મન પવિત્ર ન થાય તો કંઈ અર્થ રહેતો નથી

મહાભારતના ભીષણ યુદ્ધ પછી પાણ્ડવોએ અનેક યજ્ઞા-યાગો કર્યા પરંતુ સ્વજન હત્યાની પાપભાવનાથી મનને સહેજ પણ શાંતિ ન મળી એથી ઊલટું રાજ-વૈભવનું સુખ આકરું લાગવા માંડયુ. એના માટે અણગમો અને ગ્લાનિ વધવા લાગ્યા. આ જોઈને વિદુરજીએ તેમને સલાહ આપી કે યોગ્ય સમય તીર્થયાત્રા કરી આવો. એટલે પાણ્ડવો દ્રૌપદી અને કુંતી સાથે તીર્થાટન કરવા નીકળી ગયા.
રસ્તામાં સૌથી પહેલો આવ્યો વ્યાસ મુનિનો આશ્રમ. વ્યાસ મુનિએ પ્રેમથી બધાનું સ્વાગત કર્યું અને થોડો સમય પોતાની પાસે રાખ્યા વ્યાસજીએ તે સૌને મનની ગ્લાનિ છોડી દેવા અનુરોધ કર્યો પણ તેમણે તેનો જવાબ આપતા કહ્યું કે, ‘તે કેમે ય કરીને છૂટતી નથી. તે દૂર થાય એટલા માટે તો તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ !’ વ્યાસમુનિ આગળ કંઈ બોલ્યા નહીં. આગળની યાત્રા માટે જ્યારે પાણ્ડવો તેમની વિદાય લઈ રહ્યા હતા ત્યારે મહર્ષિ વ્યાસ એમના આશ્રમમાંથી તુંબડું લઈ આવ્યા અને યુધિષ્ઠિરના હાથમાં તેને આપતા કહેવા લાગ્યા, ‘વત્સ ! તીર્થોમાં તમે સ્નાન કરો ત્યારે તમારી સાથે આ તુંબડાને પણ બે-ચાર ડુબકી મરાવી દેજો. તે પણ પવિત્ર થઈ જાય ને ! પછી મારે પૂજામાં કામ લાગશે.’
વ્યાસજીએ પ્રેમથી સેવાનો અવસર આપ્યો છે એમ વિચારી પાણ્ડવોને પ્રસન્નતા થઈ. એક અણમોલ ધરોહરની જેમ પાણ્ડવોએ તેની સંભાળ રાખી અને આગળની તીર્થયાત્રા વખતે જે જે તીર્થોમાં પવિત્ર નદીઓમાં તે સ્નાન કરી ડૂબકી લગાવતા ત્યાં તે તુંબડીને પણ સ્નાન કરાવી ડુબકી લગાવડાવતા.
જ્યારે પાણ્ડવો તીર્થયાત્રાએથી પાછા ફર્યા ત્યારે અંતિમ પડાવ મહર્ષિ વ્યાસનો આશ્રમ જ હતો. બધાએ આવીને વ્યાસ મુનિને પ્રણામ કર્યા. વ્યાસજીએ ઉમળકાભેર બધાની આગતા સ્વાગતા કરી અને યાત્રા બરાબર થઈ કે નહિ તે વિશે પૂછપરછ કરી. પાણ્ડવોએ જવાબ આપ્યો કે, યાત્રા ખૂબ સારી રીતે પૂરી થઈ ગઈ. પછી યુધિષ્ઠિરે તેમના થેલામાંથી પેલું તુંબડું બહાર કાઢયું જે વ્યાસજીએ તેમને આપ્યું હતું. તે વ્યાસજીને પાછું આપતા યુધિષ્ઠિર કહેવા લાગ્યા ઃ ‘ઋષિવર ! આપે આપેલું આ તુંબડુ ખૂબ જાળવીને પાછું લેતા આવ્યા છીએ. અમે એને અમારી સાથે દરેક નદીમાં સ્નાન કરાવ્યુંં છે અને ડૂબકી મરાવી છે.’ વ્યાસજીએ તે તુંબડું પોતાના હાથમાં લીધું અને તેને ધ્યાનથી જોવા લાગ્યા પછી તેમણે ભીમને પાસે બોલાવીને કહ્યું – ‘વત્સ ! આ તુંબડાને તોડીને એના અનેક ટુકડા કરીનેે !’ બધા આશ્ચર્યથી વ્યાસજી તરફ જોવા લાગ્યા. પણ એમને કશું પૂછાય તો નહીં. ભીમે વ્યાસજીની આજ્ઞાાનું પાલન કર્યું અને તે તુંબડું તોડી તેના અનેક ટુકડા કરીને લઈ આવ્યો. વ્યાસજીએ દ્રૌપદીને કહ્યું – ‘આ ટુકડાં તું બધાને વહેંચી દે. તમે તે તીર્થયાત્રાનો પ્રસાદ આરોગો.’ બધાએ તેમ કર્યું.
