને લીધે ડૉ. શાહ પ્રણવને સારી રીતે જાણતા હતા. અશ્વીનીના મૃત્યુ પછી પ્રણવની હાલત પણ સારી રીતે સમજતા હતા.
‘લાગે છે તમને વરસાદ પસંદ નથી, પ્રણવ ?’ ડૉ. શાહ પ્રણવની નજીક આવીને બોલ્યા.
‘ઓહ, સોરી સર. મારું ધ્યાન કંઈક બીજે હતું. How are you, this morning ?’ પ્રણવે કહ્યું.
‘ઘરડો થઈ ગયો છું, પણ ખૂબ જ ખુશ છું’ ડો. શાહે પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો. પ્રણવને વધુ વાત કરવાની કોઈ ઈચ્છા ન હતી. સૂઝતું પણ ન હતું કે શું વાત કરવી. એ વરસાદ સામે જોઈને એક જ વિચાર કરતો હતો. ‘આ વરસાદ બંધ થાય એટલે…’

ડૉ. શાહ થોડું મૃદુ હસ્યા અને આગળ આવ્યા. તેમણે બસસ્ટોપની છતની બહાર પોતાનો હાથ કાઢ્યો.
‘સુમનને વરસાદ બહુ ગમતો.’ ડૉ. શાહ પ્રણવની સામે જોઈને બોલ્યા. પ્રણવનું ધ્યાનભંગ થયું. ‘સુમન ?!’ તે કુતૂહલ પામ્યો. ડો. શાહે કોઈને પણ આજ સુધી પોતાની કોઈ અંગત વાત વિશે જણાવ્યું નહતું. એમના નજીકના લોકો પણ એમને માત્ર એક કમાલના ઝીંદાદિલ માણસ તરીકે જાણતા.
ડૉ. શાહ બોલ્યા : ‘સુમન, My Better half ! વરસાદ ચાલુ થયો નથી કે મને ખેંચીને છત પર લઈ જતી. મને આ વરસાદનો કોઈ ખાસ શોખ ન હતો. મારા માટે આ વરસાદ લાખો લોકોને બેઘર અને બરબાદ કરનારા પરિબળ સિવાય બીજું કંઈ વિશેષ નહોતું. પણ સુમનના સ્મિત સાથે આ વરસાદ પણ એટલો જ સુંદર લાગતો.’

ડૉ. શાહે પ્રેમની વાત છેડી હતી. પ્રણવે થોડુંક સ્મિત કરીને કહ્યું : ‘લાગે છે તમે બંનેએ ઘણો સારો સમય સાથે વિતાવ્યો છે !’
‘Yes, you can say that. 1976 – મારી કૉલેજના બીજા વર્ષે હું તેને પહેલીવાર મળ્યો. અમે મળતા રહ્યા અને ફિલ્મમાં થાય એમ ‘ઔર હમે પ્યાર હો ગયા…..’ 1978 – જરા પગભર થયા પછી અમે પોતપોતાના ઘરે અમારી લાગણીઓ વિશે જાણ કરી. મા-બાપ ન માન્યા અને અમે તેમની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધાં. અમે નક્કી કર્યું હતું કે પહેલા ઘર બનાવીશું અને પછી ફેમિલિ. 1980 – અમારું પોતાનું ઘર. એ દિવસે અમે ખુબ ખુશ હતા. એક નવા જીવનની શરૂઆત થવાની હતી.’ ડૉ. શાહ થોડીક ક્ષણો માટે મૌન થઈ ગયા. લાગ્યું કે એક ધબકારો ચૂકી ગયા. ‘અને 5 જૂન 1982. સુમન એના પેટમાં રહેલા ત્રણ મહિનાના બાળક સાથે આ દુનિયા છોડીને ચાલી ગઈ.’ ડૉ. શાહે આ થોડી જ પળોમાં શૂન્યથી અનંત અને અનંતથી પાછી શૂન્યની સફર કરી લીધી.

પ્રણવ અસ્વસ્થ થઈ ગયો. એને સમજાતું ન હતું કે શું કહેવું.
‘I am sorry’ આનાથી વધારે પ્રણવ કંઈ બોલી ન શક્યો.
ડૉ. શાહ થોડું હસ્યા અને એક ઊંડો નિસાસો નાખીને બોલ્યા : ‘લોકો કહે છે કે ભગવાનને પણ સારા માણસોની જરૂર પડે છે અને ત્યારે તે કોઈને પણ પોતાની પાસે બોલાવી લે છે. જ્યારે પણ હું આના વિશે વિચારું છું મને લાગે છે કે આપણા પ્રેમ, આપણી લાગણીઓની કિંમત… હા, કિંમત.. એની આગળ કંઈ જ નથી.’ પ્રણવે બેબસ ગુસ્સા સાથે એકવાર ફરીથી આકાશ સામે જોયું.
ડૉ. શાહ આગળ બોલ્યા : ‘ખૂબ જ પ્રેમ કર્યો છે મેં સુમનને. એણે મને જીવવાનું શીખવ્યું છે. મેં મારી ચારે તરફ ભૂખ, તરસ, રોગ અને ગરીબી જોઈ છે. જન્મ અને મરણને ઘણાં નજીકથી જોયા છે. હું માનતો હતો કે ભગવાનની યાદશક્તિ ખૂબ જ કમજોર છે. એને કેટલીક વાતો યાદ દેવડાવવા માટે ખુલ્લા પગે મંદિર જવું પડે છે. ખુશામત કરવી પડે છે. પણ સુમન આત્મવિશ્વાસથી મને કહેતી : ‘દુનિયામાં કંઈ પણ થવા પાછળ એક કારણ હોય છે. જે આપણે નથી સમજી શકતા ! સૂર્ય ઊગે છે, આથમે છે, રાત થાય છે અને ફરી પાછો સૂર્ય ઊગે છે. દુનિયા હજુ પણ જીવવાલાયક છે, માણવા લાયક છે, બસ !’ હવે બધું જ પારદર્શક લાગે છે. પ્રણવ, મેં દુનિયા એની નજરથી જોઈ છે. જેટલી જરૂરત મને એની હતી, એટલી કોઈનેય ન હતી.’

