સંબંધોનો સ્વભાવ …– કૃષ્ણકાંત ઉનડકટ

સંબંધોનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે. ચળકતા પારાની જેમ સંબંધો ક્યારે હાથમાંથી સરકી જાય તે કોઈ કહી શકતું નથી. સંબંધો બંધાવાનાં ઘણી વખત કોઈ કારણો હોતાં નથી. હા, સંબંધો તૂટવાના હજારો કારણો હોય છે. સંબંધો સહજતાથી બંધાય છે અને એક કડાકા સાથે તૂટે છે. સંબંધોના બંધાવા અને તૂટવા સાથે આપણે ત્યાં વર્ષોથી એક વાત કહેવામાં આવે છે. સંબંધો તો કાચ જેવા છે. એકદમ ટ્રાન્સપરન્ટ. પણ સંબંધો જ્યારે તૂટે છે ત્યારે કાચમાંથી તિરાડ પાડી દે છે. આ સંબંધો પછી બંધાય કે સુધરે તો પણ તેમાં તિરાડ રહી જાય છે. સંબંધો તૂટવાના ધડાકાની ગૂંજ પછી વારંવાર સંભળાતી રહે છે.

સંબંધો સારા હોય ત્યારે આપણે સંબંધોની મીઠાશ માણીએ છીએ. સંબંધો તૂટે ત્યારે આપણે તેની કડવાશ પચાવી શકતા નથી. આ કડવાશ આપણે ઘણી વખત જ્યાં અને ત્યાં થૂંકતા પણ રહીએ છીએ. જેના વગર ગળે કોળિયો ઊતરતો ન હોય તેની સાથે જ્યારે સંબંધ તૂટે છે ત્યારે તેનું નામ પડતાં જ ભૂખ મરી જાય છે. આપણે સંબંધોમાં પણ કેવા સ્વાર્થી હોઈએ છીએ ? પ્રેમ અને દોસ્તીનો સંબંધ અલૌકિક હોય છે. મિત્ર અને પ્રેમી સૌથી નજીકની વ્યક્તિ લાગે છે. જ્યારે દોસ્તી અને પ્રેમ તૂટે છે પછી વ્યક્તિ કડવાશ ઘોળવામાંથી નવરી નથી થતી. દોસ્તી અને પ્રેમની બધી જ સારી પળો વિસરાઈ જાય છે. સંબંધો તો બંધાવાના અને તૂટવાના. સૌથી મોટી વાત એ છે કે, રીલેશનની ‘ગ્રેસફૂલનેસ’ જળવાવી જોઈએ.

બે મિત્રો હતા. બંને વચ્ચેની દોસ્તીનાં લોકો ઉદાહરણ આપતા. આ બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો. દોસ્તી તૂટી ગઈ. સંબંધો દુશ્મનીની હદ સુધી વકર્યા. એક મિત્રએ કહ્યું કે, તારી સાથેની દુશ્મની હવે હું જિંદગીભર નહીં ભૂલું. આ સમયે બીજા મિત્રએ કહ્યું કે, હું આ દુશ્મની ક્યારેય યાદ નહીં રાખું. મને એ ખબર છે કે, આપણા વચ્ચે હવે અગાઉ જેવી દોસ્તી શક્ય નથી. છતાં દુશ્મની યાદ શા માટે રાખવાની ? આપણે છૂટા તો એક ક્ષણમાં પડ્યા હતા પણ દોસ્તી તો વર્ષો સુધી માણી છે. તું દુશ્મની યાદ રાખે તો તને મુબારક. એ દોસ્ત ! હું તો આપણી દોસ્તીને યાદ રાખીશ.

