મોટી સંપતિ

એક યુવાન નાનો એવો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બજારમાં મંદીનું વાતાવરણ હોવાથી ધંધો ઠંડો પડી ગયો હતો. દિવસે અને દિવસે આ યુવાન નિરાસાની ઉંડી ખીણમાં ધકેલાઇ રહ્યો હતો. ક્યારેક ક્યારેક તો આત્મહત્યા કરી લેવાના વિચારો પણ આવતા હતા.
આવી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલા યુવાનને વધુ એક ફટકો પડ્યો. એના પિતાનું અવસાન થયુ. ઘરની બધી જ જવાબદારી હવે એના પર આવી. પિતાના અવસાન બાદ ખબર પડી કે પિતાજીએ તો બહુ મોટી લોન લીધેલી હતી. હવે તો યુવાન સાવ પડી ભાંગ્યો. શું કરવુ ? એની એને કશી જ ખબર નહોતી પડતી.
પિતાજીની બધી જ ક્રિયાઓ પતાવ્યા પછી એક દિવસ પિતાના રૂમમાં કેટલાય સમયથી બંધ રહેલો કબાટ ખોલ્યો. કબાટમાં બીજુ તો કંઇ નહોતું પરંતું રેશમના કાપડમાં વીંટાળેલો કોઇ ગ્રંથ હતો. યુવાને ગ્રંથ પરનું કાપડ હટાવ્યુ તો તે એક ચોપડો નીકળ્યો.
યુવાને ચોપડો ખોલતાની સાથે જ પિતાના અક્ષરો પરથી ઓળખી લીધુ કે આ પિતાજીએ પોતાના હાથે લખેલો ચોપડો છે. પ્રથમ પાનું ખોલીને વાંચવાની શરુઆત કરી. ચોપડામાં લખ્યુ હતુ ‘ મારા બાપદાદાની બહુ મોટી સંપતિ મે જતન કરીને જાળવી રાખી છે. આ ઘરના અગ્નિ ખુણામાં 3 હાથ ઉંડે સોનાથી ભરેલા 5 ઘડા સાચવીને રાખ્યા છે. મુશ્કેલીના સમયે આ ઘડાઓ ખુબ કામમાં આવશે. પણ મુશ્કેલીને પહોંચી વળવા પોતાનાથી બને તે બધા જ પ્રયાસો કરવા અને પછી જ જરુર પડે તો આ ઘડાઓને ખોદીને બહાર કાઢવા.”
યુવાનમાં જાણે કે નવો પ્રાણ ફુંકાયો. તમામ હતાશા ખંખેરીને કામે લાગ્યો. બહુ મોટી સંપતિ એની પાસે છે એ વિશ્વાસે એ મોટા સાહસો કરto ગયો અને આગળ વધતો ગયો. તમામ દેવુ ચુકતે થયુ અને ધંધાનો પણ ખુબ વિકાસ થયો. પેલા ઘડા કાઢવાની જરુર જ ન પડી.
મિત્રો , આપણા ધર્મગ્રંથો પણ પિતાજીના ચોપડા જેવા છે. એમા લખેલુ સાચુ છે કે કેમ એ બાબતની ચર્ચામાં પડવા જેવુ નથી પરંતુ એટલુ ચોક્કસ કહી શકાય કે મુર્છીત માણસમાં જીવંતતા લાવવાનું કામ સદગ્રંથો કરે છે.