પ્રણવ એક ધ્યાનથી તેમની વાત સાંભળી રહ્યો હતો. તેઓ આગળ બોલ્યા : ‘પણ એ ગઈ ત્યાં સુધીમાં એની નજરથી લોકોને, બધી વસ્તુઓને જોતા હું શીખી ગયો હતો. દુનિયાનો દરેક રંગ બહુ સુંદર લાગે છે એની નજરોથી ! મને ક્યારેય એવું નથી લાગ્યું કે એ મારાથી અલગ છે. દુનિયામાં કોઈને કોઈ જગ્યાએથી એની મહેક આવી જાય છે. અને હવે હું બધાને પ્રેમ કરી શકું છું.’ ડૉ. શાહના ચહેરા પર આ બોલતી વખતે એક નૂર હતું. એમણે પ્રણવ તરફ જોયું. પ્રણવ હજુ પણ ઉદાસ હતો. દર્દ હજુ પણ ખટકતું હતું. એટલામાં ડૉ. શાહનું ધ્યાન વરસાદને કારણે ધ્રૂજતાં એક ગલૂડિયાં પર પડ્યું.
‘અરે !’ ડૉ. શાહના મોમાંથી નીકળી ગયું. તેઓ ઝડપથી ઊભા થયા અને ગલૂડિયાંને પોતાના હાથમાં લીધું. રૂમાલ કાઢ્યો.

ગલૂડિયાંને લૂછતાં તેઓ બોલ્યા : ‘દુનિયામાં બધાને પ્રેમ મળવો જોઈએ. અહીં સૌથી વધુ લોકો ભૂખ કે નફરતથી નહીં પણ સ્નેહના અભાવથી મરે છે.’ પ્રણવ હજુ પણ કંઈક વિચારી રહ્યો હતો. ડૉ. શાહ નજીક જઈને બેઠા. ગલૂડિયાંને બાજુમાં બેંચ પર બેસાડ્યું. તેમણે પ્રણવના ખીસ્સામાંથી પ્રણવ અને અશ્વીનીનો ફોટોગ્રાફ કાઢી પ્રણવના હાથમાં આપ્યો. પ્રણવ એ ફોટોગ્રાફને જોઈ રહ્યો.
ડો. શાહ બોલ્યા : ‘એક વાર હોસ્પીટલમાં એક નિરાશ પ્રેમીની આત્મહત્યાનો કેસ આવ્યો હતો. એ જોઈને અશ્વીની ખૂબ ગુસ્સે થઈ અને બોલી : ‘પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય.’ પ્રણવ ડૉ. શાહની આંખોમાં જોતો રહ્યો. બધા આવરણ હટવાની તૈયારીમાં હતા. અંદરની જડતા પીગળી રહી હતી. ડૉ. શાહે હિંમત દેવા માટે પ્રણવનો ખભો જરા દબાવ્યો. ઊભા થયા. વરસાદ હજુ પણ ચાલુ હતો. છતની બહાર નીકળતા નીકળતા એ બોલ્યા : ‘મને નથી લાગતું કે આ વરસાદ જલદી બંધ થશે. હવે તમારી ઉપર છે. તમે બહાર જઈને એને માણી શકો છો. નહીંતર તમારા ખીસ્સામાં એક બ્લેડ પણ છે, તેનો ઉપયોગ કરી શકો છો.’

ડૉ. શાહ હસ્યા અને ‘જીના ઈસી કા નામ હૈ’ ગીતની વ્હીસલ વગાડતાં વગાડતાં બહાર વરસાદમાં ચાલ્યા ગયા. પ્રણવે ફરીથી એના હાથમાં રહેલા ફોટોગ્રાફ સામે જોયું. પ્રણવ અને આશી ! એક સાથે કેટલા ખુશ ! તેણે એ ફોટોગ્રાફ પાછળ ફેરવ્યો. ત્યાં અશ્વીનીએ પોતાના હાથે લખેલું : ‘I love you…. Ashii’

પ્રણવની આંખમાંથી એક આંસુ બહાર આવી ગયું. તેનું ધ્યાન એની બાજુમાં બેસેલા પેલાં ગલૂડિયાં તરફ ગયું. મનમાં એક વિચાર આવતાં તેણે સ્મિત કર્યું : ‘એની આંખો તો આશીની આંખો જેટલી જ નિર્દોષ છે.. !’