ભગવાન મારામાં છે તેવો અહેસાસ લઘુતા અને ગુરુતા દૂર કરે છે

મનુષ્ય અનેક પ્રકારના ભયમાં જ જીવે છે. પૈસા જશે તો? સત્તા જશે તો? માનહાનિ થશે તો? આવા તો અનેક ડર, અને સૌથી મોટો ડર તો તેને મૃત્યુનો છે. પરંતુ સ્વયં ભગવાન આપણામાં જ છે એનો અહેસાસ અને સમજણ નિર્માણ થાય તો એના જેવું બેફિકર નિશ્ર્ચિંત, મસ્ત જીવન બીજું કયું હોઈ શકે?

ઉમર ખય્યામ તેમના સાથી મિત્રની સાથે જંગલની વાટે તેમના ગામ જઈ રહ્યા હતા. સાંજ ઢળવા આવી હતી એટલે ઉતાવળે બંને ચાલતા હતા. એટલામાં સામેથી એક વિકરાળ વાઘ આવ્યો. નાસી છૂટવાનો કોઈ માર્ગ ન દેખાતાં મિત્ર એક ઝાડ ઉપર ચડી ગયો. અને ડરથી ફફડતો નીચે જોતો રહ્યો કે હવે ઉમર ખય્યામનું શું થશે? પરંતુ ઉમર ખય્યામ શાંતિથી સ્વસ્થ ચિત્તે આંખો મીંચી ઊભા હતા. વાઘ તેમની તદ્દન પાસે ગયો. પેલા મિત્રને થયું કે વાઘ ચોક્કસ ઉમર ખય્યામને ફાડી ખાશે. પરંતુ તેના આશ્ર્ચર્ય વચ્ચે વાઘ તેમની ફરતે આંટો મારી ચાલી ગયો.

પસીનાથી રેબઝેબ થતો મિત્ર ઝાડ ઉપરથી નીચે ઊતર્યો. ઉમર ખય્યામને હલાવ્યા, અને જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ ઉમર ખય્યામ ચૂપચાપ ચાલવા લાગ્યા. પેલો મિત્ર પણ ચૂપ જ રહ્યો. થોડું ચાલ્યા પછી ઉમર ખય્યામના પગ ઉપરથી એક સસલું પસાર થઈ ગયું. ઉમર ખય્યામ ચોંકી ગયા. એ જોઈ પેલો મિત્ર ખડખડાટ હસી પડ્યો. હસવાનું કારણ પૂછતાં મિત્રે કહ્યું, ‘આવો ભયાનક વાઘ સામે હતો ત્યારે તું શાંતિથી ઊભો હતો અને આ એક સસલું આવ્યું તેમાં તું ગભરાઈ ગયો?’

તેમણે કહ્યું કે, ‘તારી વાત સાચી છે. હું સસલું આવવાથી ડરી ગયો હતો કારણ કે તું મારી બાજુમાં છે. વાઘ આવ્યો ત્યારે મને બિલકુલ ડર ન હતો, કારણ કે ત્યારે હું ભગવાનના સાંનિધ્યમાં હતો.

કહેવાનું તાત્પર્ય, ભગવાન આપણી સાથે જ આપણામાં જ છે તેનો અહેસાસ થાય તો માણસને જિંદગીમાં ડરવાનો કદી પ્રસંગ ન આવે.

ભગવાન મારામાં છે તેવો અહેસાસ લઘુતા અને ગુરુતા દૂર કરે છે