તે પછી વ્યાસજીએ પોતે પણ એક ટુકડો ઉઠાવ્યો અને મોમાં મૂક્યો. તુંબડાનો ટુકડો મોમાં મુકતાની સાથે તેને થૂંકી કાઢતા કહેવા લાગ્યા, ‘અરે ! આ તો પહેલાના જેવો જ કડવો ને કડવો જ છે. તમને કેવો લાગ્યો ?’ બધા એક સાથે બોલી ઊઠયા, ‘અમને પણ કડવો જ લાગ્યો. તુંબડાનો સ્વાદ કડવો જ હોય એટલે કડવો જ લાગે ને ?’ આ સાંભળી વ્યાસજી કહેવા લાગ્યા- ‘અરે ! પણ આ તો તીર્થસ્થાનોની પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આવ્યું છે ને ! એટલે મીઠા થઈ જવું જોઈએ ને ? લોકો પોતાના દુર્ભાવ, વિકાર કે સ્વભાવને બદલવા તીર્થયાત્રા તો કરે છે !’ આ સાંભળી પાણ્ડવો અને કુંતી કહેવા લાગ્યા, ‘મુનિવર ! શું કોઈનો મૂળ સ્વભાવ પણ બદલી શકાય ? પ્રકૃતિના નિયમો તો અફર હોય છે.’
મહર્ષિ વ્યાસે તેમનેસમજાવતા કહ્યું, ‘પ્રકૃતિના નિયમ તો સનાતન અને અફર છે તે બદલાતા નથી પણ ક્યારેક તેના પર વિકારનો કષાય ચડી જાય છે તે તેને મલિન કરી દે છે. તે ઉપરથી લાગેલા વિકાર તો દૂર કરી શકાય ને ? દર્પણમાં તો પ્રતિબિંબ બતાવવાની ક્ષમતા છે. તે તેનો મૂળ સ્વભાવ છે પણ તેના પર ધૂળ કે કચરો બાઝી જાય તો તેની ક્ષમતા થોડા સમય પૂરતી ગુમાવી દે છે તેને સાફ કરી દો એટલે પ્રતિબિંબ બતાવવાનો એનો મૂળ સ્વભાવ પાછો પ્રગટ કરી દે છે. મનના વિકારોને દૂર કરવા માટે તનના સ્નાનની નહિ પણ મનના સ્નાનની જરૃર છે. મારું તુંબડું જેવું ગયું તેવું જ પાછું આવ્યું. તમે પણ મનની જે ગ્લાનિ સાથે તીર્થસ્થાન કરવા ગયા તેવા જ પાછા આવ્યા.
તમારી ગ્લાનિ દૂર થઈ નથી. તમે જાત અનુભવથી જ જોઈ લીધું કે, તમારા મનના દુઃખ- શોકાદિ વિકારો પોતાનાથી દૂર જવાથી દૂર થયા નથી. તમે તમારામાં જ પ્રતિષ્ઠિત રહો અને પ્રસંગોપાત મન પર લાગેલા વિકારોને જુઓ, સમજો અને સ્વીકારો. પછી સમ્યક્ જ્ઞાાન થતા તે આપોઆપ નીકળી જશે. સુવર્ણને શુદ્ધ થવા સ્વયં આગમાં તપવું પડે છે. તમારામાં પણ પશ્ચાત્તાપનો અગ્નિ પ્રકટયો છે. આ સાત્ત્વિક પશ્ચાત્તાપ તમારી સાધનાને શુદ્ધ અને પરિષ્કૃત કરી રહ્યો છે. થોડા સમયમાં તે પવિત્ર આભારૃપે ચમકી ઉઠશે. પશ્ચાત્તાપ પોતે જ પોતાના મકાન તપસ્યા છે. તીર્થયાત્રામાં પાછળ તનને નહિ મનને પવિત્ર કરવાનું વિધાન છે એટલે જ શાસ્ત્રમાં તેને પવિત્ર કહેવામાં આવી છે. મન પવિત્ર ન થાય તો કંઈ અર્થ રહેતો નથી.