બાળકના બાળપણની મજા.. – – નીલેશ મહેતા

એક મોટા બગીચામાં બાળકો રમતાં હતાં. બગીચાની એક બેંચ પર એક પુરુષ બેઠેલો હતો. ઘણા સમયથી શાંતિથી બેઠેલો હતો. થોડીવાર પછી ઘડિયાળમાં સમય જોઈને તેણે પોતાની દીકરીને પાસે બોલાવીને કહ્યું, ‘દીકરી, હવે ઘરે જઈશું ?’ દીકરીએ મીઠા અને લાડભર્યા સ્વરે કહ્યું, ‘પપ્પા પાંચ મિનિટ, પ્લીઝ !’ પપ્પાએ માથું હલાવી હા પાડી. દીકરીએ આનંદમાં આવી જઈ સાયકલ ચલાવવાનું ચાલું રાખ્યું. જાણે ધરાઈને સાયકલ ચલાવી હોય એવો સંતોષ એના ચહેરા પર દેખાતો હતો. થોડીવાર પછી પપ્પાએ દીકરીને ફરી બોલાવી કહ્યું, ‘દીકરી, ચાલ હવે તો ઘરે જઈશું ને ?’ વળી દીકરીએ વધુ પાંચ મિનિટ સાયકલ ચલાવવા દેવા મીઠી ભાષામાં આજીજી કરી અને કહ્યું, ‘પાંચ જ મિનિટ !’ પપ્પાએ સ્મિત કર્યું અને કહ્યું : ‘જા ભલે !’ આ બધું બાજુની બેંચમાં બેઠેલી વ્યક્તિ ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી. પછી કહ્યું, ‘મિત્ર, તમે તો ભારે ધીરજવાળા પપ્પા છો !’ તેણે સ્મિત કર્યું અને પછી લાગણીભર્યા અવાજે કહ્યું, ‘મારે એક દીકરો પણ છે. આ દીકરીથી મોટો છે. મારી ભાગદોડભરી જિંદગીમાં હું તેનું બાળપણ કોઈ દિવસ જોઈ શક્યો નહિ. હવે તો એટલો મોટો થઈ ગયો છે કે તે પોતાનું કામ પોતે જ કરે છે. મારી પાસે કોઈ દિવસ ડિમાન્ડ લઈ નથી આવતો. મને ખૂબ જ અફસોસ છે કે મેં મારા દીકરાનું બાળપણ ન જોયું, તેની રમત ન જોઈ, તેની કોઈ ડિમાન્ડ સાંભળી નહીં. આ મારી નાની દીકરી સાથે વધુ પાંચ મિનિટ ગાળવા મળે એ મને ગમશે. તેનું બાળપણ જોઈ શકીશ. તેની નિર્દોષ હસી-મજાક માણી શકીશ.

દીકરાની બાબતમાં જે ભૂલ થઈ છે તે ભૂલ મારી આ નાની દીકરીની બાબતમાં કદી નહીં કરું.’ તેણે વધુ કહ્યું, ‘દીકરીને તો એમ લાગે છે કે તેને વધુ પાંચ મિનિટ સાયકલ ચલાવવા મળી પણ મને તો એને હસતી રમતી જોવાની વધુ પાંચ મિનિટ મળી..’

Advertisements