સંબંધોમાં પણ જ્યારે પ્રેમના સંબંધો તૂટે છે ત્યારે ઘણા લોકો હિંસક બની જાય છે. પ્રેમમાં જ્યારે અધિકારભાવ અને અપેક્ષાઓનો અતિરેક થાય ત્યારે પ્રેમ આવો ભાર સહન કરી શકતો નથી. એક પ્રચંડ ધડાકા સાથે પ્રેમ તૂટે છે. તેમના તૂટવાની કળ વળતાં બહુ વાર લાગે છે. બહુ ઓછા લોકો તૂટેલા પ્રેમને કે તૂટેલા સંબંધોને ગૌરવભેર જીવી જાણે છે. તૂટેલા સંબંધો પણ નિભાવવાના હોય છે. દિલના એક ખૂણે તેને સાચવીને રાખવાના હોય છે. સંબંધો સમયનો એક ટૂકડો છે. ઘણી વખત સમય સાથે એ સંબંધ પણ સરી જાય છે, પણ જો એ ટૂકડાને સદાયે સજીવન રાખીએ તો તેની મંદ મંદ સુગંધ આવતી રહે છે. એક શાયરના પ્રેમની આ વાત છે. એક છોકરીને આ શાયરે અઢળક પ્રેમ કર્યો. પ્રેમમાં હોય ત્યારે માણસ સૌથી વધુ સપનાંઓ જોતો હોય છે. બંનેએ પોતાની આંખોમાં અઢળક સપનાં આંજી રાખ્યાં હતાં. પણ એક દિવસ આ સપનાં આંસુ સાથે વહી ગયાં. સંજોગોએ કરવટ બદલી અને બંને જુદા પડી ગયાં. જુદા પડવાની છેલ્લી ક્ષણ હતી ત્યારે બંને ચૂપ બેઠાં રહ્યાં. બેમાંથી કોઈ કંઈ બોલતું ન હતું. મૌનની ભાષા ઘણી વખત શબ્દોને પણ ઝાંખા અને વામણા બનાવી દે છે. હાથના સ્પર્શથી હજારો સંદેશાઓ આપીને બંને છૂટા પડ્યા. દરેક ડગલામાં હજારો મણના ભાર હતા. પણ કોઈ જ ફરિયાદ ન હતી. દર્દ હતું પણ દુઃખ ન હતું. પ્રેમીએ કહ્યું, તને શું દોષ દેવો ? તેં મને ક્યાં છેતર્યો છે ? મને તો તારા સંજોગો અને મારા સમયે છેતર્યો છે. મને તારી સાથે કોઈ ફરિયાદ નથી. ઊલટું હું તો પ્રભુનો આભાર માનું છું કે, મારા જીવનના એક ટુકડામાં તેણે તારું ચિત્ર દોર્યું હતું. એક શાયરે સરસ વાત કરી છે, કુછ તો મજબૂરીયાં રહી હોગી, યું કોઈ બેવફા નહીં હોતા…..

પ્રેમિકાથી જુદાં પડ્યા પછી શાયર પ્રેમીએ લખ્યું કે, મેં તને પ્રેમ કર્યો હતો ચાતકની જેમ. મેં તને સીધી મારી અંદર ઝીલી હતી. આખું ચોમાસું હું ભીંજાતો રહ્યો હતો. ત્યારે મને ખબર ન હતી કે આ મોસમ પણ જતી રહેવાની છે. ચોમાસા પછી શિયાળો અને ઉનાળો પણ આવવાનો છે. આજે તારી યાદનો ધોમધખતો તાપ છે પણ મને તો એ જ યાદ છે કે, પહેલા વરસાદના પહેલા છાંટાની જેમ મેં તને ઝીલી હતી. મારા ગળામાં હજુ પણ એ તૃપ્તિને મેં જીવતી રાખી છે. એ પહેલા છાંટાની ભીનાશ હજુ મેં સુકાવા નથી દીધી. મને ગૌરવ છે એ છાંટાનું અને એ ભીનાશનું. સંબંધોમાં જો જીવતાં આવડે તો એક છાંટો પણ આખું જીવન તરબતર કરી દે છે.

પ્રેમ, દોસ્તી અને લોહીના સંબંધોનું તૂટવું એ સંબંધોના બંધાવા જેટલું જ સ્વાભાવિક છે. પણ એ સહન કરવું આકરું છે. એટલે જ કહેવાય છે કે તૂટેલા સંબંધોની માવજત કરવામાં વધુ મેચ્યોરિટીની જરૂર પડે છે. હાથમાંની રેતીની જેમ ઘણી વખત સંબંધો સરી જતા હોય છે. પ્રેમમાં હતાશ થયેલા એક યુવાનના હાથમાંથી અરીસો સરી ગયો. એક અસ્તિત્વ જાણે ટુકડે-ટુકડા થઈ ગયું. તેની આંખો ભીની હતી. એક બાળક રમતાં રમતાં ત્યાં આવી ચડ્યું. યુવાનની ભીની આંખો જોઈ બાળકે કારણ પૂછ્યું. યુવાનને થયું, આ બાળકને શું ખબર પડે ? બાળકનું મન ન દુભાય એટલે તેણે કહ્યું કે, મારો અરીસો તૂટી ગયો. બાળક હસી પડ્યો. બે-ચાર ટુકડા લાવીને તેણે કહ્યું કે, અંકલ, જુઓ, હવે તો આ દરેક ટુકડામાં તમારો ચહેરો દેખાય છે. પહેલાં તો એકમાં જ ચહેરો જોઈ શકતા હતા. હવે તો તમારી પાસે કેટલા બધા છે ! સંબંધોનું પણ આવું જ છે. જુદા જુદા ટુકડાઓમાં ચહેરાઓ જોવાના હોય છે.

સંબંધો જીવનપર્યંત ટકે તો તેના જેવી શ્રેષ્ઠ વાત કોઈ નથી પણ એવા સંબંધો બહુ ઓછા હોય છે. જીવનમાં સંબંધો બંધાય છે અને તૂટતા પણ રહે છે. સંબંધોની શ્રેષ્ઠતા એમાં છે કે, સંબંધો તૂટી ગયા પછી પણ એ સંબંધોનું ગૌરવ જળવાઈ રહે. તૂટેલા સંબંધોને એવા સૂકા ફૂલની જેમ રાખો કે તેના ઉપર જ્યારે પણ સ્મરણોનું પાણી છાંટીએ ત્યારે તે મહેકી ઊઠે…